સ્પોર્ટ્સમૅનઃ
સાશા
ટી-20 ક્રિકેટ હવે માત્ર 20 ઓવરનો ખેલ નથી રહ્યો, પરંતુ એ રણનીતિ, વિજ્ઞાન અને સાહસનો અદ્ભુત સંગમ બની ચૂક્યો છે. આ ફૉર્મેટને લગભગ બાવીસ વર્ષ થઈ ગયા અને એના વર્લ્ડ કપનો ઇતિહાસ 19 વર્ષ જૂનો છે. એક જમાનો હતો જ્યારે સામાન્ય રીતે પાવરપ્લેની ઓવર્સમાં વિકેટ બચાવવાની યોજના બનાવવામાં આવતી હતી, જ્યારે આજના જમાનામાં હવે પહેલી ઓવરથી જ હુમલો શરૂ કરી દેવાનું સામાન્ય થઈ ગયું છે. ડેથ ઓવર્સ (છેવટની ઓવર્સ)માં પણ હે સ્લોગિંગ નહીં, પરંતુ પૂરી યોજના અને ડૅટા-ડ્રિવન શૉટ જોવા મળી રહ્યા છે. ટી-20 ક્રિકેટમાં બૅટિંગનો આ અભિગમ બદલાયો કેવી રીતે? તો આવો, એના પર એક નજર કરીએ.
સાવધાનીથી સિસ્ટમૅટિક અટૅક સુધી
2007થી 2014 સુધીના સાત વર્ષ દરમ્યાન પાવરપ્લેનો મતલબ એવો કરવામાં આવતો હતો કે વિકેટને બચાવી રાખવા પર ખાસ ધ્યાન આપવાની સાથે ઇનિંગ્સની શરૂઆત કરવી. હવે પાવરપ્લે પ્રત્યેનો અપ્રોચ સાવ બદલાઈ ગયો છે. હવે એનો એવો અર્થ કરાય છે કે પહેલી ઓવરથી જ મૅચની દિશા અને મૅચનું પાવર સેન્ટર તૈયાર કરવું. પ્રથમ ઓવરમાં જ શરૂઆત એવી કરવી કે મૅચમાં ટીમ કઈ દિશામાં સારી રીતે આગળ વધી શકે. એટલે જ હવે પાવરપ્લેની ઓવર્સમાં 45થી 60 રન બનાવવા સામાન્ય વાત થઈ ગઈ છે. ભારતીય ટીમની વાત કરીએ તો થોડા સમયથી આ ટીમ પાવરપ્લેમાં 70થી 75 રન બનાવવા માટે જાણીતી છે. ક્યારેક તો 100નો આંકડો પણ પાર થયો છે.
ટી-20 ક્રિકેટમાં બોલર્સનું કંઈ ખાસ મૂલ્ય નહીં રહે અને બૅટ્સમેન તેની બોલિંગની ધુલાઈ જ કરતો રહેશે એવું અગાઉ મનાતું હતું એ પૂરેપૂરી હકીકત નથી બની, કારણકે બોલર પણ વિવિધતા સાથે મેદાન પર ઉતરે છે અને બૅટ્સમૅનને અંકુશમાં રાખે છે અથવા તેને વહેલો પૅવિલિયન ભેગો કરી દે છે. હા, ટી-20માં એકંદરે બોલર માટે બૅટ્સમૅન ભય જરૂર પેદા કરી દેતો હોય છે. એ માટે વર્તમાન ભારતીય બૅટ્સમેનોના ઉદાહરણ આપીએ તો સૌથી પહેલાં અભિષેક શર્મા, ઇશાન કિશન, તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવના નામ ફટ દઈને આપી શકાય.
વિદેશી બૅટ્સમેનની વાત કરીએ તો ન્યૂ ઝીલૅન્ડના ઓપનર ફિન ઍલન કે જેણે 33 બૉલમાં 100 રન પૂરા કરવાનો ટી-20 વર્લ્ડ કપનો નવો વિક્રમ ત્રણ દિવસ પહેલાં જ રચ્યો હતો તેનું તેમ જ ઑસ્ટે્રલિયાના ટૅ્રવિસ હેડ અને સાઉથ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસ સહિતના કેટલાક ખાસ બૅટ્સમેનોએ ટી-20માં બૅટિંગની પરિભાષા જ બદલી નાખી છે. અગાઉ રોહિત શર્મા પણ આવા બૅટ્સમેનોમાં ગણાતો હતો, પણ હવે તે ટી-20માંથી નિવૃત્ત થઈ ગયો છે.
રણનીતિમાં ફેરફાર
પાવરપ્લેમાં ફક્ત હાર્ડ હિટિંગનો જ સિલસિલો શરૂ નથી થયો. એમાં રણનીતિમાં બદલાવ પણ જોવા મળી રહ્યો છે. લેફ્ટી-રાઇટી બૅટ્સમેનના સંયોજનથી ફીલ્ડિંગનો વ્યૂહ બગાડી નાખવાની રણનીતિ ઘડવામાં આવતી હોય છે અને બોલરની લાઇન બગાડવા માટે ઝડપનો પણ બૅટ્સમૅન રણનીતિના ભાગરૂપે ઉપયોગ કરતો હોય છે. પાવરપ્લેમાં જો સ્પિનર સાહસ બતાવવા આવી જાય તો તેને પણ નથી બક્ષવામાં આવતો. કારણ એ છે કે બૅટ્સમૅન હવે જોખમ લેતા નથી ડરતો. ટીમ મૅનેજમેન્ટ પણ પાવરપ્લેમાં રમનારી જોડીને જોખમ સાથે રમવાની છૂટ આપતું હોય છે એટલે જ પાવરપ્લેમાં બૅટ્સમૅન એક પણ બૉલ વેડફાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખે છે. હવે સામાન્ય રીતે ટી-20ના પાવરપ્લેમાં ડૉટ બૉલ દુર્લભ થઈ ગયા છે.
મિડલ ઓવર્સમાં 360 ડિગ્રીના ખેલાડીઓ
અગાઉ 7-15 ઓવર દરમ્યાન બૅટિંગ સ્ટ્રાઇક રૉટેશન આધારિત હતી. એમાં સામાન્ય રીતે એક બૅટ્સમૅન જે ત્રીજા નંબરે આવતો હતો જે સપોર્ટર તરીકેની ભૂમિકામાં રહેતો હતો અને બીજો બૅટ્સમૅન હલ્લો બોલાવતો હતો. જોકે હવે એ દિવસ પણ ઇતિહાસ થઈ ગયો છે. હવે તો મિડલ ઓવર્સના બૅટ્સમેનો પાવરપ્લે તથા ડેથ ઓવર્સના બૅટ્સમેનો કરતાં પણ વધુ ખતરનાક થઈ ગયા છે.
સૂર્યકુમાર યાદવ આવા જ પ્રકારનો બૅટ્સમૅન છે. તે 360 ડિગ્રીનો શૉટ મારે છે અને એ રીતે તેણે ક્રિકેટિંગ શૉટ મારવાની પરિભાષા જ બદલી નાખી છે. ગ્લેન મૅક્સવેલ જેવો બૅટ્સમૅન રિવર્સ સ્વીપ માટે અને સ્પિનને ધારદાર હથિયાર બનાવવા માટે જાણીતો છે. સ્વીપ, રિવર્સ સ્વીપ અને અપર-કટ જેવા શૉટ હવે સામાન્ય થઈ ગયા છે. હવે મિડલ ઓવર્સ થોડું થંભી જવા માટે નહીં, પણ રનમશીનની ગતિ વધારવા માટેનું માધ્યમ બની ગયું છે.
ડેથ ઓવર્સ બન્યો પાવર હિટિંગનો અડ્ડો
બોલર હવે ડેથ ઓવરમાં (છેવટની ઓવરમાં) કોઈ પણ પ્રકારની ઉતાવળ કરતો અચકાય છે, કારણકે લગભગ બે દાયકા જૂનું આ ફૉર્મેટ હવે અગાઉ કરતાં ઘણું ઘાતક થઈ ગયું છે. બૅટ્સમૅન કોઈ પણ કિંમતે બોલરને અધમૂઓ કરવાની ફિરાકમાં રહેતો હોય છે. એટલે જ હવે ડેથ ઓવર વિશે રણનીતિ બદલાઈ ગઈ છે. બૅટ્સમૅનની સાથે બોલર પણ અલગ વ્યૂ સાથે મેદાન પર ઉતરતો હોય છે.
એક જમાનામાં એમએસ ધોની જેવો ખેલાડી આ પૉઝિશન પર આવીને પોતાની ફિનિશિંગ કલા બતાવતો હતો. જોકે હવે તો ડેથ ઓવર્સ એટલે મારધાડનો તબક્કો. હાર્દિક પંડ્યા અને રિન્કુ સિંહ જેવા બૅટ્સમેનો ડેથ ઓવરમાં ટીમને નવી જ દિશા અપાવી દેતા હોય છે. હવે ડેથ ઓવરમાં બૅટ્સમૅનની ટેક્નિક ઉપરાંત રણનીતિની પણ ઝલક જોવા મળે છે.
આ પરિવર્તન શા માટે આવ્યું?
એના ઘણા કારણો છે. પહેલું કારણ છે પૅટર્નનું. વાસ્તવમાં દરેક બૉલની એક પૅટર્ન હોય છે. કઈ ઓવરમાં કયા બોલરને નિશાન બનાવવાનો છે એ રણનીતિ અગાઉથી જ નક્કી કરી લેવામાં આવે છે. હાલના વર્ષોમાં ક્રિકેટમાં જે ફિટનેસ-ક્રાંતિ આવી એને કારણે એ સંભવ બન્યું છે. આજનો ખેલાડી માત્ર જિમમાં કસરત નથી કરતો, હાઇ ઇન્ટેન્સિટી ટે્રઇનિંગમાં તેનામાં તાકાત ઉપરાંત સ્ટૅમિના પર ભરી દેવામાં આવે છે.
આ નવા અભિગમમાં ટી-20 લીગ ક્રિકેટની મોટી ભૂમિકા રહી છે. વિભિન્ન ફ્રૅન્ચાઇઝીઓએ ખેલાડીઓને વૈશ્વિક પરિસ્થિતિઓનો અનુભવ કરાવ્યો છે તેમ જ અલગ-અલગ પરિસ્થિતિઓમાં રમવાની તેમને આદત પાડી છે. એ જ કારણસર હવે ટી-20 મૅચમાં 200-પ્લસનો ટીમ-સ્કોર જાણે નિયમિત થઈ ગયો છે. હવે તો લક્ષ્ય 260થી માંડીને 300 રનથી પણ ઉપર જવા લાગ્યો છે. ટી-20માં બૅટિંગની પરિભાષા જ સાવ બદલાઈ ગઈ છે.