Thu Apr 23 2026

Logo

સાવધાન! તમે જે ઘી ખાઓ છો તે અસલી છે કે ઝેર? અમદાવાદથી નકલી ઘીનો 400 કિલો જથ્થો સીઝ

2026-04-23 22:19:02
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતમાં પનીરની જેમ નકલી ઘીનો જથ્થો પણ છાશવારે મળતો રહે છે. થોડા દિવસો પહેલા સુરતમાં નકલી ઘીનો મોટો જથ્થો મળી આવ્યો હતો ત્યારે હવે અમદાવાદમાંથી લગભગ 400 કિલો જેટલો નકલી ઘીનો જથ્થો મનપાના હેલ્થ એન્ડ ફૂડ વિભાગે પકડી પાડ્યો છે. 

આ અંગે મળતી ખબરોના આધારે મનપાના ફૂડ ડિપાર્ટમેન્ટે નિકોલમાં રેડ પાડી હતી. અહીં કોઈપણ પ્રકારના લાયસન્સ કે રજિસ્ટ્રેશન વિના ભેળસેળવાળું નકલી ઘી બનાવીને બજારમાં વેચાતું હતું. મળતી માહિતી અનુસાર રામગોપાલ રાણારામજી કુંપાવત નામનો શખ્સ આ ધંધો પોતાના ઘરેથી જ કરતો હતો. વેજીટેબલ ફેટ્સ અને પામોલીન તેલ મિક્સ કરી મંગલમૂર્તિ નામની બ્રાન્ડનું ગાયનું ઘી બનાવતો હતો અને બજારમાં વેચતો હતો. 

ફૂડ ડિપાર્ટમેન્ટે ઘટના સ્થળેથી રૂ.  1,60,000ની કિંમતનો 400 કિલો જેટલો 500 ગ્રામ અને 100 એમએલના પેક્ડ જારનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત અન્ય સામગ્રી પણ જપ્ત કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.