Sun May 03 2026

Logo

નોરા ફતેહી અને નાયરા બેનર્જીને મળવાની લાલચ આપી વેપારીને જાળમાં ફસાવ્યો, મુંબઈના ઠગે ગાંધીધામના વેપારીને ₹16.50 લાખનોલગાવ્યો ચૂનો

2026-02-14 12:47:36
Author: Mumbaisamachar Team
Article Image

ભુજઃ ફિલ્મી અભિનેત્રી નોરા ફતેહી ઘરે બોલાવી આપવાના નામે મુંબઈ, બેંગ્લોર જેવા શહેરોમાં ડી.જે પાર્ટી કરાવતા એક પંજાબી શખ્સે એક મહિલા સહીત ત્રણ મિત્રોની મદદગારી સાથે કચ્છના પંચરંગી ગાંધીધામ શહેરમાં રહેતા જાણીતા વેપારી સાથે રૂા.૧૬,૫૦,૦૦૦ની છેતરપિંડી આચરી હોવાનો બનાવ બહાર આવતાં કચ્છમાંભારે ચકચાર મચી ગઈ હતી. 

શું છે મામલો

આ અંગે ગાંધીધામના સેક્ટર-૩માં રહેતા, ગઢવી લોજિસ્ટિક નામે ટ્રાન્સપોર્ટ અને રાજ ઇન્ડસ્ટ્રીઝ નામે મીઠાંનો વેપાર કરતા જગદીશ ભગવાનજી અયાચી (ગઢવી)એ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, એક-દોઢ વર્ષ અગાઉ એક ફાર્મહાઉસમાં આયોજિત પાર્ટીમાં તેમની મુલાકાત આરોપી એવા બન્ટી ઉર્ફે જગજિતસિંઘ ઉર્ફે રોકી સાથે થયો હતો. 

ત્યારબાદ મુંબઇ ખાતે ડી.જે.નો પ્રોગ્રામ છે, જેમાં મને ત્રણ-ચાર લાખ મળશે પણ અત્યારે બે લાખની જરૂરિયાત છે તેમ કહીને રોકીએ ઉછીના પૈસા માગ્યા હતા. આરોપીએ સાહિલ મિરચંદાણીના ખાતાંમાં ફરિયાદીએ રૂા. બે લાખ મોકલ્યા હતા. પછી સાહિલે ફોન કરી હું અને જગજિતસિંઘ મુંબઇ ખાતે પાર્ટીમાં હતા ત્યારે પોલીસે દરોડો પાડયો છે અને જગજિતના મોબાઇલમાં તારો ફોટો છે. તેને પોલીસ લઇ ગઇ છે. તને મુંબઇ પોલીસ મથકે આવવું પડશે અથવા પૈસા આપવા પડશે તેમ જણાવતાં ડરી ગયેલા ફરિયાદીએ સાહિલના ખાતાંમાં બીજીવાર અઢી લાખ મોકલાવ્યા હતા. 

થોડા સમય બાદ પૈસા પરત માગતાં બંનેએ નાયરા બેનર્જી નામની અભિનેત્રી ડી.જે.નો પ્રોગ્રામ આપવાની છે. ત્રણ લાખ માંગે છે, તેમના નંબર મોકલું છું વાત કરી લેજો તેમ કહ્યું હતું. બાદમાં આ મહિલાએ ફોન કરી હું અને ફિલ્મ અભિનેત્રી નોરા ફતેહી કચ્છ ફરવા આવવાના હોઈ, તમારાં ઘરે આવશે તેમ કહીને હોટેલ, વિમાનના ભાડા વગેરે માટે પૈસાની માંગ કરતાં ફરિયાદીએ ત્રણ લાખ રૂપિયા આ કહેવાતી અભિનેત્રીના ખાતામાં મોકલી આપ્યા હતા, અલબત્ત નોરા ફતેહી કે નાયરા ફરિયાદીનાં ઘરે આવ્યાં નહોતાં. 

દરમ્યાન જગજિતે ફોન કરી હું નાયરા પાસે તમારા પૈસા લેવા જતાં તેણે પોલીસ બોલાવી મારા પર પોલીસ કેસ કર્યો હોવાની અને પોલીસ પૈસા માગતી હોવાનું કહેતાં ડરી ગયેલા ફરિયાદીએ અઢી લાખ તેને મોકલી આપ્યા હતા. બાદમાં વકીલ, પોલીસ સાથે નાયરાનાં ઘરે પૈસા લેવા જતાં તે દવાખાનાંમાં દાખલ થઇ ગયેલ છે અને કેસ કરવાની છે અને રૂા. ૪,૫૦,૦૦૦ માગે છે તેમ કહેતાં ફરી પાછા વેપારીએ રૂા. ૩,૫૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. તે બાદ પણ વેપારી પાસેથી પૈસા પડાવવાનું ચાલુ રહ્યું હતું. જગજિતે તેમને ફોન કરી મારા દિલ્હીવાળાં ઘરે જગદીશ અયાચીનાં નામનું પાર્સલ આવ્યું છે તેમાં ડ્રગ્સ મળ્યું છે. પોલીસ કેસ ન થવા દેવા માટે ફરિયાદી પાસેથી ફરીથી પૈસા માગવામાં આવ્યા હતા. આમ આ ભોગ બનનારે જગજિત,સાહિલ અને નાયરા સામે રૂા. ૧૬,૫૦,૦૦૦ની છતરપિંડી-વિશ્વાસઘાતની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો.

(ઉત્સવ વૈદ્ય )