Tue Sep 15 2026

Logo

EPFOનો નવો નિયમ આવ્યો, હવે તમારી સેલેરીમાં ખરેખર કેટલું PF કપાશે? જાણો

2026-07-03 17:12:12
Author: Mumbai Samachar Team
EPFOનો નવો નિયમ આવ્યો, હવે તમારી સેલેરીમાં ખરેખર કેટલું PF કપાશે? જાણો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે EPF સ્કિમ 2026 લાગુ કરી દીધી છે. આ યોજનાએ વર્ષ 1952ની એક યોજનાની જગ્યા લઈ લીધી છે. આ નિયમ અનુસાર  ₹15000ની નક્કી કરેલી વેતન મર્યાદા પર 12% હશે - એટલે કે, દર મહિને ₹1800 રૂપિયા કપાશે એવું માનવામાં આવે છે. આ પરથી સવાલ એ ઊભો થાય છે કે, શું ₹1 લાખના પગાર પર માત્ર ₹1800 રૂપિયા કપાશે? કેન્દ્ર સરકારે શરૂ કરેલી આ નવી યોજનાનો હેતુ PF સિસ્ટમને વધારે સરળ, ડિજિટલ અને પારદર્શી બનાવવાનો છે. આનાથી દેશના કુલ 8 કરોડ EPFOના સભ્યોને સીધો લાભ મળવાનો છે. હવે તમે જો નોકરિયાત વર્ગમાં આવો છો તો મહિને PF કપાતુ હશે. આ પરથી એક સવાલ થવો સ્વાભાવિક છે કે, ₹1 લાખની સેલેરી પર કેટલી રકમ કટ થશે?

ત્રણ મહત્ત્વની શ્રેણી

જો કોઈ કર્મચારી દર મહિને ₹1800થી વધારે PF જમા કરાવે છે તો જરૂરી નથી કે કંપની એની એટલી જ રકમને જમા કરે. આ મુદ્દે કંપનીએ પણ પોતાનું યોગદાન આપવું પડશે. આ માટે જે તે કંપનીએ પહેલા એક પોલિસી નક્કી કરવી પડશે અને જે તે વ્યક્તિ સાથે કોન્ટ્રાક્ટમાં સ્પષ્ટતા કરવી પડશે. જે તે કંપની માત્ર કાયદા અનુસાર જ જરૂરી યોગદાન આપી શકશે. નવી યોજના હેઠળ PF ઉપાડ માટેના નિયમોને પણ સરળ બનાવવામાં આવ્યા છે. અસંખ્ય અલગ નિયમોને બદલે, ફક્ત ત્રણ મુખ્ય શ્રેણીઓ શરૂ કરીને યોજનાનો અમલ કરવામાં આવ્યો છે. કર્મચારીઓ ચોક્કસ પરિસ્થિતિઓમાં-જેમ કે ગંભીર બીમારી અથવા તબીબી સારવાર, બાળકોના શિક્ષણ અને લગ્ન, ઘરની ખરીદી, બાંધકામ અથવા નવીનીકરણ અને અન્ય ખાસ પરિસ્થિતિઓમાં નિર્ધારિત શરતોને આધીન રહીને તેમના PFનો એક ભાગ ઉપાડી શકશે. આનાથી કર્મચારીઓને ભૂતકાળની તુલનામાં નિયમો સમજવામાં સરળતા રહેશે.

કંપની ફોર્સ કરી શકે નહીં

નવી EPF યોજના હેઠળ PF યોગદાનનો દર યથાવત રહેશે. કર્મચારીઓ 12% યોગદાન આપવાનું ચાલુ રાખશે અને કંપની પણ 12% યોગદાન આપશે. જે સંસ્થાઓમાં 10% PF યોગદાન પહેલાથી જ અમલમાં છે તેઓ હાલના નિયમનું પાલન કરવાનું ચાલુ રાખશે.નવી યોજના અંતર્ગત કયા યોગદાન ફરજિયાત છે અને કયા સ્વૈચ્છિક છે.એની પણ ચોખવટ છે. નવા નિયમ હેઠળ કર્મચારી ફરજિયાત PF ફાળો ફક્ત ₹15,000 ની નિશ્ચિત વેતન મર્યાદા પર લાગુ થશે. આનો અર્થ એ કે માસિક ₹1,800 નું યોગદાન - જે ₹15,000 ના 12% નું પ્રતિનિધિત્વ કરે છે. જો  કંપની હાલમાં તમારા સંપૂર્ણ મૂળ પગારના આધારે પીએફ કાપતી હોય, તો ₹1,800 થી વધુનું કોઈપણ યોગદાન હવે સ્વૈચ્છિક ગણવામાં આવશે. બીજા શબ્દોમાં કહીએ તો, વધુ રકમનું યોગદાન આપવાનું પસંદ કરી શકો છો, પરંતુ તે સંપૂર્ણપણે તમારા વિવેકબુદ્ધિ પર રહેશે.આના પર કંપનીઓ જે તે રકમને લઈને ફોર્સ કરી શકે નહીં.