નવી દિલ્હીઃ મુંબઈ, સુરત સહિત દિલ્હીમાં જે એક મહિનાથી ચાતકના માફક વરસાદની રાહ જોવામાં આવે એ એક અઠવાડિયામાં પડેલા વરસાદે તમામ મહાનગરોને જળબંબાકાર બનાવી દીધા હતા. અગાઉ અલ નીનોએ ભારતને ડરાવી નાખ્યું હતું, પરંતુ એ ડર સાચો હતો કે નહીં એ વાત જાણીએ.
હાલ દુનિયામાં ફરી એકવાર અલ-નીનોની ચર્ચાએ જોર પકડ્યું છે. વૈજ્ઞાનિકોના મતે જો અલ-નીનોની અસર થશે તો આગામી મહિનાઓમાં કેટલાક દેશોમાં રેકોર્ડ બ્રેક ગરમી, લાંબા હીટવેવ, દુષ્કાળ, પૂર સંકટ અને જંગલોમાં આગ જેવી ભયાનક ઘટનાઓ વધી શકે છે. આ જ કારણે વૈજ્ઞાનિકો અલ-નીનોને ફ્યુચર ક્લાઇમેટ ક્રાઈસીસની ચેતવણી માની રહ્યા છે. જોકે, ગ્લોબલ વોર્મિંગ આ જ રીતે વધ્યા કરશે તો વર્ષ 2035 આસપાસ દુનિયામાં આના ભયંકર પરિણામો જોવા મળશે.
પૃથ્વીનું સરેરાશ તાપમાન અગાઉથી જ વધી રહ્યું છે. માનવીની પ્રવૃત્તિઓ, ખાસ કરીને કોલસા, તેલ અને ગેસ જેવા ફોસિલ ફ્યુઅલના વધારે ઉપયોગથી પૃથ્વી ઔદ્યોગિક યુગ પહેલાની સરખામણીએ લગભગ 1.4 ડિગ્રી સેલ્સિયસ ગરમ થઈ ચુકી છે. એવામાં જો એક મજબૂત સુપર અલ-નીનો પણ સક્રિય થઈ જાય છે, તો તેની ખૂબ ગંભીર અસરો જોવા મળી શકે છે. આ જ કારણે વિશ્વભરની એજન્સી અને વૈજ્ઞાનિકો આ પરિસ્થિતિ પર નજર રાખી બેઠા છે.
Mingfang Ting
2035નું દુનિયાનું ટ્રેલર મનાય છે
એક રિપોર્ટ અનુસાર કોલમ્બિયા યુનિવર્સિટીની ક્લાઇમેટ વૈજ્ઞાનિક મિંગફાંગ ટીંગના કહ્યા મુજબ આવનારા સુપર અલ-નીનો આપણને ફ્યુચરના ક્લાઇમેટની એક ઝલક બતાવી રહ્યું છે. તેમના મતે જો દુનિયામાં ગ્રીનહાઉસ ગેસના એમિશન આવી રીતે જ ચાલ્યા કરશે તો આવનારા અમુક વર્ષોમાં જે વાતાવરણ સામાન્ય થઈ શકે છે તેની અસર અગાઉથી જ અનુભવી શકાશે. એટલે જ કદાચ વૈજ્ઞાનિકો આ અસરને 2035ની દુનિયાનું ટ્રેલર માની રહ્યા છે.
1877માં શક્તિશાળી અલ નીનોનો પ્રકોપ
ઈતિહાસ પણ આ ચિંતાને મજબૂત કરે છે. 1877 આસપાસ આવેલા અત્યંત શક્તિશાળી અલ-નીનોને દુનિયાના સૌથી વિનાશકારી હવામાનની અસાધારણ ઘટનાઓ પૈકી એક ગણવામાં આવે છે. તે સમયે દુનિયાએ ભયંકર દુષ્કાળનો પણ સામનો કર્યો હતો. ભારત, ચીન, બ્રાઝિલ અને અમેરિકા સહિત કેટલાક વિસ્તારોમાં પડેલા તે દુષ્કાળમાં આશરે 5 કરોડ લોકોના મૃત્યુ થયા હતા. વરસાદ પડ્યો નહીં, પાક નિષ્ફળ ગયા અને કરોડો લોકો ભૂખ અને રોગના શિકાર બન્યા હતા. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે વિનાશ પાછળ અલ-નીનોની મોટી ભૂમિકા હતી.
આજે પરિસ્થિતિ ઘણી જુદી છે. તે સમયે દુનિયાની વસ્તી આશરે દોઢ અરબ હતી, જયારે આજે તે 8 અબજથી વધુ થઈ ચૂકી છે. હવામાનનું અનુમાન લગાવવા માટે સેટેલાઇટ, સુપર કમ્પ્યુટર અને મોડર્ન ટેક્નિક હાજર છે, પણ પૃથ્વીનું તાપમાન પણ પહેલા કરતા વધી ગયું છે. એટલે જ વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો સુપર અલનીનો વધારે મજબૂત બનશે, તો તેની અસર વિશ્વભરના લોકો સુધી પહોંચી શકે છે.

સુપર અલ-નીનો એટલે શું?
અલ-નીનો એ કોઈ નવા હવામાનની ઘટના નથી. આ પ્રશાંત મહાસાગરમાં બનનારું એક પ્રાકૃતિક ચક્ર છે. સામાન્ય દિવસોમાં સમુદ્રની ઉપર ચાલનારી ટ્રેડ વીડ્સ ગરમ પાણીને પશ્ચિમી પ્રશાંત એટલે કે ઇન્ડોનેશિયા અને ઑસ્ટ્રેલિયા તરફ ધકેલતી રહે છે, પરંતુ જયારે આ હવાઓ નબળી પડે છે, ત્યારે તે ગરમ પાણી પરત મહાસાગરની વચ્ચે અને પૂર્વીય ભાગોમાં પ્રસરવા લાગે છે. જેનાથી સમુદ્રનું તાપમાન પણ વધે છે. વાતાવરણમાં વધુ ગરમી ફેલાય છે. આ ફેરફાર આખી દુનિયાના હવામાનને ખૂબ ઊંડી અસર કરે છે.
આ જ કારણે અમુક દેશોમાં સામાન્યથી વધારે વરસાદ પડે છે, અમુક જગ્યાએ લાંબા સમય સુધી દુષ્કાળની પરિસ્થિતિ રહે છે, અમુક વિસ્તારોમાં તાપમાન નવા રેકોર્ડ બનાવે છે. જંગલોમાં આગ લાગવાનું જોખમ પણ વધે છે. અલ-નીનોની અસર સમુદ્ર સુધી સીમિત રહેતી નથી, તે દુનિયાના જુદા જુદા ભાગોમાં અલગ રૂપમાં જોવા મળે છે.
વૈજ્ઞાનિકો સમુદ્રના વધતા તાપમાનના આધારે અલ-નીનોની તાકાત માપે છે, જયારે સમુદ્રનું તાપમાન સામાન્યથી ખૂબ વધી જાય છે અને તેની અસર વૈશ્વિક સ્તર પર અનુભવી શકાય છે, ત્યારે તેને સુપર અલ-નીનો કહેવામાં આવે છે. હાજર ક્લાઇમેટ મોડલના આધારે એવું કહી શકાય કે આ વખતે સુપર અલ-નીનો બનવાની સંભાવના વધારે માનવામાં આવી રહી છે.

આ વખતે વધારે કેમ જોખમ?
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ચિંતા ફક્ત અલ-નિનો નથી. ખરેખર ચિંતા એ છે કે તે એવી પૃથ્વી બનાવી રહ્યું છે, જે અગાઉ જ મનુષ્યોના કારણે ઘણી ગરમ થઈ ચુકી છે. છેલ્લા કેટલાય દસકાઓથી વધી રહેલા કાર્બન એમિશનથી સમુદ્ર અને વાતાવરણ બંનેનું તાપમાન વધી ગયું છે. એવામાં જો પ્રાકૃતિક રૂપથી અલ-નીનો પણ તાપમાનમાં વધારો કરશે, તો હીટવેવ, દુષ્કાળ અને ભારે વરસાદ જેવી ઘટનાઓ પહેલા કરતા વધારે ગંભીર બની શકે છે. 1970 પછી દુનિયાનું સરેરાશ તાપમાન લગભગ દર દસકાએ વધી રહ્યું છે. તેમાં એક મજબૂત અલ-નીનો થોડા સમય માટે વૈશ્વિક તાપમાનને વધારે ઉપર લઇ જઈ શકે છે. આ જ કારણે વૈજ્ઞાનિક આ વખતે અલ-નીનોને ફક્ત એક હવામાનનું ચક્ર નહીં, પણ ક્લાઈમેટ ચેન્જ સાથે મળીને બનનારો એક પડકાર માની રહ્યા છે.
2035ની ઝલક કેમ બતાવે છે?
સૌથી મોટો પ્રશ્ન એ છે કે વૈજ્ઞાનિકો વારંવાર 2035ના વર્ષનો ઉલ્લેખ કેમ કરી રહ્યા છે, તેનો અર્થ એવો નથી કે વર્ષ 2035માં તદ્દન એવું જ હવામાન હશે કે કોઈ નક્કી ભવિષ્ય સામે આવશે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે જો સુપર અલ-નીનો ખુબ જ તાકાતવર થયો તો તે આપણને એ સમજવાની તક આપશે કે સતત વધતી ગ્લોબલ વોર્મિંગ વચ્ચે દુનિયાનું હવામાન કેટલું ઝડપથી બદલી શકે છે.
અલગ અલગ ભાગોમાં અસરો?
સુપર અલ-નીનોની અસર સંપૂર્ણ દુનિયામાં એક જેવો ના હોય, અમુક દેશોમાં સામાન્યથી વધારે વરસાદ પડે છે તો અમુક જગ્યાએ ભીષણ ગરમી વધી શકે છે. આ રીતે અલગ દેશોમાં હવામાનની વધારે ઘટનાઓ જોવા મળી હતી. ઉદાહરણ તરીકે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાના જંગલોમાં આગની ઘટનાઓ વધી, અમેરિકાના કેલિફોર્નિયામાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિ, આફ્રિકામાં પૂર સંકટ જેવી ઘટનાઓ સામે આવી હતી.

ભારતમાં વધતી ચિંતાઓ
ભારતમાં અલ-નીનોની સૌથી વધારે અસર ચોમાસામાં જોવા મળે છે. અલ-નીનો દરમિયાન ચોમાસું નબળું પડી રહ્યું છે. અમુક રાજ્યોમાં વરસાદ ઓછો પડ્યો છે. જો કે હવામાન વૈજ્ઞાનિક એવું પણ કહે છે કે દરેક વખતે તેવું બને એવું જરૂરી નથી, કેમ કે હિન્દ મહાસાગરની સ્થિતિ અને અન્ય હવામાની સિસ્ટમ પણ ચોમાસા પર અસર કરે છે.
કરોડો લોકો ખેતીવાડી પર નિર્ભર
જો સુપર અલ-નીનો મજબૂત બને તો દેશના કેટલાક ભાગોમાં ગરમી વધુ લાંબા સમય સુધી રહી શકે છે. અમુક વિસ્તારોમાં વરસાદની કમી અને અમુક સ્થળોએ આંશિક વરસાદ જેવી સ્થિતિ બની શકે છે. જેની અસર ખેતી, જળ સ્ત્રોતો અને વીજળીની માંગ પર પડી શકે છે. ભારત જેવા દેશમાં જ્યાં કરોડો લોકોની રોજીરોટી પણ ખેતી પર આધારિત છે, ત્યાં હવામાનમાં ફેરફાર સીધો ખેડૂતો અને ખાદ્ય ઉત્પાદનને અસર કરી શકે છે.

શું દુનિયા અગાઉથી તૈયાર છે?
1877ની તુલનામાં આજે દુનિયા પાસે મોડર્ન ટેક્નિક છે. સેટેલાઇટ, સુપર કમ્પ્યુટર અને હવામાનના એડવાન્સ મોડલ મહિનાઓ પહેલાથી અલ-નીનો બનાવવાના સંકેત આપી શકે છે, પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે ફક્ત ઉત્તમ ટેક્નોલોજી પૂરતી નથી. જો ગ્રીનહાઉસ ગેસનું એમિશન વધતું રહેશે તો ભવિષ્યમાં આવી ઘટનાઓની અસર વધારે ગંભીર થઈ શકે છે. આ કારણે જ કાર્બન ઉત્સર્જન ઓછું કરવાનું અને ક્લાઈમેટ ચેન્જની ઝડપ રોકવી પણ મહત્વની છે.
જો દુનિયા ક્લાઈમેટ ચેન્જની ઝડપ રોકવામાં સફળ નહીં થઈ શકે, તો આજની ભીષણ ગરમી, હીટવેવ, દુષ્કાળ અને પૂર અસામાન્ય લાગે છે તે ભવિષ્યમાં સામાન્ય બની શકે છે. જેથી વિશેષજ્ઞો આવનારા સમય માટે આ બાબતને ગંભીર ચેતવણી માની રહ્યા છે.