નવી દિલ્હીઃ સૂર્યકુમારના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડકપ જીતી હતી. ટ્રોફી જીતીને ભારતીય ક્રિકેટ ટીમે ઈતિહાસ બનાવ્યો અને ઘણાય રેકોર્ડ બ્રેક કર્યા. સતત ત્રીજી વાર T20 વર્લ્ડકપ જીતનારી ભારતીય ક્રિકેટ ટીમનો રેકોર્ડ બન્યો છે. ફાઈનલ મેચ જીત્યા બાદ સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીર હનુમાનજીના મંદિર ટ્રોફીને લઈને પહોંચ્યા હતા.
આ ઘટના બાદ વર્ષ 1983માં વિશ્વવિજેતા ટીમના સભ્ય રહેલા ખેલાડી કીર્તિ આઝાદે બફાટ કર્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમની ટિકા કરી હતી, જેમા પહેલા ઈશાન કિશન જવાબ આપી ચૂક્યો છે. હવે કોચ ગૌતમ ગંભીરે આ વિષયને લઈ જડબાતોડ જવાબ આપ્યો હતો.
જવાબ આપવો જ વ્યર્થ છે
ક્રિકેટરમાંથી નેતા બનેલા કીર્તિ આઝાદે ભારતીય ટીમ, ગૌતમ ગંભીર અને ICCના ચેરમેન જય શાહની ટીકા કરી છે. ટ્રોફી જીત્યા બાદ અમદાવાદમાં આવેલા હનુમાનજીના મંદિરે પહોંચ્યા હતા. આ વિષય પર મુખ્યકોચ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, તેઓ પોતાની જ ટીમની છબીને ખરડી રહ્યા છે. ખેલાડીઓને નીચા દેખાડી રહ્યા છે. આવું ન કરવું જોઈએ. આ વિષય પર હવે હું તો શું કહું? સમગ્ર દેશ માટે આ એક ગૌરવશાળી ક્ષણ છે. આવા લોકોના સવાલનો જવાબ આપવો પણ વ્યર્થ છે. મને એવું લાગે છે કે, વિશ્વકપના વિનર્સ ખેલાડીઓ સાથે આપણે સેલિબ્રેશન કરવું જોઈએ.
નબળી માનસિકતા છે
કેટલાક લોકોની વાતને મોટી કરવાની કોઈ જરૂર નથી. આવું એટલા માટે કારણ કે આવા લોકો અને તેમની વાત તમારી સફળતાને નબળી બનાવે છે. એ એમની નબળી માનસિકતાને છતી કરે છે. 15 ખેલાડીઓની મહેનત, સફળતા અને જીત આવા લોકોના નિવેદનથી નબળી બની જાય, આવતીકાલે આવું બીજા કોઈ બોલી જાય અને અને તેને ગંભીરતાથી લઈએ એ તો ભારતીય ક્રિકેટ ટીમના કોઈપણ ખેલાડીઓ માટે યોગ્ય ન કહેવાય.
આવો બફાટ સારો નથી લાગતો.ખેલાડીઓ ઓલરેડી પ્રેશરમાં હતા. આવા લોકોના નિવેદનથી એમના આત્મવિશ્વાસના કાંકરા થાય છે. સાઉથ આફ્રિકાના મેચ બાદ તેઓ પ્રેશરમાં હતા પછી તેમણે આટલી મોટી સફળતા પ્રાપ્ત કરી છે.
પ્રેશર હતું જ
સાઉથ આફ્રિકાની મેચ બાદ ખેલાડીઓ પર પ્રેશર હતું. દરેક ખેલાડીએ કેટલું સહન કર્યું હશે. તમે આ પ્રકારનું નિવેદન આપો છો તો તમે દરેક ખેલાડીઓને ખરા અર્થમાં નીચા દેખાડવાનો પ્રયાસ કરો છો. સેલિબ્રેશન કેવી રીતે કર્યું એ મહત્ત્વનું નથી મેચ જીતીને ટ્રોફી મેળવી એ એનાથી પણ વધારે મહત્ત્વ ધરાવે છે. જોકે, આ પહેલા પણ કીર્તિ આઝાદે ટ્રોફીને ધર્મ સાથે જોડીને કડવા પ્રવચન કર્યા હતા. જોકે, ભારતીય ટીમના કોઈ પણ ખેલાડી એમના નિવેદનની ગંભીરતાથી લેતા નથી. એવામાં ગંભીરે દમદાર જવાબ આપી દીધો છે.