Sat Sep 12 2026

Logo

ઝારસુગુડામાં કાળમુખો ટ્રક પોલીસની ગાડીને અથડાયો: 5 જવાનોના કરુણ મોત

2026-02-22 10:59:00
Author: Tejas Rajpara
ઝારસુગુડામાં કાળમુખો ટ્રક પોલીસની ગાડીને અથડાયો: 5 જવાનોના કરુણ મોત

 

નવી દિલ્હી: ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં રવિવારની વહેલી સવાર પોલીસ વિભાગ માટે અમંગળ સાબિત થઈ છે. જ્યારે સમગ્ર શહેર ગાઢ નિદ્રામાં હતું, ત્યારે ઝારસુગુડા સદર પોલીસ સ્ટેશન પાસે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ આવતા ટ્રકે પોલીસ જવાનોથી ભરેલી બોલેરો ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે પાંચ પોલીસ જવાનોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. આ કરુણ સમાચાર મળતા જ પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સવારે આશરે 4 વાગ્યાની આસપાસ પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક અને પોલીસની બોલેરો વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બોલેરો ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો અને અંદર બેઠેલા જવાનોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી. મૃતક જવાનોમાં આર્મ્ડ પોલીસ રિઝર્વના કાશીરામ ભોઈ, દેવદત્ત સા, ડ્રિલ સબ-ઇન્સ્પેક્ટર નિરંજન કુજૂર, હવાલદાર લિંગરાજ ધુરુઆ અને હોમગાર્ડ ભક્તબંધુ મિર્ધાનો સમાવેશ થાય છે.

આ અકસ્માતમાં માત્ર જાનહાનિ જ નથી થઈ, પરંતુ અન્ય ત્રણ જવાનો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. બનાવની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો મદદ માટે દોડી આવ્યો હતો. ઘાયલ જવાનોને તાત્કાલિક ઝારસુગુડા જિલ્લા મુખ્ય મથકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, ઇજાગ્રસ્તો પૈકી બે જવાનોની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. ટ્રક ચાલક પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયો છે, જે હાલ પોલીસની દેખરેખ હેઠળ સારવાર હેઠળ છે.

અકસ્માતની ગંભીરતાને જોતા એડિશનલ એસપી મધુસ્મિતા મિશ્રા સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. પ્રાથમિક તપાસમાં ટ્રકની ગતિ મર્યાદા કરતા વધુ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે કે આ જવાનો ફરજ પર હતા કે કોઈ અંગત કામે જઈ રહ્યા હતા. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે અને સમગ્ર જિલ્લામાં આ ઘટનાને પગલે ગમગીની છવાઈ ગઈ છે. રસ્તા પર વિખરાયેલા કાચ અને લોહીના ડાઘા આ અકસ્માતની ભયાનકતાની સાક્ષી પૂરી રહ્યા છે.