Tue Jun 30 2026

Logo

આર્જેન્ટિના સામે રમનારી ટીમના કેપ્ટન વિરુદ્ધ પોલીસ તપાસ!

florida   2026-06-29 16:05:01
Author: Ajay Motiwala
Article Image

માયામી: માંડ 5,00,000 લોકોની વસ્તી ધરાવતા ટચૂકડા દેશ કેપ વર્ડે (Cape Verde)ને આ વખતે પહેલી વાર ફિફા વર્લ્ડ કપમાં રમવા મળ્યું, આ દેશની ટીમે ફૂટબૉલ જગતમાં પોતાના માટે કેટલાક નવા ઇતિહાસ રચ્યા અને હવે પહેલી જ વખત નૉકઆઉટ રાઉન્ડમાં રમવાનું છે, પણ એ પહેલાં એના કેપ્ટન રાયન મેન્ડિસ (Ryan Mendes) વિરુદ્ધ ગંભીર ગુનાનો આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો છે.

આર્જેન્ટિના અને કેપ વર્ડેની મૅચ ક્યારે છે?

શનિવાર, ચોથી જુલાઈએ (ભારતીય સમયે મુજબ મળસ્કે 3.30 વાગ્યાથી) કેપ વર્ડેની નૉકઆઉટ મૅચ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના સામે રમાશે. આર્જેન્ટિના એ મૅચને જરા પણ હળવાશથી નહીં લે, કારણકે અંડર ડોગ્સ તરીકે ઓળખાતી કેપ વર્ડેની ટીમમાં કેટલાક ટૅલન્ટેડ ખેલાડીઓ છે.

રાયન સામે શું આક્ષેપ છે?

માર્ચ મહિનામાં ન્યૂ ઝીલેન્ડમાં એક મહિલા પર બળાત્કાર કર્યો હોવાનો રાયન સામે ગંભીર આક્ષેપ છે. 

કેપ્ટન વિરુદ્ધ મહિલાએ ફરિયાદમાં શું કહ્યું છે?

કેપ વર્ડેનો કેપ્ટન રાયન વર્લ્ડ કપની ત્રણેય લીગ મૅચમાં રમ્યો હતો. બ્રાઝિલના એક દૈનિકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે માર્ચમાં ન્યૂ ઝીલૅન્ડમાં ફિફા સિરીઝ દરમ્યાન એક મહિલા કેપ વર્ડેની ટીમ માટે ટ્રાન્સલેટર તરીકેનું કામ કરી રહી હતી એ અરસામાં રાયને તેની સાથે અભદ્ર વર્તન કર્યું હતું. એવું કહેવાય છે કે રાયન ત્યારે મહિલાની હૉટેલ રૂમમાં પ્રવેશ્યો હતો અને તેને શારીરિક રીતે ખૂબ હેરાન કરી હતી. મહિલાએ ત્યારે સ્થાનિક સત્તાધીશોને ફરિયાદ કરી હતી અને ત્યારે મહિલાની શારીરિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તેના પ્રાઇવેટ પાર્ટ્સ પર કેટલીક ઈજા હતી. મહિલાએ કેપ વર્ડે ફૂટબૉલ ટીમ સાથે સંકળાયેલા ત્રણ અધિકારીઓને એ બનાવની વાત કરી હતી તેમ જ પોતાના પર થયેલા બળાત્કારને લગતી ઈજાની તસવીરો પોલીસ તેમ જ બ્રાઝિલના અખબારને પહોંચાડી હતી.

મહિલાની ફરિયાદ બાદ રાયન વિરૂધ્ધ કોઈ ફોજદારી ગુનો દાખલ નથી કરવામાં આવ્યો, પરંતુ આ કેસમાં તપાસ ચાલી રહી છે.