ગુજરાત: ગુજરાત સરકારે શરૂ કરેલા ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી 20 સરકારી સેવાઓ મેળવવા માટે આધાર પ્રમાણીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે સરકારી યોજનાઓના લાભ માત્ર પાત્રતા ધરાવતા અને સાચા લાભાર્થીઓને જ મળે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. જેના લીધે આ સેવા માટે આધાર પ્રમાણીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેના લીધે ડુપ્લીકેશન અટકાવી શકાશે અને સમગ્ર વ્યવસ્થા વધુ વિશ્વસનીય બનશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ સેવાઓ માટે એકવાર આધાર પ્રમાણીકરણ સફળતાપૂર્વક થઈ ગયા પછી નાગરિકોએ પોતાની ઓળખ અથવા રહેઠાણના પુરાવા માટે અન્ય કોઈ વધારાના દસ્તાવેજો આપવાની જરૂર રહેશે નહીં. જેના થકી અરજી પ્રક્રિયા અત્યંત સરળ અને પેપરલેસ બનશે.
વૈકલ્પિક ઓળખ પુરાવાઓ દ્વારા ખરાઈ કરીને સેવા પૂરી પડાશે
આ સેવાઓ માટે આધાર પ્રમાણીકરણ એક વન ટાઈમ પાસવર્ડ-OTP આધારિત પ્રમાણીકરણ અથવા બીજી જ્યાં સાધન-સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં બાયોમેટ્રિક આધારિત પ્રમાણીકરણ કરવામાં આવશે. જો કોઈ નાગરિક પાસે આધાર કાર્ડ ન હોય અથવા ટેકનિકલ કારણોસર પ્રમાણીકરણ નિષ્ફળ જાય તો પણ તેને સેવાથી વંચિત રાખવામાં આવશે નહીં. આવા અપવાદરૂપ કિસ્સાઓમાં અન્ય વૈકલ્પિક ઓળખ પુરાવાઓ દ્વારા ખરાઈ કરીને સેવા પૂરી પાડવામાં આવશે.
UIDAI ની તમામ સુરક્ષા માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન
ડેટા સુરક્ષાની ખાસ તકેદારી વિશે તેમણે કહ્યું કે, સુરક્ષાના પાસાને ધ્યાને રાખીને સિસ્ટમમાં ક્યાંય પણ સંપૂર્ણ આધાર નંબર દર્શાવવામાં આવશે નહીં. જરૂર જણાય ત્યાં માત્ર છેલ્લા 4 આંકડા એટલે કે Masked Aadhaar જ જોઈ શકાશે. આ ઉપરાંત UIDAI ની તમામ સુરક્ષા માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.
મહત્વની 20 હાઈ-વોલ્યુમ સેવાઓ ઉપલબ્ધ
ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં ગુજરાત વહીવટી સુધારણા આયોગ-GARCની ભલામણોને સ્વીકારીને સૌથી વધુ ઉપયોગમાં લેવાતી અને નાગરિકોને સીધી સ્પર્શતી સેવાઓ જેવી કે આવકનો દાખલો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, રેશનકાર્ડને લગતી મહત્વની 20 હાઈ-વોલ્યુમ સેવાઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને તેના માટે આધાર પ્રમાણીકરણ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે.