Sat Sep 05 2026

Logo

106 કરોડનું ગેમિંગ કૌભાંડ: બોગસ કંપનીઓ બનાવી કરોડોની GST ચોરી કરનારાઓની જામીન અરજી ફગાવી

2026-04-26 21:43:58
Author: Devayat Khatana
106 કરોડનું ગેમિંગ કૌભાંડ: બોગસ કંપનીઓ બનાવી કરોડોની GST ચોરી કરનારાઓની જામીન અરજી ફગાવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ
બેંક ખાતાઓમાં નાણાંની ગેરકાયદે  હેરફેર કરી સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડવાના ગંભીર આર્થિક ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની જામીન અરજી ગાંધીધામની નામદાર અદાલતે ફગાવી દીધી છે. ઓનલાઈન ગેમિંગ અને બોગસ કંપનીઓના સહારે આચરાયેલા આ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓને જામીન આપવાનો અધિક સેશન્સ જજે ઈનકાર કર્યો હતો. 

ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ,ગાંધીધામ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આરોપીઓ દ્વારા એપેક્સિયો સ્પાર્કસ, ડીજેડેક્સ, જગન્નાથ એન્ટરપ્રાઈઝ, લા પીટુરા અને ન્યૂ ૩-જી સર્વિસ જેવી બોગસ કંપનીઓ ઊભી કરવામાં આવી હતી. આ કંપનીઓ દ્વારા વાસ્તવમાં કોઈ વ્યાવસાયિક પ્રવૃત્તિ કરવામાં આવતી ન હતી, પરંતુ ઓનલાઈન ગેમિંગ રમતા ખેલાડીઓ પાસેથી નાણાં ઉઘરાવવામાં આવતા હતા. આ નાણાં વિવિધ કંપનીઓના બેંક ખાતાઓમાં રૂટ કરીને અંતે મેસર્સ એપેક્સિયો સ્પાર્કસ ટેક્નોલોજીમાં ટ્રાન્સફર કરાતા હતા. તપાસમાં રૂા. ૧૦૬.૬૧ કરોડથી વધુની રકમ ટ્રાન્સફર થઈ હોવાનું અને અંદાજે રૂા. ૨૯.૮૫ કરોડની જીએસટી ચોરી થઈ હોવાનું ખુલ્યું હતું. 

આ કૌભાંડ મામલે ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઈન્ટેલિજન્સ, ગાંધીધામ દ્વારા આરોપી સુબ્રતકુમાર શાહુ અને ચિન્મય મિશ્રાની જીએસટી કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનાથી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા આ બંને આરોપીઓએ જામીન મુક્ત થવા ગાંધીધામ કોર્ટમાં અરજી કરી હતી.

સુનાવણી દરમિયાન વરિષ્ઠ સરકારી વકીલ અલ્પેશ ગોસ્વામીએ દલીલો કરતા જણાવ્યું હતું કે, આ એક ગંભીર આર્થિક ગુનો છે. આરોપીઓએ જાણીજોઈને ઓનલાઈન ગેમિંગના ભંડોળ મેળવવા માટે બેંક ખાતાનો ઉપયોગ થવા દીધો હતો અને નાણાકીય લાભ મેળવવા માટે જીએસટીની જવાબદારીઓ નેવે મૂકી વ્યવહારો ચાલુ રાખ્યા હતા.

બંને પક્ષોની દલીલો અને કેસની ગંભીરતાને ધ્યાને લેતા અધિક સેશન્સ જજ એ.એમ. મેમણે અવલોકન કર્યું હતું કે, આર્થિક ગુનાઓ દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે. પરિણામે, અદાલતે બંને આરોપીઓની જામીન અરજી નકારી કાઢી છે.