Thu Jun 18 2026

Logo

ગાંધીધામમાં ખળભળાટ: ભાજપના બે દિગ્ગજ નેતાઓના પુત્રો સામે રૂ. ૧૬ લાખની છેતરપિંડીની વધુ એક ફરિયાદ!

2026-03-18 12:47:00
Author: MayurKumar Patel
Article Image

ભુજ: પૂર્વ કચ્છના ગાંધીધામ ભારતીય જનતા પક્ષના શહેર મંત્રીના આપઘાત કેસમાં સંડોવાયેલા, ભાજપના જ પીઢ આગેવાનોના પુત્રો વિરુદ્ધ હવે શહેરના એક જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ૧૬ લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ ગાંધીધામ 'બી' ડિવિઝન પોલીસ મથકે નવી ફરિયાદ નોંધાતા કચ્છ સહીત રાજ્યભરના રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

શું છે મામલો

પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીધામના સેક્ટર-૮માં માધવ પેલેસમાં સીએ ફર્મ ચલાવતા હિતેન્દ્ર અશ્વિનભાઈ ઠક્કરે નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, વર્ષ ૨૦૧૬માં ભાજપ અગ્રણી મુળજીભાઈ ઠક્કરનો પુત્ર કલ્પેશ અને ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ બળવંત ઠક્કરનો પુત્ર દર્શન તેમની કચેરીએ આવ્યા હતા. આ બંનેએ ભાગીદારીમાં ‘સોમનાથ ફાઈનાન્સ’ નામની પેઢી શરૂ કરવા માટે રજિસ્ટ્રેશન અને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની કામગીરી તેમને સોંપી હતી. આ વ્યાવસાયિક સંબંધો સમય જતાં મિત્રતામાં પરિવર્તિત થયા હતા.

ગત એપ્રિલ ૨૦૨૪માં આ બંને શખ્સોએ ધંધાની જરૂરિયાતનું બહાનું ધરીને તેમની પાસેથી ૨૦ લાખ રૂપિયા ઉછીના માંગ્યા હતા. મિત્રતા અને વિશ્વાસના નાતે ફરિયાદીએ ટુકડે-ટુકડે કુલ ૧૬ લાખ રૂપિયા આપ્યા હતા. જોકે, નાણાં મેળવ્યા બાદ બંને શખ્સોએ નાણાં પરત કરવાને બદલે સતત વાયદાબાજી કરતા રહ્યા હતા. જ્યારે ફરિયાદી દ્વારા નાણાંની ઉઘરાણી કરવામાં આવી, ત્યારે આરોપીઓએ તેમની ઓફિસે જઈને ધમકાવ્યા હતા. તેમણે ધમકી આપી હતી કે, “હવે જો નાણાં માંગ્યા તો ખોટા કેસોમાં ફસાવી દઈશું અને જાનથી મારી નાખશું. આ સમગ્ર ઘટનાનો ઓફિસ સ્ટાફ સાક્ષી છે. ફરિયાદીએ પોતાની ફરિયાદ સાથે આરોપીઓ સાથે થયેલી ટેલિફોનિક વાતચીતના રેકોર્ડિંગ પણ પોલીસ સમક્ષ પુરાવા તરીકે રજૂ કર્યા હતા.