અમદાવાદઃ ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GLDC)ના અધિકારીની લાખોની સંપત્તિ ભ્રષ્ટાચારના કેસમાં જપ્ત કરવામાં આવી હતી. EDની સુરત સબ ઝોનલ ઓફિસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. વાલિયા શિબાભાઈ ઝુંઝાભાઈ ઉર્ફે ભૂપતભાઈ અને અન્ય લોકો સામે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં આશરે રૂ. 1.15 કરોડની કિંમતની 15 સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે જપ્ત કરી હતી.
ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજા, અમદાવાદના ઓઢવ અને સાબરમતી તેમજ મહારાષ્ટ્રના પુણે સ્થિત હડપસરમાં આવેલી આ મિલકતો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 ની જોગવાઈઓ હેઠળ 21 સપ્ટેમ્બર, 2026ના રોજ જપ્ત કરવામાં આવી હતી.
ED અનુસાર, આ તપાસ ભાવનગરના એન્ટી-કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR અને ત્યારબાદ ભાવનગરની સ્પેશિયલ કોર્ટ સમક્ષ ઝુંઝાભાઈ વિરુદ્ધ દાખલ કરાયેલી ચાર્જશીટના આધારે શરૂ કરવામાં આવી હતી. ઝુંઝાભાઈ તે સમયે ગુજરાત લેન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GLDC), ભરૂચ ખાતે ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા.
ED, Surat has provisionally attached 15 immovable properties valued at ₹1.15 Crore (Approx) under the PMLA, 2002, in the case of Valiya Shibabhai Zunzabhai alias Bhupatbhai the then feld assistant, Gujarat Land Development Corporation Ltd.(GLDC), Bharuch in the matter of… pic.twitter.com/TuSw3SRAhq
— ED (@dir_ed) September 23, 2026
ઝુંઝાભાઈએ સરકારી કર્મચારી તરીકે સેવા આપતી વખતે પોતાની આવકના જાણીતા સ્ત્રોતો કરતાં વધુ અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી હોવાનો આક્ષેપ છે. EDએ જણાવ્યું હતું કે તેની તપાસમાં આવી સંપત્તિનું મૂલ્ય આશરે રૂ. 1,15,18,350 હોવાનું સામે આવ્યું હતું. પરિણામે, PMLA, 2002ની કલમ 5(1) હેઠળ આશરે રૂ. 1,14,98,600ની કુલ કિંમત ધરાવતી 15 સ્થાવર મિલકતો કામચલાઉ ધોરણે ટાંચમાં લેવામાં આવી હતી. EDએ ઉમેર્યું હતું કે આ કેસમાં આગળની તપાસ હાલ ચાલુ છે.