Tue Oct 06 2026

Logo

હવાની ગુણવત્તા તપાસવા ૧૭ કરોડના ખર્ચે વધુ પાંચ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે

2026-06-29 07:28:00
Author: Sapna Desai
હવાની ગુણવત્તા તપાસવા ૧૭ કરોડના ખર્ચે વધુ પાંચ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં વધતા જતા ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ અને રિડેવલપમેન્ટના કામને કારણે પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે મુંબઈમાં હવાની ગુણવત્તા પર વધુ બારીકાઈથી નજર રાખવા માટે પાલિકા ૧૭ કરોડ રૂપિયાના ખર્ચે પાંચ વધારાના કન્ટિન્યુસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ  સ્ટેશન (સીએએક્યૂએમએસ)ની સ્થાપના કરવાની છે. આ સ્ટેશનો મુખ્યત્વે વાયુ પ્રદૂષકોનું સતત નિરીક્ષણ કરશે. કલાક દીઠ હવાની ગુણવત્તાનું વિશ્ર્લેષણ કરશે અને નાગરિકોને રીયલ ટાઈમ એર ક્વોલિટી ડેટા ઉપલબ્ધ કરાવશે.

મુંબઈમાં હાલમાં ૨૮ સીએએક્યૂએમએસ છે, જેમાં મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (એમપીસીબી) દ્વારા સંચાલિત ૧૪ સ્ટેશન, નવ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટીરીયોલોજી (આઈઆઈટીએમ)ના અને પાલિકાના પાંચ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ બધા રેફરન્સ ગ્રેડ સ્ટેશનો છે, જે મોનિટરિંગ, માપાંકન અને ક્વોલિટી એસ્યોરન્સ અને ડેટા  વેલિડેશન માટે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ધોરણનું પાલન કરે છે.

પાલિકા મુંબઈમાં  પાંચ વધારાના  સીએએક્યૂએમએસ સ્થાપશે, જે આસપાસની હવાની ગુણવત્તા અને એર ક્વોલિટી ઈન્ડેક્સ પર વાસ્તવિક સમયનો ડેટા પ્રદાન કરશે. નવા સ્ટેશનો એવા સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે જે મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પાલિકા અને સફર પ્રોેજેક્ટના હાલના મોનિટરિંગ નેટવર્ક સાથે ઓવરલેપ થાય નહીં. પાલિકાના  અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ વર્ષની વોરંટી અને પાંચ વર્ષની જાળવણી સહિત આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. ૧૭.૫૦ કરોડ થશે. 

પાંચ નવા સીએએક્યૂએમએસ મુલુંડ (પૂર્વ) માં સી.ડી. દેશમુખ ગાર્ડન, વરલીમાં પ્રમોદ મહાજન પાર્ક, ગોરેગાંવ (પૂર્વ) માં છોટા કાશ્મીર ખાતે આરે ગાર્ડન, દહિસર (પૂર્વ) માં ડો. બાબાસાહેબ આંબેડકર મનોરંજન મેદાન અને ખાર (પશ્ર્ચિમ) માં પાલિકાના આસિસ્ટન્ટ  કમિશનરની ઓફિસમાં સ્થાપિત કરવામાં આવશે.

પાલિકાના જણાવ્યા મુજબ ઓટોમેટિક સ્ટેશનો હવા પ્રદૂષક સ્તરોને ટ્રેક કરવા ઉપરાંત તાપમાન, સંબંધિત ભેજ, પવનની ગતિ અને પવનની દિશા જેવા મુખ્ય હવામાન પરિમાણોનું નિરીક્ષણ કરશે. દરેક સ્ટેશનનો રીઅલ-ટાઇમ પ્રદૂષણ ડેટા અને એર ક્વોલિટી ઈન્ડેક્સ પાલિકાના પોર્ટલ પર ઉપલબ્ધ હશે, જે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ  સર્વર સાથે સંકલિત કરવામાં આવશે. આ ડેટા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ‘સમીર’ મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ ઉપલબ્ધ થશે.