Sat Sep 12 2026

Logo

અવિશ્વાસ પ્રસ્તાવ: ગૌરવ ગોગોઈના સરકાર પર આકરા પ્રહાર, કહ્યું- 'આ બંધારણના રક્ષણ માટેનું પગલું'

2026-03-10 16:22:53
Author: Mumbai Samachar Team
અવિશ્વાસ પ્રસ્તાવ: ગૌરવ ગોગોઈના સરકાર પર આકરા પ્રહાર, કહ્યું- 'આ બંધારણના રક્ષણ માટેનું પગલું'

સંસદમાં માઈક બંધ કરવા અને સંસદીય ગરિમા જાળવવા બાબતે વિપક્ષે સરકારને ઘેરી

નવી દિલ્હીઃ લોકસભામાં આજે વિપક્ષી પાર્ટીના સાંસદો દ્વારા સ્પીકર ઓમ બિરલાને હટાવવા માટે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે જોરદાર ગરમાગરમી જોવા મળી. કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ દ્વારા પ્રસ્તુત અવિશ્વાસ પ્રસ્તાવ મુદ્દે ચર્ચા શરુ કરતા કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે આ કોઈ વ્યક્તિ વિશેષની વિરુદ્ધ નહીં, પરંતુ સંસદીય ગરિમા અને બંધારણના રક્ષણ માટે ઉઠાવવામાં આવેલું પગલું છે.

માઈકનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરાય છે

ગૌરવ ગોગોઈએ ગૃહના સંચાલન અંગે પણ ગંભીર સવાલ કરતા કહ્યું કે વર્તમાન લોકસભામાં માઈકને એક હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી અથવા અન્ય વિપક્ષી નેતા મહત્ત્વના મુદ્દા વાત કરવા ઊભા થાય છે ત્યારે તેમને બોલવા દેવામાં આવતા નથી અથવા તો માઈક બંધ કરી દેવામાં આવે છે. ગોગોઈએ કહ્યું કે અમને આ પ્રસ્તાવ લાવવામાં આનંદ થઈ રહ્યો નથી, પરંતુ ગૃહમાં જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે આ રાજધર્મનું પાલન કરવું પડી રહ્યું છે.

સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે બબાલ

ચર્ચા દરમિયાન ગોગોઈએ અનેક જૂના કિસ્સાનો પણ ઉલ્લેખ કર્યો. ગોગોઈએ દાવો કર્યો કે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિના અભિભાષણ વખતે જ્યારે વિપક્ષના નેતા બોલવા ઊભા થયા ત્યારે જાણીજોઈને 20 વખત અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો. ગોગોઈએ કિરેન રિજ્જુના ભવિષ્યના રેકોર્ડ અંગે સૌથી વધુ વખત અવરોધ ઊભો કરનારા સંસદીય બાબતોના પ્રધાન ગણાવ્યા. દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે ગોગોઈની વાતને સમર્થન આપ્યું અને કહ્યું રિજ્જુએ અવરોધ ઊભો કર્યો હતો, પરંતુ દેશના ઈતિહાસમાં સૌથી બિનજવાબદાર વિપક્ષ ક્યારેય જોયો નથી.

સીમા-સુરક્ષા, વેપાર મુદ્દે કરી ટીકા

કોંગ્રેસના નેતાએ રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ મુદ્દે સરકારની ટીકા કરી. તેમણે આરોપ લગાવતા કહ્યું કે જ્યારે સરહદ પર પડોશી દેશની ટેન્ક આવી રહી હતી, ત્યારે દેશનું નેતૃત્વ નબળું પુરવાર થયું હતું તેમ જ રાહુલ ગાંધી દ્વારા ઊઠાવવામાં આવેલા મુદ્દાને સમર્થન આપતા કહ્યું કે અમેરિકા સાથેના કરાર દબાણમાં કરવામાં આવ્યા છે, તેમાંય વળી જ્યારે વિપક્ષના નેતા દરેક મુદ્દે વાસ્તવિકતા જણાવવા માટે તૈયાર હતા, ત્યારે સત્તાધારી પક્ષે તેમને રોકવાની કોશિશ કરી હતી.