અમરેલી: જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ભૂસ્તરીય હલચલ તેજ બની છે, જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કુદરતી આફતોના જોખમ વચ્ચે અમરેલી પંથક હવે ભૂકંપના આંચકાઓ માટે જાણે કેન્દ્રસ્થાન બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજે ફરી એકવાર ધરા ધ્રૂજતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. તંત્ર દ્વારા પણ આ બાબતે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને નાગરિકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર સાવરકુંડલા તાલુકાના મિતિયાળા પંથકમાં આજે સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસમોલોજી રિસર્ચ સેન્ટર (ISR) દ્વારા આ આંચકાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.5 નોંધાઈ હતી. આ આંચકો એટલો પ્રબળ હતો કે મિતિયાળા સહિત આસપાસના સાકરપરા, ધજડી, અને ભાડ જેવા ગામોમાં લોકો પોતપોતાના ઘરો અને ઓફિસોમાંથી ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
અહેવાલ મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી અંદાજે 42 કિલોમીટર દૂર નોંધાયું છે. સાવરકુંડલા ઉપરાંત ખાંભા અને ઈંગોરાળા પંથકમાં પણ તેની અસર જોવા મળી હતી. જોકે, તીવ્રતા ઓછી હોવાથી સદનસીબે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. પરંતુ સતત આવતા આંચકાઓને કારણે ગ્રામીણ જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે.
મિતિયાળા વિસ્તાર હવે ધીમે-ધીમે ભૂકંપનું ‘એપી સેન્ટર’ બની રહ્યો હોય તેવું જણાય છે. નોંધનીય છે કે માત્ર બે દિવસ અગાઉ જ 24 કલાકની અંદર આ પંથકમાં 14 જેટલા નાના-મોટા આંચકાઓ આવ્યા હતા. વારંવાર ધ્રૂજતી ધરતીને કારણે કાચા મકાનોમાં તિરાડો પડવાની ભીતિ સેવાઈ રહી છે. રાત્રિના સમયે લોકો ઘરમાં સૂતા પણ ખચકાટ અનુભવી રહ્યા છે. સ્થાનિકો હવે આ સમસ્યાના કાયમી ઉકેલ અથવા વૈજ્ઞાનિક કારણો જાણવા માટે ઉત્સુક છે.