નવી દિલ્હી: ભારતીય સંરક્ષણ ક્ષેત્રે 'આત્મનિર્ભર ભારત' અભિયાનને વેગ આપતા, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ સ્વદેશી પિનાકા રોકેટ સિસ્ટમના નવા અવતાર પર કામ શરૂ કર્યું છે. અત્યાર સુધી જમીન પરથી ટ્રક દ્વારા લોન્ચ કરવામાં આવતું આ પિનાકા રોકેટ હવે ભારતીય વાયુસેનાના ફાઇટર જેટ્સ દ્વારા આકાશમાંથી સપાટી પર હુમલો કરવા માટે સજ્જ કરવામાં આવશે.
આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય વાયુસેનાને વધુ સચોટ, લાંબી રેન્જ ધરાવતું અને આર્થિક રીતે પરવડે તેવું સ્વદેશી હથિયાર પૂરૂં પાડવાનો છે, જેની માંગ હાલમાં વૈશ્વિક બજારમાં પણ વધી રહી છે. ભારત હવે ઈનોવેશનની દુનિયામાં હરણફાળ ભરી રહ્યું છે, જેમાં ભારતીય વૈજ્ઞાનિકોએ બ્રહ્મોસને ડેવલપ કર્યા પછી હવે પિનાકા રોકેટ સિસ્ટમ પણ સંપૂર્ણ રીતે ભારતમાં વિકિસત કરવામાં આવી છે, જે અમેરિકા કરતા પણ વધુ સસ્તુ હશે.
મળતી વિગતો અનુસાર, પિનાકાના એરિયલ વર્ઝનમાં આર્મીના હાલના નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ થઈ શકે છે, પરંતુ તેના હાર્ડવેરમાં નોંધપાત્ર ફેરફાર કરવામાં આવશે. ફાઇટર જેટની ઝડપ અને સંતુલન જળવાઈ રહે તે માટે રોકેટની લંબાઈ અંદાજે 4.8 મીટર રાખવામાં આવશે. આ ખાસ ડિઝાઇનને કારણે તે ભારતના તમામ અત્યાધુનિક ફાઇટર જેટ્સમાં સરળતાથી ફિટ થઈ શકશે. વૈજ્ઞાનિકો આ રોકેટની પ્રોપલ્શન સિસ્ટમમાં પણ સુધારા કરશે જેથી તે આકાશમાંથી છોડતી વખતે મહત્તમ કાર્યક્ષમતા આપી શકે.
ટેકનિકલ વિશેષતાઓ-વ્યૂહાત્મક ફાયદા
પિનાકાનું એર વર્ઝન ઘણી રીતે ઘાતક સાબિત થશે. તેમાં પ્રિસિઝન ગાઈડન્સ માટે GPS અને ઈન્ટરનલ નેવિગેશન ડેટાનો ઉપયોગ કરવામાં આવશે, જે તેને સચોટ નિશાન બનાવવામાં મદદ કરશે. જમીન પરથી લોન્ચ થતા વર્ઝનની સરખામણીમાં તેનું એર વર્ઝન ઘણી લાંબી રેન્જ સુધી પ્રહાર કરી શકશે. આનાથી ભારતીય પાયલોટ્સ દુશ્મનના રડાર કે એર ડિફેન્સ સિસ્ટમની નજીક ગયા વગર જ દૂરથી તેમના ઠેકાણાઓ, સૈનિક છાવણીઓ અને લોજિસ્ટિક્સ બેઝને નષ્ટ કરી શકશે.
સસ્તી અને સચોટ પ્રહાર ક્ષમતા
મોંઘી ક્રૂઝ મિસાઈલોની સરખામણીમાં પિનાકા રોકેટ સિસ્ટમ ખૂબ જ સસ્તી સાબિત થશે. દુશ્મનના રડાર માટે આ રોકેટને શોધી કાઢવાનું મુશ્કેલ હશે, જેના કારણે તે અચૂક હુમલો કરવામાં સફળ રહેશે. DRDO દ્વારા હાલના પિનાકા ફ્રેમવર્ક પર જ આ નવું વર્ઝન વિકસાવવામાં આવી રહ્યું હોવાથી સંશોધન ખર્ચમાં ઘટાડો થશે અને સમયની પણ બચત થશે. ફ્રાન્સ જેવા દેશો પણ આ સિસ્ટમમાં રસ દાખવી રહ્યા છે, જે ભારતની વધતી સંરક્ષણ નિકાસ ક્ષમતા દર્શાવે છે.
ભગવાન શિવના ધનુષ 'પિનાક' પરથી નામકરણ
પિનાકા રોકેટનું નામ ભગવાન શિવના દિવ્ય ધનુષ 'પિનાક' પરથી રાખવામાં આવ્યું છે. જે રીતે પિનાક ધનુષ અસત્યના વિનાશ અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે, તેવી જ રીતે આ રોકેટ સિસ્ટમ ભારતીય સેના માટે શત્રુઓનો નાશ કરનાર એક અત્યાધુનિક શસ્ત્ર બની રહેશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા જ ભારતીય વાયુસેનાની તાકાતમાં અનેકગણો વધારો થશે.