Tue Jul 28 2026

Logo

ગુજરાતના રસ્તાઓ પર પાંચ લાખ વાહનો દોડે છે નંબરપ્લેટ વિના, જવાબદાર કોણ?

2026-02-23 18:40:05
Author: pooja shah
Article Image

AI Generated Images


અમદાવાદઃ શહેરના જુહાપુરા વિસ્તારમાં 22 વર્ષીય યુવકને નંબર પ્લેટ વિનાના ડમ્પરે હડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાએ શહેર અને રાજ્યમાં નંબર પ્લેટ વિના ફરતા વાહનો અંગે ચર્ચા જગાવી છે, ત્યારે ચોંકાવનારી વિગતો અનુસાર સમગ્ર રાજ્યમાં લગભગ 5 લાખ જેટલા વાહનો હશે જે યોગ્ય નંબરપ્લેટ વિના ફરી રહ્યા છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન દર દસમાંથી એક વાહન કરે છે, તેમ ખુદ તંત્રને લાગી રહ્યું છે. 

સૂત્રો અનુસાર ઓળખાણ ન આપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું હતું કે નંબરપ્લેટ વિના વાહન શૉ-રૂમમાંથી બહાર જ ન નીકળવું જોઈએ. આ એક ગુનો છે તે જાણવા છતાં ઘણા ડિલર વાહનો આપી દે છે. અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે વાહનની ડિલિવરી થઈ હોય તેવી ત્રણ સોશિયલ મીડિયા પોસ્ટમાંથી એક પોસ્ટમાં વાહન નંબર પ્લેટ વિના લઈ જવાતું જોઈ શકાય છે.
જ્યારે એક આરટીઓ અધિકારીએ કહ્યું હતું કે ડિલિવરી પહેલાં નંબરપ્લેટ લગાવવાની જવાબદારી  ડીલરોની છે. અધિક પોલીસ કમિશનર (ટ્રાફિક) એન.એન. ચૌધરીએ જણાવ્યું હતું કે અમલીકરણ અભિયાન નિયમિતપણે ઉલ્લંઘનો શોધી કાઢે છે. 

તપાસ દરમિયાન, અમને જાણવા મળ્યું છે કે દર 10 વાહનોમાંથી લગભગ એક વાહનમાં નંબરપ્લેટ નથી અથવા તેમાં ચેડાં કરવામાં આવ્યા છે. આવા ગુનેગારો સામે કેસ નોંધવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે દર 10માંથી એક વાહન નંબરપ્લેટ વિનાની અથવા ટેમ્પર કરેલી છે. એક વરિષ્ઠ આરટીઓ અધિકારીએ સંકેત આપ્યો હતો કે આ પ્રથા ટુ-વ્હીલર વાહનોમાં તેમજ અમુક હાઇ-એન્ડ અને એસયુવી સેગમેન્ટમાં વધુ સામાન્ય છે. ડીલરો પાસે  ઇન-હાઉસ નંબરપ્લેટ ઇન્સ્ટોલેશન સુવિધાઓ હોવી જરૂરી છે, પરંતુ ઘણાએ તે સેટ કરી નથી, જેના કારણે નંબર પ્લેટ આવવામાં સમય લાગે છે અને ગેરકાયદે ડિલિવરી થાય છે. 

અધિકારીઓએ જૂના વાહનોમાં છેડછાડનો પણ ઉલ્લેખ કર્યો છે. કેટલાક કિસ્સાઓમાં, સીસીટીવી તપાસ ટાળવા માટે, નંબરપ્લેટમાં ફેરફાર કરવામાં આવે છે અથવા સંપૂર્ણપણે સફેદ રંગ કરવામાં આવે છે. આવા કિસ્સાઓમાં, વાહન માલિકની જવાબદારી છે કે તેઓ તેને ફરીથી બનાવે, પરંતુ માલિકો સીસીટીવી કેમેરામાં કેદ ન થાય તે માટે આવું કરે છે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. 
જોકે બધા એકબીજા પણ જવાબદારી નાખી રહ્યા છે, પરંતુ માતેલા સાંઢ જેવા ફરતા આ વાહનો કોઈની જિંદગી હણી ના નાખે તે માટે ઠોસ એવા પગલાં ભરાતા નથી, તે હકીકત છે.