Tue Oct 06 2026

Logo

જનેતા કે જલાદ? ગાંધીધામમાં ગટરના નાળામાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર

2026-04-07 13:53:00
Author: Mumbai samachar Team
જનેતા કે જલાદ? ગાંધીધામમાં ગટરના નાળામાંથી નવજાત શિશુ મળી આવતા ચકચાર

પ્રતીકાત્મક તસવીર


 

ભુજઃ  ગાંધીધામ શહેરના જવાહરનગર વિસ્તારમાં એક નવજાત શિશુને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી ગટરના નાળામાં ફેંકી દેવાની માનવતાને શર્મસાર કરનારી ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. સદનસીબે બાળકનો રડવાનો અવાજ સંભળાતા તેને સમયસર બચાવી લેવાયું હતું. પોલીસે બાળકને તરછોડનારા અજ્ઞાત માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ આદરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, જવાહરનગરના ગુપ્તા પ્રોવિઝન સ્ટોર પાસે રહેતા સંતોષ હરદયાલરામના ભાભી પરમબાલા દેવી ગત રાત્રે ૮:૩૦ વાગ્યાના અરસામાં ઘરની બહાર નીકળ્યા હતા, ત્યારે નજીક આવેલા પાણીના નાળામાંથી બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. તપાસ કરતા નાળામાં પડેલા એક પ્લાસ્ટિકના કોથળામાંથી તાજું જન્મેલું બાળક મળી આવ્યું હતું.

આ બાબતે જાણ થતા આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ધોરણે નવજાત શિશુને સારવાર માટે રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેની તબિયત હોવાનું સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. કામ પરથી પરત ફરેલા ફરિયાદી સંતોષ હરદયાલરામની ફરિયાદના આધારે પોલીસે પોતાના જ માસૂમ બાળકને અસુરક્ષિત હાલતમાં મરવા માટે છોડી દેનારા અજાણ્યા માતા-પિતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

આ વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ અને આસપાસની હોસ્પિટલોમાં થયેલી તાજેતરની ડિલિવરીના ડેટાના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક તરફ સરકાર બેટી બચાવો અને શિશુ સુરક્ષાના અભિયાન ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ આવી ઘટનાઓ સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થઈ રહી છે.

(ઉત્સવ વૈદ્ય)