અમદાવાદઃ દારૂના પરમિટ ધારકોને બેવડો ફટકો લાગ્યો છે. પહેલા રિન્યુઅલ ફી રૂ. 20 હજારથી વધારીને રૂ. 25 કરવામાં આવી હતી. જે બાદ માસિક ક્વોટા ચાર યુનિટથી ઘટાડીને ત્રણ કરાયો હતો. જેના કારણે પરમિટ ધારકોમાં નારાજગી જોવા મળી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સિવિલ હોસ્પિટલમાં સામે આવેલા લિકર પરમિટ કૌભાંડ બાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં પરમિટ આપવાની કામગીરી અંદાજે દોઢ મહિના બંધ રહ્યા બાદ ફરી શરૂ કરવામાં આવી હતી. રિન્યુઅલ ફી અને ક્વોટામાં કરાયેલા ઘટાડાથી પરમિટ ધારકોમાં અસંતોષ ફેલાયો છે. પરમિટ સંબંધિત કામગીરી સ્થગિત કરાયા બાદ જૂનમાં ફરી શરૂ કરવામાં આવી હતી, જેમાં હોસ્પિટલ બાકી રહેલી મોટી સંખ્યામાં અરજીઓનો નિકાલ કરી રહી છે. પરમિટ ધારકોનો દાવો છે કે વહીવટીતંત્રે પરમિટ આપવાની પ્રક્રિયા બદલી નાખી છે. આ કામગીરી માત્ર મંગળવાર અને ગુરુવારે જ કરવામાં આવે છે, જેથી પરમિટ ધારકોએ લાંબી રાહ જોવી પડે છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, નિયમોમાં અચાનક કરાયેલા ફેરફારથી મારા જેવા અનેક પરમિટ ધારકોમાં રોષ ફેલાયો છે. પરમિટ ધારકે જણાવ્યું કે, એક એજન્ટે મને ક્વોટા વધારીને ચાર યુનિટ કરાવવા માટે સરકારી ફી ઉપરાંત વધારાના રૂ. 3,000 ચૂકવવા કહ્યું છે. પરમિટ ફી વધાર્યા પછી અચાનક યુનિટની સંખ્યા કેમ ઘટાડી દેવામાં આવી તે સમજાતું નથી.
અગાઉ, 50 વર્ષ અને તેથી વધુ વયના અરજદારો વાર્ષિક રૂ. 20,000 ચૂકવતા હતા અને સામાન્ય રીતે તેમને ચાર યુનિટ આપવામાં આવતા હતા. સુધારેલી ફી નવી પરમિટ પર લાગુ થાય છે અને સરકારી નિયમો મુજબ અમલમાં મૂકવામાં આવી હતી. જ્યાં સુધી 50 વર્ષ કે તેથી વધુ વયના અરજદાર માટે મંજૂર કરવામાં આવતા યુનિટ્સની સંખ્યાનો સવાલ છે, નિયમ એવો છે કે લઘુત્તમ ત્રણ અને મહત્તમ ચાર યુનિટ મંજૂર કરી શકાય છે. સૂત્રો મુજબ કેટલા યુનિટ મંજૂર કરવા તે અરજદારની શારીરિક સ્થિતિ અને મેડિકલ રિપોર્ટ પર આધાર રાખે છે.