ભરત ભારદ્વાજ
ભારતમાં હમણાં જંતર મંતર પર સોનમ વાંગચુકના આમરણાંત ઉપવાસની ધાંધલ ધમાલ જોરશોરથી ચાલી રહી છે તેથી વેસ્ટ ઈન્ડિઝના મહાન ઓલરાઉન્ડર ગારફિલ્ડ સોબર્સ ઉર્ફે ગેરી સોબર્સનું 89 વર્ષની ઉંમરે નિધન થયું તેની બહુ નોંધ ના લેવાઈ. સોબર્સ ઘણાં વરસોથી જાહેરમાં દેખાતા નહોતા તેથી લાઈમલાઈટમાં નહોતા એ કારણ હોઈ શકે.
સોબર્સ 5 દાયકા પહેલાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયેલા તેથી નવી પેઢી માટે બહુ જાણીતું નામ નહોતું ને સમય પ્રમાણે સમાચારોની પસંદગી બદલાઈ છે તેથી એ પણ એક કારણ હશે પણ તેના કારણે એ વાસ્તવિકતા નથી બદલાતી કે, સોબર્સના નિધન સાથે વિશ્વ ક્રિકેટના એક સુવર્ણ પ્રકરણનો કાયમ માટે અંત આવી ગયો.
વેસ્ટ ઈન્ડિઝ વતી 1954થી 1974 દરમિયાન 93 ટેસ્ટ રમનારા ગેરી સોબર્સને લગભગ તમામ ક્રિકેટ વિવેચકો ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મહાન ઓલરાઉન્ડર તરીકે સ્વીકારે છે. તેનું કારણ એ કે, બેટ્સમેન તરીકેનો રેકોર્ડ સોબર્સને વિશ્વના મહાનતમ બેટ્સમેનમાં સ્થાન અપાવે છે જ્યારે બોલર તરીકેનો રેકોર્ડ મહાનતમ બોલરો અને સેકન્ડ કેટેગરીના બોલરોની વચ્ચે છે. સોબર્સ પહેલાં પણ વિશ્વ ક્રિકેટમાં ઘણા ઓલરાઉન્ડર આવ્યા. ઓસ્ટ્રેલિયાના કીથ મિલર, ભારતના વિનુ માંકડ, ઈંગ્લેન્ડના મૌરીસ ટેટ વગેરે સારા ઓલરાઉન્ડર હતા પણ સોબર્સ અમીટ છાપ છોડી ગયા તેનું કારણ તેમની જબરદસ્ત બેટિંગ હતી.
સોબર્સ રમતા એ જમાનામાં વિશ્વમાં ટેસ્ટ ક્રિકેટ જ રમાતું અને ટેસ્ટ ક્રિકેટ રમતા દેશોની સંખ્યા પણ ગણીને હતી. ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને ન્યૂ ઝીલેન્ડ એ દેશો જ ટેસ્ટ ક્રિકેટ રમતા. સોબર્સે વેસ્ટ ઈન્ડિઝ સામેના બાકીના પાંચેય દેશો સામે ટેસ્ટ સદી ફટકારી હતી. બહુ ઓછા ક્રિકેટરો આ પરાક્રમ કરી શક્યા છે.
ગેરી સોબર્સે 93 ટેસ્ટમાં 57.78 રનની એવરેજથી કુલ 8032 રન બનાવ્યા કે જેમાં 26 સદી અને 30 અડધી સદી ફટકારી છે. ભારતના ક્રિકેટ ઈતિહાસના સૌથી મહાન 4 બેટ્સમેન સચિન તેંડુલકર, સુનિલ ગાવસકર, રાહુલ દ્રવિડ અને વિરેન્દ્ર સેહવાગ છે. આ ચારમાંથી કોઈની એવરેજ સોબર્સની નજીક પણ નથી. સચિને 200 ટેસ્ટની 329 ઇનિંગ્સમાં કુલ 15,921 રન બનાવ્યા અને તેની એવરેજ 53.78 રનની છે. રાહુલ દ્રવિડની એવરેજ 52.63 રનની છે જ્યારે સુનિલ ગાવસકરની એવરેજ 51.12 રનની છે. વિરેન્દ્ર સેહવાગ તો 49.53 રનની એવરેજ ધરાવે છે.
સોબર્સ કન્સિટન્સી એટલે કે સાતત્યમાં પણ ભારતના ચારેય મહાન બેટ્સમેનથી આગળ છે. સોબર્સે 93 ટેસ્ટની 139 ઈનિંગ્સમાં 26 સદી અને 30 અડધી સદી ફટકારી છે. મતલબ કે, સાડા ત્રણ ટેસ્ટમાં એક સદી ફટકારી છે અને દર 2.62 ઈનિંગમાં ફિફ્ટી પ્લસ સ્કોર કર્યો. સચિને 200 ટેસ્ટની 329 ઇનિંગ્સમાં 51 સદી અને 68 અડધી સદી ફટકારી છે. મતલબ કે સચિનની દર 4 ટેસ્ટમાં એક સદી છે અને સરેરાશ 2.76 ઈનિંગમાં ફિફ્ટી પ્લસ સ્કોર છે. બીજા બેટ્સમેન તો તેનાથી પણ પાછળ છે. સચિન, સુનિલ, રાહુલ કે વિરાટની મહાનતા સામે શંકા કરવાનો ઈરાદો નથી પણ સોબર્સ આ મહાન બેટ્સમેન કરતાં પણ સારો રેકોર્ડ ધરાવે છે એ હકીકત છે.
સોબર્સ તો વિશ્વના મહાનતમ ટેસ્ટ બેટ્સમેનમાં પણ ટોપ ફાઈવમાં આવે છે. વિશ્વમાં 50 કરતાં વધારે ટેસ્ટ રમ્યા હોય ને સોબર્સ કરતાં સારી એવરેજ ધરાવતા હોય એવા માત્ર 4 બેટ્સમેન છે. ઓલ ટાઈમ ગ્રેટેસ્ટ ડોન બ્રેડમેન (ઓસ્ટ્રેલિયા), હર્બર્ટ સર્ટક્લિફ (ઈંગ્લેન્ડ), કેન બેરિંગ્ટન (ઈંગ્લેન્ડ) અને વોલી હેમંડ (ઈંગ્લેન્ડ). સોબર્સ આ તમામ મહાન બેટ્સમેન કરતાં વધારે ટેસ્ટ રમ્યા ને છતાં તેમની એવરેજ 58 રનની આસપાસ છે એ મોટી વાત કહેવાય.
ક્રિકેટ વિવેચકો સોબર્સને ડોન બ્રેડમેન પછી બીજા નંબરના મહાનતમ ક્રિકેટર માને છે કેમ કે બીજા બેટ્સમેનની એવરેજ ભલે સારી હોય પણ એ બધા બોલિંગ નહોતા કરી શકતા. સોબર્સ જોરદાર બેટિંગની સાથે સાથે સારી બોલિંગ પણ કરી શકતા હતા. સોબર્સે 93 ટેસ્ટમાં 235 વિકેટ ઝડપીને બોલિંગથી પણ વેસ્ટ ઈન્ડિઝને ઘણી જીત અપાવી હતી. વેસ્ટ ઈન્ડિઝ 1952માં પહેલી ટેસ્ટ રમ્યું અને સોબર્સ પહેલી ટેસ્ટ 1954માં રમ્યા તેથી વેસ્ટ ઈન્ડિઝ હજુ વિશ્વ ક્રિકેટમાં બેબી જ હતું ત્યારે સોબર્સની એન્ટ્રી થઈ ગયેલી.
વિશ્વ ક્રિકેટમાં 1980ના દાયકાથી ફાસ્ટ કે મીડિયમ બોલર હોય ને સારી બેટિંગ કરી શકતા હોય એવા ઓલરાઉન્ડર્સનો યુગ શરૂ થયો. કપિલદેવ, ઈમરાન ખાન, રિચાર્ડ હેડલી અને ઈયાન બોથમ એ ચાર મહાન ઓલરાઉન્ડર્સ આ યુગમાં આવ્યા. એ પછી તો સ્ટીવ વો, જેકસ કાલિસ, વસિમ અકરમ, શૌન પૌલોક, બેન સ્ટોક્સ વગેરે ઘણા ફાસ્ટ બોલિંગ કરી શકતા ઓલરાઉન્ડર્સ આવ્યા પણ સોબર્સ આ બધાથી આગળ હતા.
ક્લાઈવ લોઈડે 1970ના દાયકામાં ટીમમાં ચાર-ચાર ખતરનાક ફાસ્ટ બોલરોને રમાડીને સામેની ટીમના બેટ્સમેનોમાં ખૌફ ફેલાવવાની વ્યૂહરચના અપનાવી એ પહેલાં સોબર્સ રીટાયર્ડ થઈ ગયેલા. મતલબ કે વેસ્ટ ઈન્ડિઝમાં ફાસ્ટ બોલરોનો ફાલ ઉતરવાની શરૂઆત થઈ એ પહેલાં સોબર્સ રમતા હતા.
એ જમાનામાં સોબર્સ મીડિયમ ફાસ્ટ અને સ્પિન એમ બંને પ્રકારની બોલિંગ નાખતા. ઘણી વાર તો બોલિંગની શરૂઆત જ સોબર્સે કરવી પડતી. સોબર્સે એ ભૂમિકા પણ સારી રીતે નિભાવી હતી એ જોતાં કપિલ સહિતના ફાસ્ટ બોલિંગ કરી શકતા મહાન ઓલરાઉન્ડર્સની પરંપરા સોબર્સથી થઈ એમ કહી શકાય. મતલબ કે, સોબર્સ બધા ઓલરાઉન્ડરના બાપ હતા. આ બધા ઓલરાઉન્ડર્સ બોલિંગમાં સોબર્સ કરતાં સારા હતા પણ બેટિંગમાં સોબર્સની નજીક પણ આવી શકે તેમ નથી.
સોબર્સને સૌથી વધારે યાદ વરસો લગી અડીખમ રહેલા ટેસ્ટની એક ઈનિંગમાં અણનમ 365 રનના સ્કોર અને ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં સળંગ 6 બોલમાં 6 સિક્સર ફટકારનારા ખેલાડી તરીકે થાય છે. સોબર્સે 1958માં પાકિસ્તાન સામેની કિંગસ્ટન ટેસ્ટમાં અણનમ 365 રન ફટકારીને બનાવેલો વર્લ્ડ રેકોર્ડ વરસો સુધી ટક્યો હતો.
સોબર્સ પછી ટેસ્ટ ક્રિકેટમાં સુનિલ ગાવસકર, ગ્રેગ ચેપલ, વિવિયન રિચાર્ડ્સ, ઝહીર અબ્બાસ, જાવેદ મિયાંદાદ સહિતના મહાન બેટ્સમેન આવી ગયા પણ વરસો સુધી સોબર્સનો અણનમ 365 રનનો સ્કોર રેકોર્ડ કોઈ ના તોડી શક્યું. વેસ્ટ ઈન્ડિઝના જ બ્રાયન લારાએ 1994માં ઈંગ્લેન્ડ સામે 375 રન ફટકારીને આ રેકોર્ડ તોડ્યો હતો.
સોબર્સે 31 ઓગસ્ટ 1968ના રોજ સ્વાનસીના સેન્ટ હેલેન્સ મેદાન પર ગ્લેમોર્ગન સામે નોટિંગહામશાયરના કેપ્ટન તરીકે રમતાં માલ્કમ નૅશની એક જ ઓવરમાં છ છગ્ગા ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં સળંગ 6 બોલમાં 6 સિક્સર ફટકારનારા સોબર્સ પહેલા ક્રિકેટર હતા.
રવિ શાસ્ત્રીએ 1985માં વડોદરાના તિલકરાજની ઓવરમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારીને બરાબરી કરી પણ ફસ્ટ ક્લાસ ક્રિકેટમાં આ પરાક્રમ કરનાર તરીકે હજુય સોબર્સને જ યાદ કરાય છે. ટી-20માં તો 1 ઓવરમાં 39 રનનો વર્ડ રેકોર્ડ છે પણ એ ભાગ્યે જ કોઈને યાદ હશે જ્યારે સોબર્સની 6 બોલમાં 6 સિક્સર કદી ના ભૂલાઈ ને કદી ભૂલાશે પણ નહીં. મજાની વાત એ છે કે, આ જ સોબર્સ પોતે રમેલી એક માત્ર વન ડે મેચમાં ઝીરો રનમાં આઉટ થયેલા પણ એ વખતે તેમની ઉંમર 37 વર્ષ હતી.
સોબર્સના રેકોર્ડની વાતો માંડીશું તો પાર નહીં આવે. 20 વર્ષમાં આ માણસે અનેક રેકોર્ડ બનાવી નાખેલા ને તેના કારણે જ આજેય સોબર્સ વિશ્વના મહાનતમ ઓલરાઉન્ડર ગણાય છે.