ભુજ: કચ્છના પંચરંગી ગાંધીધામ શહેરના લીલાશાહ વિસ્તારમાં જાહેરમાં અત્યંત ઘાતક અને જોખમી એવો બાયોમેડિકલ વેસ્ટ ફેંકવા બદલ એક જાણીતી ફાર્મા એજન્સી સામે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરીને રૂપિયા 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહીના કારણે આ પ્રકારના કાર્યો કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
બાયોમેડિકલ કચરો જાહેરમાં ફેંકવામાં બદલ થઈ કાર્યવાહી
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના લીલાશાહ વિસ્તારમાં આવેલી 'કચ્છ સર્જી ફાર્મા' એજન્સી દ્વારા વપરાયેલી દવાઓ સહિતનો બાયોમેડિકલ કચરો જાહેરમાં ફેંકવામાં આવ્યો હતો. આ બાબત મ્યુનિસિપલ કોર્પોરેશનના ધ્યાને આવતાં તંત્રની ટીમે તુરંત સ્થળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નિયમોનો સ્પષ્ટ ભંગ જણાતાં મહાનગરપાલિકાએ સંબંધિત એજન્સીને રૂપિયા 10,000નો વહીવટી દંડ ફટકારી, ભવિષ્યમાં આવો જોખમી કચરો જાહેરમાં ન ફેંકવા માટે આકરી તાકીદ કરી હતી.
નિયમિત ચેકિંગ કરવા માટે લોકોએ પાલિકાને અપીલ કરી
અત્રે નોંધનીય છે કે, ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં અનેક સ્થળોએ હોસ્પિટલો અને મેડિકલ એજન્સીઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને બાયોમેડિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરાતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. તબીબી કચરો માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે અત્યંત હાનિકારક હોવા છતાં તેનો યોગ્ય નિકાલ કરવામાં બેદરકારી દાખવવામાં આવે છે. આ સંજોગોમાં તંત્ર દ્વારા તમામ હોસ્પિટલો તેમજ ફાર્મા એજન્સીઓની આસપાસ નિયમિત ચેકિંગ હાથ ધરીને કડક સજાત્મક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિક નાગરિકોમાં માંગ પ્રબળ બની છે.
(ઉત્સવ વૈદ્ય)