મિતાલી મહેતા
રવિવારની એક શાંત બપોર હતી.
રોહન લેપટોપ પર મહિનાના બિલ ભરવામાં વ્યસ્ત હતો. ત્યારે તેની પત્ની અદિતિએ સહજ રીતે પૂછ્યું,
‘એક વાત પૂછું? આપણું કુલ રોકાણ અને બચત કેટલી છે?’
રોહન હસ્યો : ‘આજે અચાનક નાણાકીય બાબતોમાં આટલો રસ કેમ જાગ્યો?’
અદિતિ પણ હસી પડી : ‘આ અચાનક રસ નથી જાગ્યો... પણ આજે અચાનક વિચાર આવ્યો કે જો કોઈ મને પૂછે કે આપણા રોકાણ ક્યાં છે, કયા વીમા લીધા છે અથવા કઈ બેંકમાં કેટલા પૈસા છે તો મને સાચે જ કંઈ ખબર નથી.’
એક ક્ષણ માટે બંને વચ્ચે શાંતિ છવાઈ ગઈ.
ઘરના તમામ નાણાકીય નિર્ણયો હંમેશાં રોહન જ લેતો હતો. રોકાણ, વીમાના પ્રીમિયમ, હોમ લોનના ઊખઈં, ટેક્સ પ્લાનિંગ, બેંક ખાતાં અને મહત્ત્વના દસ્તાવેજો બધી જવાબદારી તેણે જ સંભાળી હતી. અદિતિએ પણ ક્યારેય આ બાબતમાં ખાસ ધ્યાન આપ્યું નહોતું. આખરે, બંનેમાંથી કોઈ એક તો આ બધું સંભાળે જ ને! એ સાંજે એ બન્ને પહેલી વાર સાથે બેસીને પોતાના નાણાકીય આયોજન વિશે ખુલ્લેઆમ વાત કરવા બેઠા. કોઈ સમસ્યા ઊભી થઈ હોવાથી નહીં, પરંતુ એટલા માટે કે તેમને સમજાયું કે વર્ષોથી સાથે જીવન વીતાવતા હોવા છતાં,
તેમણે પોતાના પૈસા વિશે ક્યારેય સાચી ચર્ચા જ કરી નહોતી.
ભૂલ ક્યાં થાય છે?
ઘણા પરિવારોમાં નાણાકીય જવાબદારીઓ સ્વાભાવિક રીતે એક જ વ્યક્તિ સંભાળતી હોય છે. તેમાં કંઈ ખોટું નથી. ભૂલ ત્યારે થાય છે જ્યારે બીજી વ્યક્તિ પરિવારની નાણાકીય સ્થિતિથી સંપૂર્ણપણે અજાણ હોય ત્યારે.. ઘણીવાર એકબીજાને સ્પષ્ટ ખબર જ હોતી નથી કે:
* આપણાં રોકાણ ક્યાં અને કયા સ્વરૂપમાં છે?
* કયા કયા વીમા લીધેલા છે અને તેના નોમિની કોણ છે?
* કઈ લોન ચાલી રહી છે અને કેટલી રકમ બાકી છે?
* માસિક ઘરખર્ચ અને જવાબદારીઓ કેટલી છે?
* મહત્ત્વના નાણાકીય દસ્તાવેજો, લોગ-ઇન અને પાસવર્ડની વિગતો ક્યાં રાખેલી છે?
આવા મૂળભૂત પ્રશ્નોના જવાબ પણ અનેક દંપતીઓ પાસે નથી હોતા, કારણ કે તે એકબીજાથી કંઈ છુપાવતા નથી, પરંતુ તે માત્ર એમ માની લે છે કે ‘આ વાતો પછી ક્યારેક કરી લઈશું...’
આવું કેમ થાય છે?
પૈસા વિશે વાત કરવી ઘણા લોકો માટે માનસિક રીતે સહેલી નથી હોતી:
* મતભેદનો ડર: કેટલાક દંપતીને લાગે છે કે આવી ચર્ચાથી ખર્ચ કે બચત બાબતે વળતા પ્રશ્નો ઊભા થશે.
* જવાબદારીનું વિભાજન: એક વ્યક્તિ બધું સારી રીતે સંભાળી રહી હોય, તો બીજી વ્યક્તિ પોતાને તેનાથી દૂર રાખે છે.
* રોજિંદી વ્યસ્તતા: સમયના અભાવે આ વિષય મોટાભાગે ચર્ચાની પ્રાથમિકતા બનતો જ નથી. ધીમે-ધીમે આ મૌન એક કાયમી આદત બની જાય છે.
છૂપું જોખમ: સંપૂર્ણ નિર્ભરતા.
જોખમ એ નથી કે પરિવારની નાણાકીય જવાબદારી એક જ વ્યક્તિ સંભાળે છે. જોખમ એ છે કે બીજી વ્યક્તિ તેની પર સંપૂર્ણપણે નિર્ભર બની જાય છે.
જો કોઈ અણધારી પરિસ્થિતિ, બીમારી કે ઈમર્જન્સીના કારણે તે એક વ્યક્તિ થોડા સમય માટે ઉપલબ્ધ ન હોય, તો સામાન્ય નાણાકીય વ્યવહાર સંભાળવા પણ પરિવાર માટે અત્યંત મુશ્કેલ બની જાય છે.
આનાથી વિપરીત, જ્યારે દંપતી સાથે મળીને નાણાકીય નિર્ણયો લે છે, ત્યારે લક્ષ્યો વધુ સ્પષ્ટ બનવાની સાથે સાથે લાંબા ગાળાનું આયોજન વધુ મજબૂત બને છે.
મુખ્ય શીખ: પૈસાને સંવાદનો વિષય બનાવો, રહસ્ય નહીં. દરેક દંપતીએ નાણાકીય નિષ્ણાત બનવાની જરૂર નથી, પણ બંને જીવનસાથીને પોતાના પરિવારની નાણાકીય સ્થિતિ વિશે મૂળભૂત જાણકારી હોવી જરૂરી છે.
આ માટેનો એક સરળ અભિગમ
* નાણાકીય સમીક્ષા: સમયાંતરે સાથે બેસીને નાણાકીય સમીક્ષા કરો.
* દસ્તાવેજોનું શેરિંગ: વીમા પોલિસી, બેંક એકાઉન્ટ, લોન અને નોમિનેશનની વિગતો બંને પાસે હોવી જોઈએ.
* સંયુક્ત લક્ષ્યો: નિવૃત્તિ, બાળકોનું
ભવિષ્ય કે ઘર ખરીદવા જેવાં --લક્ષ્યો પર સાથે મળીને ચર્ચા કરો.
નિષ્કર્ષ
મજબૂત નાણાકીય ભવિષ્ય માત્ર સારી બચત અને યોગ્ય રોકાણથી જ નથી બનતું, તે ખુલ્લા સંવાદ અને પરસ્પર વિશ્વાસથી બને છે.
યાદ રાખો, સૌથી મજબૂત નાણાકીય આયોજન એ નથી જે માત્ર એક વ્યક્તિ સંભાળે પરંતુ એ છે, જેની સમજ અને જવાબદારી બંને જીવનસાથી વહેંચે.