Mon Aug 24 2026

Logo

ડિંગુચા ફરી આવ્યું ચર્ચામાં, અમેરિકાથી ડિપોર્ટ થયેલા યુવાને એજન્ટોની ખોલી પોલ

2026-03-16 11:35:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતીઓની અમેરિકા જવાની ઘેલછા જાણીતી છે. કાયદેસર રીતે ન જઈ શકતાં લોકો ઘણીવખત ઘૂસણખોરી કરીને પણ અમેરિકા પહોંચતા હોય છે. જોકે અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને ટ્રમ્પ સરકાર પરત મોકલી રહી છે. આવા જ એક વ્યક્તિએ ડિપોર્ટ થઈને વતન પહોંચ્યા બાદ એજન્ટ સામે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવકે તેની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અનેઅત્યંત ખરાબ પરિસ્થિતિમાં કામ કરવા માટે મજબૂર કર્યાના આક્ષેપ કર્યો હતો. ઉપરાંત ડિંગુચા કેસમાં જે આરોપીઓ છે તેની સાથે તેના એજન્ટની સાંઠગાંઠ હોવાનું પણ જણાવ્યું હતું.

ફરિયાદમાં શું કર્યો આક્ષેપ

યુવકની ફરિયાદ મુજબ, ચાર 'એજન્ટો'એ તેને કાયદેસર રીતે અમેરિકામાં સ્થાયી થવા અને નોકરી અપાવવાની લાલચ આપી હતી, પરંતુ તેના બદલે તેના પરિવારનું આર્થિક શોષણ કર્યું અને ધાકધમકી આપી હતી. ફરિયાદીએ પોલીસને એમ પણ જણાવ્યું હતું કે આ કેસનો મુખ્ય આરોપી ડિંગુચાના એક પરિવાર ગેરકાયદે પ્રવેશતી વખતે ઠંડીમાં થીજીને મૃત્યુ પામ્યો હતો તેની સાથે જ જોડાયેલો છે.  

ફરિયાદ મુજબ, તે અમેરિકા જવા માંગતો હતો ત્યારે તે એક નેટવર્કના સંપર્કમાં આવ્યો હતો. જેણે તેની મુસાફરીની વ્યવસ્થા કરવાનો દાવો કર્યો હતો.  એક આરોપીએ તેને કહ્યું હતું કે તેના અને તેના માતા-પિતા માટે કુલ ₹3.20 કરોડનો ખર્ચ થશે, અને તેણે તે રકમ પર દર મહિને 1% વ્યાજ ચૂકવવું પડશે. ફરિયાદીએ આ વાત સ્વીકારી લીધી હતી.  તેને વિશ્વાસ હતો કે આ પ્રક્રિયા કાયદેસર હશે અને રકમ ચૂકવવા માટે તેને અમેરિકામાં કામ આપવામાં આવશે.

પાસપોર્ટમાં નકલી સ્ટેમ્પ માર્યા

ફરિયાદીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે એજન્ટોએ વિઝા અરજીઓને મજબૂત કરવા માટે બનાવટી ઇમિગ્રેશન દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને પાસપોર્ટમાં નકલી સ્ટેમ્પ માર્યા હતા. આરોપીઓએ આ છેતરપિંડી કબૂલી હોવાનું પણ કહેવાય છે. 

16 કલાક કામ અને કલાકનું માત્ર $3 વેતન

આ વ્યક્તિ અને તેના માતા-પિતાને પહેલા કેનેડા મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેમના વિઝા રદ કરવામાં આવ્યા હતા, જેના કારણે તેઓએ ત્યાં આશ્રય લેવાની ફરજ પડી હતી. ત્યારબાદ એક વચેટિયા દ્વારા તેમને રાત્રિના સમયે પગપાળા અમેરિકાની સરહદ પાર કરાવાઈ હતી. અમેરિકામાં પ્રવેશ્યા પછી, પરિવારને એક શહેરમાં લઈ જવામાં આવ્યો જ્યાં ફરિયાદી અને તેના પરિવારને દિવસના 14 થી 16 કલાક કઠોર પરિસ્થિતિમાં કામ કરવાની ફરજ પાડવામાં આવી હતી. તેણે આક્ષેપ કર્યો હતો કે વચન આપેલું $10 પ્રતિ કલાકનું વેતન ઘટાડીને માત્ર $3 કરી દેવામાં આવ્યું હતું. જ્યારે તેણે વિરોધ કર્યો, ત્યારે આરોપીએ તેને ધમકી આપી હતી કે તેણે ત્યાં ગુલામની જેમ કામ કરવું પડશે અને જો તે છોડવાનો પ્રયત્ન કરશે તો તેની સામે અમેરિકામાં ખોટા કેસ કરવામાં આવશે. આ ઉપરાંત, જો તે પોલીસ પાસે જશે તો ભારતમાં રહેલા તેના સંબંધીઓને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપી હતી.

સપ્ટેમ્બર 2025માં ડિપોર્ટ

સપ્ટેમ્બર 2025માં ડિપોર્ટ થયા બાદ આ વ્યક્તિ ભારત પરત ફર્યો હતો, જ્યારે તેના માતા-પિતા હજુ પણ અમેરિકામાં  છે. તેણે આક્ષેપ કર્યો હતો કે પરિવારે અંદાજે ₹1.95 કરોડ ચૂકવી દીધા હોવા છતાં, આરોપીઓએ હજુ પણ ₹2.7 કરોડની માંગણી ચાલુ રાખી હતી.પોલીસે જણાવ્યું હતું કે છેતરપિંડી, માનવ તસ્કરી, ખંડણી અને ગુનાહિત ધમકીના આરોપો હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા અમેરિકામાં 11 ગુજરાતીઓ સામે વિઝા છેતરપિંડી અને કાવતરું રચવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. તેમની એફબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમણે U Visa અને ગ્રીન કાર્ડ મેળવવા માટે દુકાનમાં નકલી લૂંટનું કાવતરું રચ્યું હતું.આરોપીઓએ અમેરિકાના વિવિધ રાજ્યોમાં કન્વીનિઅંસ સ્ટોર તથા દારૂની દુકાનો પર નકલી હથિયારબંધ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. તેમનો હેતુ સ્ટોરમાં હાજર ક્લાર્કોને ખુદને ક્રાઈમ વિક્ટિમ બતાવવાનો હતો.  વિઝા ફ્રોડનું કાવતરું રચવા માટે તેમને 5 વર્ષ સુધીની જેલ અને 2,50,000 અમેરિકન ડોલર (આશરે 2 કરોડ રૂપિયા)ના દંડની સજા થઈ શકે છે.અમેરિકાના કાયદા મુજબ, જે લોકો કોઈ ગુનાનો શિકાર બન્યા હોય અને તપાસમાં મદદ કરે તેમને U Visa મળે છે. આ વીઝા આગળ જઈને ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ મોકળો કરે છે.