Thu Sep 03 2026

Logo

ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે હોસ્પિટલમાં દાખલ, વિધાનસભ્ય બચ્ચુ કડુએ આપી સલાહ, કહ્યું કે હવે તેમણે પોતાની...

2026-07-04 17:58:57
Author: Darshana Visaria
ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે હોસ્પિટલમાં દાખલ, વિધાનસભ્ય બચ્ચુ કડુએ આપી સલાહ, કહ્યું કે હવે તેમણે પોતાની...

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાંથી આ સમયે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શિવસેનાના (શિંદે જૂથ) સર્વેસર્વા અને રાજ્યના ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેની તબિયત અચાનક બગડતાં તેમને થાણેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શુક્રવારે રાત્રે બનેલી આ ઘટના બાદ તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે અને હાલ તેમની પ્રકૃતિ સંપૂર્ણપણે સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. એકનાથ શિંદે હોસ્પિટલમાં દાખલ થતાં જ શિવસેના શિંદે જૂથના વિધાન પરિષદના ધારાસભ્ય બચ્ચુ કડુએ તેમના સ્વાસ્થ્ય અને મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો પર ત્રણ મોટા નિવેદનો આપ્યા છે.

24 કલાક કામ કરનારો માણસ, હવે પોતાના શરીરનું વિચારે: બચ્ચુ કડુ

એકનાથ શિંદેની ખરાબ તબિયત પર ચિંતા વ્યક્ત કરતા બચ્ચુ કડુએ જણાવ્યું હતું કે, હું જ્યારે શિવસેનામાં જોડાયો ત્યારથી જોઈ રહ્યો છું કે એકનાથ શિંદે સાહેબની આસપાસ સતત કાર્યકરોની ભારે ભીડ હોય છે. તેઓ મધરાતે એક કે બે વાગ્યા સુધી સામાન્ય કાર્યકર્તાઓને પણ સહજતાથી ઉપલબ્ધ થાય છે. તેમનો જનસંપર્ક અદભુત છે. તેઓ 24 કલાક કામ કરનારા માણસ છે. 

અમે હંમેશાં તેમને કહીએ છીએ કે હવે આ દિનચર્યામાં થોડો ફેરફાર કરવો જરૂરી છે, તેમણે પોતાના શરીર અને સ્વાસ્થ્યની કાળજી લેવી પડશે, નહિતર શારીરિક તકલીફો વધી શકે છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ ઝડપથી સાજા થઈને ફરી જનસેવામાં કાર્યરત થાય, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું. 

ઉદ્ધવ ઠાકરે સાચા રસ્તે, હિન્દુત્વ મામલે સકારાત્મક વલણની આશા

આ દરમિયાન બચ્ચુ કડુએ પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે અંગે પણ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે અત્યારે રામરક્ષા સ્તોત્રના પાઠ કરી રહ્યા છે તે ખૂબ જ સારી બાબત છે. મારા મતે શિવસેનાના જે અસલી વિચારો અને સિદ્ધાંતો છે, ઉદ્ધવ સાહેબ અત્યારે તે જ દિશામાં ડગ માંડી રહ્યા છે. હું તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપું છું. હિન્દુત્વ અને અન્ય પ્રવાહોને લઈને તેમની સામે જે પ્રશ્નો કે અડચણો હતી, તે આગામી સમયમાં વધુ સકારાત્મક બનશે તેવી આશા છે.

ખેડૂતોની દેવામાફીમાં કોઈ ભૂલ ન થવી જોઈએ, ભલે 2 દિવસ મોડું થાય

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની કર્જમાફીની પ્રક્રિયા અંગે પણ બચ્ચુ કડુએ સરકારને આકરો સૂર વહેતો કરીને સલાહ આપી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, મને ખબર નથી કે સરકારે દેવામાફી માટે પાંચ તારીખની ડેડલાઇન કેમ આપી અને રવિવારનો દિવસ ખેડૂતો માટે કઈ રીતે નક્કી કર્યો? હવે જ્યારે આ તારીખ લંબાવવામાં આવી છે, ત્યારે મારી સરકારને વિનંતી છે કે પ્રક્રિયામાં રહેલી તમામ ટેકનિકલ ખામીઓ અને ત્રુટીઓ પહેલાં સુધારી લેવામાં આવે. દેવામાફીની જાહેરાત ભલે ૨ દિવસ મોડી થાય, પણ તેમાં કોઈ જ ક્ષતિ ન રહેવી જોઈએ. સરકારે તમામ સુધારા કરીને જ હવે જનતાની સામે આવવું જોઈએ.