Fri Jun 26 2026

Logo

ચંદાચોરી મામલે થઇ 8 સામે FIR, SITના રિપોર્ટના આધારે થઇ કાર્યવાહી, દાન ચોરીમાં જાણો કોનો શું હતો રોલ

2026-06-26 12:44:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ અયોધ્યાના શ્રીરામ મંદિરમાં ચઢાવો અને દાન ચોરી થવાના મામલામાં, SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા પ્રારંભિક તપાસ અહેવાલ સોંપાયાના બે દિવસ બાદ 8 લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. રામ મંદિર ટ્રસ્ટના સભ્ય શ્રી કૃષ્ણ મોહને SITના અહેવાલના આધારે આ ગુનો નોંધાવ્યો છે, જેના પગલે અયોધ્યા પોલીસે કાર્યવાહી શરૂ કરીને તમામ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.

FIRમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના ડ્રાઈવર રામ શંકર યાદવ ઉર્ફે ટિન્નુ યાદવ સહિત આઠ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. ટિન્નુ યાદવ ઉપરાંત અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ યાદવ, અવિનાશ શુક્લા, કરુણેશ પાંડે, રમાશંકર મિશ્રા અને ગણતરી વિભાગના ઈન્ચાર્જ સુભાષ શ્રીવાસ્તવને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે.

રામ મંદિર દાન ચોરી કેસના નામજોગ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ સામે પોલીસે BNS (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ 305, 306, 316(5), 317(4), 317(5), 61, 3(5) અને પીસી એક્ટ (ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ)ની કલમ 13(1)(a) હેઠળ ગુનો નોંધ્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે દાન અને ચઢાવાની ચોરીમાં ફસાયેલા આ 8 લોકોની રામ મંદિરમાં શું ભૂમિકા હતી?

કરુણેશ પાંડેયનો શું હતો રોલ

રામ મંદિરમાં દાન ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા કરુણેશ પાંડેની ભૂમિકા મંદિરમાં ચડાવવામાં આવતા ચઢાવાને કાઉન્ટિંગ રૂમ સુધી પહોંચાડવાની હતી. શ્રીરામ મંદિરમાં જે કંઈ પણ ચઢાવો આવતો, તેને કાઉન્ટિંગ રૂમ સુધી માત્ર લઈ જવાનું જ નહીં પણ ગણવાનું કામ પણ તેમનું હતું. કરુણેશ પર આરોપ છે કે તેમણે દાનની રકમ ચોરી કરીને સંપત્તિ ઊભી કરી છે.

રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુ

શ્રીરામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના નજીકના ગણાતા રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુની ધરપકડ કરવામાં આવી છે. રામ મંદિરમાં તેમનું કામ વ્યવસ્થાપક તરીકેનું હતું, જેમાં શ્રદ્ધાળુઓને દર્શન કરાવવાથી લઈને જાહેર સુવિધાઓનું ધ્યાન રાખવાનો સમાવેશ થતો હતો. ટિન્નુ યાદવ એકમાત્ર એવી વ્યક્તિ હતો, જે કોઈપણ રોકટોક વગર મંદિરમાં ગમે ત્યાં આવી-જઈ શકતો હતો. ટિન્નુ યાદવનું બુલેટ વાહન મંદિરની અંદર જઈને પાર્ક થતું હતું. તેમનું કામ દાનપાત્રોની દેખરેખ રાખવાનું અને તેને બેઝમેન્ટ સુધી પહોંચાડવાનું હતું.
 
સુભાષચંદ્ર શ્રીવાસ્તવ

રામ મંદિર દાન ચોરી કેસમાં ફસાયેલા સુભાષચંદ્ર શ્રીવાસ્તવ SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) ના નિવૃત્ત (રિટાયર્ડ) બેંક કર્મચારી છે. રામ મંદિરમાં આવતા ચઢાવાની નોટો ગણવાની સમગ્ર પ્રક્રિયાના તેઓ ઈન્ચાર્જ હતા. કેશ કાઉન્ટિંગ સેન્ટર (રોકડ ગણતરી કેન્દ્ર) ના સ્ટાફ પર દેખરેખ રાખવાની જવાબદારી તેમની હતી. સુભાષ કેશ કાઉન્ટિંગ સેન્ટરના સ્ટાફના પ્રભારી હતા.

લવકુશ મિશ્રા

અયોધ્યાના રામ મંદિરમાં આવતા તમામ ચઢાવા અને રોકડ રકમ ગણનારી ટીમમાં લવકુશ મિશ્રા સામેલ હતા. લવકુશ મિશ્રા મંદિરમાં આવતા ચઢાવાને ગણવાનું કામ કરતા હતા. લવકુશ મિશ્રાના ઘરેથી આશરે 10 લાખ રૂપિયા રિકવર (જપ્ત) કરવામાં આવ્યા હતા.

અનુકલ્પ મિશ્રા

રામ મંદિરમાં આવતા ચઢાવાને ગણતરી ખંડમાં ગણવાની જવાબદારી અનુકલ્પ મિશ્રા પાસે હતી. તેઓ મંદિરમાં ચઢાવાના રૂપિયા ગણવાનું કામ છેલ્લા લગભગ બે વર્ષથી કરતા હતા. શ્રદ્ધાળુઓની મદદ માટે બનાવવામાં આવેલા સુવિધા કેન્દ્ર (ફેસિલિટેશન સેન્ટર) માં તેઓ તૈનાત હતા, પરંતુ તેઓ નોટો ગણવાની પ્રક્રિયામાં પણ સામેલ હતા. તેમના પર ચઢાવાના વાઉચરમાં ગેરરીતિ કરવાનો આરોપ છે. સંબંધમાં તેઓ લવકુશ મિશ્રાના સાળા થાય છે.

મનીષ યાદવ

મનીષ યાદવ પર રામ મંદિરના દાનપાત્રોમાં આવેલા ચઢાવામાંથી નકલી નોટો બહાર કાઢવાની અને તેને ગણીને અલગ રાખવાની જવાબદારી હતી. મનીષ પર પણ ચઢાવાની ચોરી કરવાનો આરોપ છે.

અવિનાશ શુક્લા

રામ મંદિરમાં ચઢાવાના પૈસા અને રોકડ રકમને દાનપાત્રોમાંથી બહાર કાઢવાનું અને તે ધનરાશિને કાઉન્ટિંગ રૂમ સુધી લઈ જવાનું કામ અવિનાશ શુક્લા કરતો હતો. તે ત્યાં નોટો ગણનારી ટીમમાં પણ સામેલ હતો. અવિનાશ શુક્લા પર આરોપ છે કે તેણે દાનની રકમ ચોરી કરવાનું કામ કર્યું છે.