- સંજય છેલ
ટાઈટલ્સ:
પ્રેમ ને ક્રાઇમ છૂપે નહીં. (છેલવાણી)
76 વરસે, 2021માં અશ્વેત લેખક અબ્દુલ રઝાક ગુર્નાહને સમગ્ર લેખન માટે સાહિત્યનું ‘નોબેલ પારિતોષિક’ ઘોષિત થયું ત્યારે એ ટેન્શનમાં આવી ગયા કે હવે શું લખવું? લખવા આદરેલી નોવેલ અડધેથી અટકાવી મૂકી. દિમાગ સુન્ન થઇ ગયું. પછી વિચાર્યું કે જેને કારણે તે લેખક બન્યા એ જિંદગી ઝંઝોડનારી ઘટના કઇ હતી? એમને બાળપણની ઘટના યાદ આવી: એમની જ ઉંમરનો એક નાનકડો ગરીબ છોકરો હોટેલમાં નોકરી કરતો હતો. માત્ર બે બિસ્કિટ ચોરવાના આરોપસર એને વરસો સુધી જેલ થયેલી. એક લાચાર નિસ:હાય અશ્વેત છોકરાને જિંદગીએ કશું જ નથી આપ્યું અને આપ્યો છે આરોપ અને આઘાત! હવે ચોરના લેબલ સાથે કેવી રીતે જીવશે? બસ, એ વિચાર પરથી નોબેલ વિજેતા અબ્દુલજીને ‘થેફ્ટ’ કે ‘ચોરી’ નવલકથાની પ્રેરણા મળી.
કહે છે ગુનો કરનારા કોઇને કોઇ ભૂલ કરીને પૂરાવા મૂકી જ જતા હોય છે, પણ હિમાચલ પ્રદેશના કસૌલી શહેરમાં ગુનેગારોએ ગુનો કરવામાં જ ભૂલ કરી. 23 ભોળા ગુનેગારો બેંકનું એ.ટી.એમ. મશીન ચોરવા ગયા. બિચારાઓને લખતાવાંચતાં નહીં આવડતું હોય એટલે ભૂલથી એ.ટી.એમ. મશીનની જગ્યાએ પાસબુક પ્રિન્ટિંગ કરવાનું મશીન ચોરી ગયા ને પકડાઇ ગયા. છેને ગુના સાથે ગમ્મત?
ગયા વર્ષે પ્રખ્યાત કાર કંપની ‘કિયા’ના આંધ્ર પ્રદેશના પ્લાન્ટમાં એક નહીં, બે નહીં, પણ અધધધ 900 ગાડીમાંથી એન્જિન ચોરાઇ ગયા! પોલીસ તપાસ મુજબ 900 એન્જીનો છેલ્લાં પાંચ વરસથી ધીમે ધીમે ચોરી ચોરી ચુપકે ચુપકે ગાયબ થયા છે. લોકો કાર હપ્તેથી લેતા હોય છે, પણ હવે તો ચોરો હપ્તે હપ્તે ચોરી પણ કરવા માંડ્યા! જોકે આ દેશમાં ચોરી અંગે કંઇપણ શક્ય છે. નેશનલ આર્કાઇવમાંથી ફાઇલો ગુમ થાય, લોન લીધેલા કૂવા ચોરી થાય, એક લેખિકા બીજી લેખિકાની રચના બિંદાસ ચોરી લે, ગુલઝાર જેવા વિદ્વાનો હિંદી કવિ સર્વેશ્વરદયાલ સક્સેનાના ગીતની લાઇનો ચોરી લે!
આપણે ત્યાં ‘ચોર્યશાસ્ત્ર’ જેવો રીતસરનો ગ્રંથ છે, ભૈ.
કાનપુરમાં ત્રણ વિદ્યાર્થી કાર ચોરી કરવા ગયા. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે ત્રણેયમાંથી કોઈને ગાડી ચલાવતા તો આવડતું જ નથી! છતાં એ લોકો હિંમત ન હાર્યા. એ લોકો ગાડીને ધક્કો મારીને ચોરવા માંડ્યા અને પકડાઈ ગયા. પણ હિમ્મતની દાદ આપવી જોઇએ!
ઇન્ટરવલ:
આંખે ના ચુરાઓ દિલ મેં રહ કર
ચોરી ન કરો ખુદા કે ઘર મેં
( મુજ્તર ખૈરાબાદી)
હર્ષદ મહેતાએ શેરબજારમાં ચોરી નહોતી કરી, પણ સડેલી સિસ્ટમમાંની છટકબારીઓનો લાભ ઉઠાવેલો. આમાં ‘મેરા ભારત મહાન’ સિવાય બીજા દેશોમાંયે છટકબારીની છલનાની ચોર્યકળાનાં ચતુરાઓ હોય છે. ઈંગ્લેન્ડમાં એડ વાઈઝ નામનો ફાઇનાન્સ એક્સપર્ટે, બ્રિટિશ રેલવેનાં નિયમોમાં છટકબારીનું છીંડુ શોધીને લાખો કમાણો. યુ.કે. રેલવેનો નિયમ છે કે જો ટ્રેન 15 મિનિટ મોડી પડે તો 25% પૈસા પાછા મળે અને 30 મિનિટ લેટ થાય તો 50% ને એક કલાક કે એનાથી વધારે મોડી પડે તો ટિકિટના પૂરેપૂરા પૈસા પાછા. પેલા ફાઈનાન્સ પ્લાનર એડ વાઈઝએ ટ્રેન ક્યારે, કેમ ને કેટલા સમય માટે લેટ થાય છે એનો ગહન અભ્યાસ કર્યો. એક કલાક અથવા વધારે સમય કઈ ટ્રેન ક્યારે લેટ થશે? એવી જ ટ્રેનની ટિકિટો સતત ખરીદીને એ પૂરું રિફંડ વારેવારે મેળવે રાખતો. આવું 1-2 મહિના નહીં પણ 33 વર્ષ માટે રેલવેને ચૂનો ચોપડતો રાખ્યો અને રેલવેમાં સફર પણ કરી વત્તા રિફંડમાં 1000 પાઉન્ડ એટલે 1 લાખ રૂ. બનાવ્યા! પછી તો ચાલબાઝ અળવીતરા આ ભાઇ ફાઈનાન્સ પ્લાનિંગની સાથે ‘મફત મુસાફરી કેમ કરવી?‘ એની લોકોને સલાહો આપતા થઈ ગયા. આવી રિફંડકળા દરમિયાન, ટ્રેન મોડી પડે ત્યારે સાથે 2-4 સેન્ડવિચ, થર્મોસમાં કોફી ને એક પુસ્તક સાથે રાખવાની સલાહ પણ એડભાઇ આપે છે ને એ પણ જાહેરમાં સોશ્યલ મીડિયા પર! પણ બ્રિટિશ રેલવે લાચાર છે. આપણાં ભારતને 190 વરસ લૂંટનારને કોઇ લૂંટે તો આપણને ગુના સાથે ગમ્મત મળેને?
ગુનેગારીની ગાથાઓમાં 1970-80ની ‘મનમોહન દેસાઇ છાપ’ મસાલા ફિલ્મી વાર્તાઓ પણ હોય છે. ફ્રાંસમાં જોદાવીદ નામના માણસનું ક્રેડિટ કાર્ડ ચોરાઈ ગયું. એણે કાર્ડ બ્લોક કરાવ્યું ત્યારે ખબર પડી કે ચોરનારે કાર્ડથી લોટરીની ટિકિટ ખરીદેલી.
ચોરના નસીબે પૂરા 5 લાખ યુરો એટલે 4 કરોડ ને 55 લાખ રૂ.ની લોટરી લાગી ગઇ! પણ અફસોસ કે પૈસા મળે એ પહેલા ચોરે ભાગવું પડ્યું. પેલા કાર્ડધારક જોદાવીદે ઉતાવળે પોલીસમાં ફરિયાદ લખાવેલી પણ હવે નાછૂટકે ચોરોને ખુલ્લી ઓફર મૂકી કે જો ચોરટાઓ લોટરીની રકમના અડધા પૈસા આપે તો એ પોલીસ ફરિયાદ પાછી ખેંચવા તૈયાર છે! હવે કાર્ડધારક અને ચોરટાઓ બેઉનું સાપે છછુંદર ગળ્યા જેવું થયું છે! ઈનામી લોટરીની ટિકિટ જમા ન થાય ત્યાં સુધી ઈનામની 2કમ ન મળે અને જો એ ટિકિટ જમા કરાવવા જાય તો પોલીસ પકડી લે! આને કહેવાય ગુનેગારીનો ફાંકડો ફિલ્મી પ્લોટ.
યુ.પી ને બિહારમાં પોલીસ સ્ટેશનોમાંથી ‘હજારો લિટર દારૂ કે કરોડોનાં ડ્રગ્સ ‘ઉંદર’ ઓહિયા કરી જાય છે’ પણ હવે તો ‘આમચા મહારાષ્ટ્ર’ પણ આમાં પાછળ નથી. અમુક વરસોમાં નવી મુંબઈનાં કસ્ટમ વિભાગે દાણચોરો પાસેથી 4600 લેપટોપ જ્પ્ત કરેલા જેમાંથી ‘3953’ લેપટોપ ચોરાઈ ગયાં છે!’ કેમ નહીં? પોલીસ પ્રપંચ કરે તો કસ્ટમ પણ કળા કરી જ શકેને? કહે છેને: ‘ચુરાનેવાલેં તો આંખોસે કાજલ ભી ચૂરા લેતે હૈં!’
એન્ડટાઇટલ્સ:
આદમ: તેં કદી ચોરી કરી છે?
ઇવ: કદી પકડાઇ નથી...