Tue Oct 06 2026

Logo

ઈડી અમદાવાદે પીએમએલએ કેસમાં ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયાની રૂ. 43.65 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી

2026-10-01 20:29:03
Author: Pooja Shah
ઈડી અમદાવાદે પીએમએલએ કેસમાં ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયાની રૂ. 43.65 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી

અમદાવાદ: શહેરની ઇલેક્ટ્રોથમ ઇન્ડિયા લિમિટેડ ના પ્રમોટર ના બેંક ઓફ ઈન્ડિયાના લોન ડાયવર્ટ કરવાના કૌભાંડની તપાસ ઈડી, અમદાવાદ ઝોનલ યુનિટ દ્વારા કરવામાં આવી રહી છે અને કંપનીની રૂ. 43.65 કરોડની મિલકત ટાંચમાં લેવામાં આવી છે, તેવી માહિતી સૂત્રોએ આપી હતી. ઇલેક્ટ્રોથમ ઇન્ડિયા લિમિટેડ ના પ્રમોટરો દ્વારા 2007 થી 2013 સુધીના સમયગાળા દરમિયાન બેંક ઓફ ઈન્ડિયા પાસેથી ખોટી રીતે ક્રેડિટ ફેસીલીટી મેળવીને ફંડ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું, જેના કારણે બેંકને મોટું આર્થિક નુકસાન થયું હતું. આ અંગે મુંબઈ સીબીઆઇની બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

સીબીઆઇની ફરિયાદ બાદ એન્ફોર્સમેન્ટ વિભાગના અમદાવાદના અધિકારીઓએ જાન્યુઆરી 2025માં કંપનીની ઓફિસ અને પ્રમોટરોના ઓફિસ અને એકમો પર દરોડા પણ પાડ્યા હતા અને રૂ. 38.32 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો ટાંચમાં લીધી હતી. આ અંગેની તપાસ હજુ ચાલુ છે અને બેંકમાંથી મેળવેલી ક્રેડિટ ફેસિલિટીના રૂપિયા બેન્ક ખાતાઓમાંથી કંપનીના પ્રમોટરો દ્વારા રોકડ સ્વરૂપમાં બેંકમાંથી મેળવીને આ રૂપિયામાંથી સંપત્તિ ખરીદ કરી હતી. હજુ પણ રૂ. 631.97 કરોડની આઉટ સ્ટેન્ડિંગ અમાઉન્ટ બાકી છે અને બેંકને પણ રૂ.81.87 કરોડનું આર્થિક નુકસાન થયું છે.

એન્ફોર્સમેન્ટ વિભાગના અધિકારીઓએ રૂ.43.65 કરોડની મિલકત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 મુજબ એટેચ કરી છે જેમાં કંપનીના યસ બેન્કના બે ખાતામાં રહેલ રૂ. 25.8 કરોડ તેમજ 13,57,775 શેર કે જેની કિંમત રૂ. 18.57 કરોડ થવા જાય છે તેને  પણ એટેચ કરવામાં આવ્યા છે.  સમગ્ર કેસની તપાસ એરફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ની અમદાવાદ ઓફિસ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને કરોડો રૂપિયા બેંકમાંથી ઉપાડીને ક્યાં રોકાણ કર્યું તેની તપાસ હજુ ચાલી રહી છે.  ઈડીના અધિકારીઓને આશંકા છે કે કંપનીના પ્રમોટરોએ વિદેશમાં પણ રોકાણ કર્યું હોવું જોઈએ આ દિશામાં પણ હજુ તપાસ ચાલુ છે, તેમ પણ સૂત્રોએ જણાવ્યું હતું.