(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો વહેલી તકે અંત આવે તેવા આશાવાદ હેઠળ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ વધીને બે સપ્તાહની ઊંચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને ચાંદીના ભાવમાં પણ આગેકૂચ જળવાઈ રહી હોવાના અહેવાલ સાથે સતત બીજા સત્રમાં સુધારો આગળ ધપ્યો હતો. આમ વિશ્વ બજારનાં સતત બે સત્રના પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 9701નો ઉછાળો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 4104થી 4120 વધી આવ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન મહાવીર જયંતીની જાહેર રજા હોવાથી બંધ રહ્યું હોવાથી સત્તાવાર ધોરણે સોનાચાંદીના ભાવની જાહેરાત નહોંતી થઈ.
આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે 999 ટચ ચાંદીમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં વેરારહિત ધોરણે ભાવ વધુ કિલોદીઠ રૂ. 9701ના ઉછાળા સાથે રૂ. 2,39,836ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચી સપાટીએથી ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહી હતી. તે જ પ્રમાણે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 4104 વધીને રૂ. 1,50,249 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 4120 વધીને રૂ. 1,50,853ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ વધ્યા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી, પરંતુ છૂટીછવાઈ રોકાણલક્ષી માગ જોવા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ અને રાજ્યકક્ષાના સચિવ માર્કો રુબિયોએ બન્ને પક્ષે વાટાઘાટો થઈ રહી છે અને કોઈપણ ડીલ વિના યુદ્ધનો અંત આવે તેવી શક્યતા વ્યક્ત કરતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 1.8 ટકા વધીને 4755.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જોકે, તે પૂર્વે એક તક્કે ભાવ બે ટકા વધીને ગત 19મી માર્ચ પચીની ઊંચી સપાટી સુધી પહોંચ્યા હતા. વધુમાં આજે એપ્રિલ ડિલિવરી વાયદામાં ભાવ 2.3 ટકા વદીને 4783.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ 0.2 ટકા વધીને ઔંસદીઠ 75.27 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અમેરિકી પ્રમુખ તરફથી સકારાત્મક અણસાર મળતા આજે ડૉલર ઈન્ડેક્સ ઘટીને એક સપ્તાહની નીચે ક્વૉટ થઈ રહ્યો હતો અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ ઘટીને બે સપ્તાહની નીચી સપાટી આસપાસ હોવાથી સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું ક્વૉન્ટિટેટિવ કૉમૉડિટી રિસર્ચના વિશ્લેષક પીટર ફર્ટિગે જણાવ્યું હતું. એકંદરે આજે સોનામાં સતત બીજા સત્રમાં સુધારો જોવા મળ્યો હોવા છતાં ગત માર્ચ મહિનામાં સોનાના ભાવમાં ઑક્ટોબર, 2008 પછીનો સૌથી વધુ 11 ટકાનો ઘટાડો નોંધાયો હતો.