Mon Sep 07 2026

Logo

ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી પિસ્તોલ અને ૧૬ જીવતા કારતૂસ સાથે ગલવાનનો અગ્નિવીર જવાન ઝડપાયો

2026-05-28 11:49:00
Author: Mumbai Samachar Team
ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી પિસ્તોલ અને ૧૬ જીવતા કારતૂસ સાથે ગલવાનનો અગ્નિવીર જવાન ઝડપાયો

ભુજઃ સ્થાનિક રેલવે સ્ટેશન પરથી ગવર્નમેન્ટ રેલવે પોલીસે વિદેશી બનાવટની સેમિ ઓટોમેટિક પિસ્તોલ, બે મેગેઝીન અને ૧૬ નંગ જીવતા કારતૂસના જથ્થા સાથે ઉત્તર પ્રદેશના એક આર્મી જવાનની ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી ભારતીય સૈન્યની જાટ રેજિમેન્ટમાં અગ્નિવીર તરીકે ગલવાન ઘાટીમાં ફરજ બજાવે છે અને હાલ રજા પર ઉતરેલો છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ, આજે સવારે બરેલી-ભુજ આલા હઝરત એક્સપ્રેસ ટ્રેન ગાંધીધામ રેલવે સ્ટેશને આવી ત્યારે પ્લેટફોર્મ નંબર એક પરથી બહાર જતી વખતે પોલીસને જોઈને એક યુવકે છુપવાનો પ્રયાસ કર્યો હતો. શંકાના આધારે રેલવે પોલીસે તેને અટકાવીને તલાશી લેતાં તેની કમરેથી દેશી બનાવટની સેમિ ઓટોમેટિક પિસ્તોલ અને બે મેગેઝીન મળી આવ્યા હતા. ત્યારબાદ તેની પીઠ પર લટકાવેલી શૉલ્ડર બેગની તપાસ કરતાં તેમાંથી વધુ ૧૪ નંગ જીવતા કારતૂસ મળી આવ્યા હતા.

પોલીસે હથિયારોના જથ્થા સાથે ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના વતની અજયકુમાર મનોજકુમાર નૈન નામના આર્મી જવાનની ધરપકડ કરી છે. રેલવે પી.આઈ. પી.આર. સોલંકીએ આરોપી સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધીને સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસને આશંકા છે કે આરોપી આ હથિયાર ગાંધીધામમાં કોઈને વેચવા અથવા ડિલિવરી આપવા માટે આવ્યો હતો. આરોપી હાલ તપાસમાં સહકાર આપી રહ્યો ન હોવાથી, આ હથિયાર કોની પાસેથી મેળવ્યું હતું અને ગાંધીધામમાં તેની લોકલ લિંક કોણ છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(ઉત્સવ વૈદ્ય)