(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં મહિલા સુરક્ષા અને આત્મસન્માનના દાવાઓ વચ્ચે દહેજ પ્રથાનું દૂષણ હજુ પણ સમાજને ભરખી રહ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. વિધાનસભા સત્ર દરમિયાન રજૂ થયેલા આંકડા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યમાં દહેજની કુપ્રથાના કારણે કુલ 178 મહિલાઓએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું.
આ સમયગાળા દરમિયાન દહેજ ઉત્પીડનની કુલ 5638 ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ હોવાનું જાણવા મળ્યું હતું. સરકારના જણાવ્યા અનુસાર, આ આત્મહત્યાના કેસોમાં અત્યાર સુધીમાં 522 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 15 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાનું ખૂલ્યું હતું.
જિલ્લાવાર આંકડાઓ પર નજર કરીએ તો, દહેજ દૂષણની ફરિયાદો અને આપઘાતની ઘટનાઓમાં મહાનગરો મોખરે રહ્યા હતા. અમદાવાદમાં સૌથી વધુ 1665 ફરિયાદો સાથે 34 મહિલાઓએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે સુરતમાં 1166 ફરિયાદો અને 36 મહિલાઓના આપઘાત નોંધાયા હતા.
વડોદરામાં 17 અને કચ્છમાં 16 મહિલાઓએ દહેજને કારણે મોતની સોડ તાણી લીધી હતી. ચોંકાવનારી બાબત એ છે કે બનાસકાંઠા, મહેસાણા અને રાજકોટ જેવા જિલ્લાઓમાં પણ ફરિયાદોનો આંકડો ખૂબ મોટો હોવાનું ખૂલ્યું હતું.