Thu Sep 03 2026

Logo

છોટા ઉદેપુરના નસવાડીમાં વૃદ્ધાની હત્યાઃ પગ કાપી રૂ. 2.50 લાખની કડાની લૂંટથી ચકચાર

2026-04-30 19:09:50
Author: Mayur Patel
છોટા ઉદેપુરના નસવાડીમાં વૃદ્ધાની હત્યાઃ પગ કાપી રૂ. 2.50 લાખની કડાની લૂંટથી ચકચાર

છોટા ઉદેપુર: નસવાડી તાલુકાના ગઢ બોરીયાદ ગામે માનવતાને શરમાવે તેવી એક અત્યંત ક્રૂર ઘટના સામે આવી હતી. લૂંટના ઈરાદે ત્રાટકેલા લૂંટારાઓએ 75 વર્ષીય વૃદ્ધાની હત્યા કરી, તેમના પગ કાપી નાખી અંદાજે રૂ. 2.50 લાખની કિંમતના ચાંદીના કડાની લૂંટ ચલાવી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ હતી.

ગઢ બોરીયાદ ગામના પ્રવેશદ્વાર પાસે આવેલા કાચા મકાનમાં દશરીબેન ભીમાભાઇ ભીલ એકલા રહેતા હતા. રાત્રિના સમયે અજાણ્યા લૂંટારાઓ ઘરમાં ઘૂસ્યા હતા અને વૃદ્ધાના માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. આદિવાસી સંસ્કૃતિમાં પગમાં વજનદાર કડલાં પહેરવાનો રિવાજ હોવાથી, લૂંટારાઓએ ક્રૂરતાની હદ વટાવી વૃદ્ધાના બંને પગ કાપી નાખ્યા હતા અને પગમાં પહેરેલા આશરે 1 કિલોગ્રામ વજનના કડા લૂંટીને ફરાર થઈ ગયા હતા.

વૃદ્ધાનો પુત્ર કામ પરથી પરત ફર્યો ત્યારે ઘટનાની જાણ થઈ હતી. પાડોશીઓએ જણાવ્યું કે મૃતક મહિલા સવારના બહાર દેખાયા નહોતા, જેથી પુત્રએ તપાસ કરતા માતાનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો.

નસવાડી પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આરોપીઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને અરેરાટી વ્યાપી ગઈ હતી.