(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશન હેઠળના રકનપુર ગામમાં આવેલી સોપાન રીટ્રીટ સોસાયટીમાં તસ્કરોએ એક રહેણાંક મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. રાત્રિના સમયે ફરિયાદી ધર્મેશકુમાર પટેલ અને તેમના પત્ની ધાબા પર સુતા હતા, ત્યારે ચાર અજાણ્યા તસ્કરો હોલની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં કંઈક તૂટવાનો અવાજ આવતા પ્રથમ માળે સુતેલા તેમના પુત્રએ સતર્કતા દાખવી તુરંત ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ મોઢે રૂમાલ બાંધેલા તસ્કરો બેડરૂમમાં રાખેલું લોકર લઈને સોસાયટીની દીવાલ કૂદીને ભાગી છૂટ્યા હતા, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
ચોરીની આ ઘટનામાં લોકરમાં રાખેલી અંદાજે રૂ.૮૫,૦૦૦ની રોકડ, રૂ.૧૦,૦૦૦ની કિંમતની બે કાંડા ઘડિયાળ અને ફરિયાદી તથા તેમની પત્નીના કુલ ચાર જૂના-નવા પાસપોર્ટ સહિત કુલ રૂ. ૯૫,૦૦૦ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનો પોલીસ ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે. સાંતેજ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી હતી.