Tue May 19 2026

Logo

નાણાકીય વર્ષ 2026માં ખાદ્યતેલની આયાતમાં ત્રણ ટકાનો વધારો

2026-05-19 20:34:21
Author: Ramesh Gohil
Article Image

નેપાળથી આયાતમાં 113 ટકાનો ઉછાળો 

નવી દિલ્હીઃ ગત નાણાકીય વર્ષ 2025-26માં દેશમાં ખાદ્યતેલની આયાત આગલાં નાણાકીય વર્ષ 2024-25નાં 1,61,81,923 ટન સામે ત્રણ ટકા વધીને 1,66,50,666 ટનની સપાટીએ રહી હતી. જોકે, રસપ્રદ બાબત એ છે કે સાફ્ટા કરાર હેઠળ નેપાળથી આયાત ડ્યૂટીમુક્ત ધોરણે થતી હોવાથી ગત સાલ નેપાળથી થતી આયાતમાં 113 ટકાનો ઉછાળો જોવા મળ્યો હોવાનું સ્થાનિક ખાદ્યતેલ ઉદ્યોગના સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશને તાજેતરમાં સંકલિત કરેલી આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. 

સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરીયા (એસએએફટીએ-સાફ્ટા) કરાર હેઠળ નેપાળ ભારતીય બજારોમાં ડ્યૂટીમુક્ત એક્સેસ મેળવતું હોવાથી ગત નાણાકીય વર્ષમાં નેપાળે ભારત ખાતે ખાદ્યતેલની નિકાસ 7,35,736 ટનની કરી હતી, જે આગલા નાણાકીય વર્ષ 2024-25માં માત્ર 3,44,905 ટનની સપાટીએ રહી હતી. આમ ગત સાલ સ્થાનિકમાં નેપાળથી ખાદ્યતેલની આયાતમાં 113 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. 

એસોસિયેશને જણાવ્યું હતું કે ગત સાલ નેપાળથી ભારત ખાતે સૌથી વધુ સોયાબીન તેલની આયાત થઈ છે, જ્યારે થોડી માત્રામાં આરબીડી પામોલિન, સનફ્લાવર તેલ અને સરસવના તેલની પણ આયાત થઈ છે. એકંદરે નેપાળથી ડ્યૂટીમુક્ત ધોરણે રિફાઈન્ડ તેલની નોંધપાત્ર માત્રામાં આયાત થવાને કારણે વર્ષ દરમિયાનની કુલ આયાતમાં વધારો થયો હોવાનું જણાવતાં એસોસિયેશને ઉમેર્યું હતું કે જો નેપાળ સાથે સાફ્ટા કરાર ન હોત તો ગત નાણાકીય વર્ષમાં સ્થાનિકમાં માગમાં વધારો, ઊંચા વૈશ્વિક ભાવ અને રૂપિયામાં નરમાઈ હોવા છતાં દેશની ખાદ્યતેલની કુલ આયાત આગલા નાણાકીય વર્ષની સરખામણીમાં ઓછી થઈ હોત. 

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે દેશમાં તેલીબિયાંનું ઓછું ઉત્પાદન થતું હોવાથી કુલ માગ પૈકી માત્ર 40 ટકા માગ સંતોષાય છે, જ્યારે શેષ 60 ટકા માગ આયાતથી સંતોષાતી હોવાથી આયાતનિર્ભર રહેવું પડે છે. એકંદરે તેલીબિયાંની ઓછી ઊપજ, ખંડીત જમીનની માલિકી, ઘઉં અને ચોખાનાં ઉત્પાદન તરફી વલણ, મર્યાદિત સિંચાઈને કારણે સ્થાનિકમાં ખાદ્યતેલનું ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે. આથી એસોસિયેશને સ્થાનિકમાં તેલીબિયાંની ઉત્પાદકતા વધારવા અને આયાતનિર્ભરતા ઘટાડવા માટે સ્થાનિક સ્તરે મૂલ્યવર્ધનમાં વધારો કરવા આહ્વાન કર્યું છે. 

નોંધનીય બાબત એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ગ્રાહકોને વિદેશી હૂંડિયામણની અનામતો બચાવવા અને આયાત ઘટાડવા માટે ખાદ્યતેલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા જનતાને અનુરોધ કર્યો હતો.