Wed Sep 16 2026

Logo

ઈંધણની અછત, મોંઘવારી અને કાળઝાળ ગરમીની બેવડી માર: કચ્છના પ્રવાસન સ્થળોએ પર્યટકોની સંખ્યામાં ધરખમ ઘટાડો

2026-05-29 10:56:00
Author: Mumbai Samachar Team
ઈંધણની અછત, મોંઘવારી અને કાળઝાળ ગરમીની બેવડી માર: કચ્છના પ્રવાસન સ્થળોએ પર્યટકોની સંખ્યામાં ધરખમ ઘટાડો

ભૂજઃ વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિ, વધતી જતી મોંઘવારી, પેટ્રોલ-ડીઝલની વર્તમાન અછત અને આકાશમાંથી વરસતા કાળઝાળ તાપના કારણે ચાલુ વર્ષે ઉનાળુ વેકેશનમાં કચ્છના પ્રવાસન સ્થળોએ પર્યટકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. દર વર્ષે ઉનાળાની રજાઓમાં માંડવીના દરિયાકાંઠે, ઐતિહાસિક વિજય વિલાસ પેલેસ અને આસપાસના પર્યટન કેન્દ્રો પર સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે ચિત્ર સાવ બદલાયું છે. પ્રવાસન સ્થળો પર હાલ સ્થાનિક લોકો સિવાય કચ્છ બહારના પ્રવાસીઓની સંખ્યા નહિવત જેવી જોવા મળી રહી છે.

સ્થાનિક વેપારીઓ અને રોજગારધંધા સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે માંડવીના રમણીય બીચ સહિતના સ્થળો પર માત્ર ૩૦થી ૪૦ ટકા જ પ્રવાસીઓ આવ્યા છે, જેને પગલે પ્રવાસન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. વાહનવ્યવહાર માટે પેટ્રોલ-ડીઝલની સર્જાયેલી અછત આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. અગાઉ કોરોના મહામારી અને વાવાઝોડા જેવી કુદરતી આફતો બાદ હવે વેકેશનની સિઝનમાં ઈંધણ સંકટ અને અસહ્ય ગરમી આડે આવતાં પ્રવાસન વ્યવસાય સાથે જોડાયેલા નાના-મોટા ધંધાર્થીઓમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે.