Tue May 19 2026

Logo

ધોની ખુરસી લઈને પાછો આવી રહ્યો હતો ત્યારે ઉર્વિલ પટેલે તેને કહ્યું...

2026-05-19 11:59:00
Author: Ajay Motiwala
Article Image

ચેન્નઇ: અહીં સોમવારે ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) વચ્ચેની મૅચ વખતે ચેન્નઈના યુવાન ખેલાડી ઉર્વિલ પટેલ (Urvil Patel) અને ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોની વચ્ચેની એક નાની ઘટનાએ સૌના દિલ જીતી લીધા હતા. એમાં ખાસ કરીને ઉર્વિલે ધોનીને જે રીતે માન આપ્યું એ બદલ ઉર્વિલની સોશિયલ મીડિયામાં ખૂબ પ્રશંસા થઈ રહી છે.

ગુજરાતની ટીમ વતી ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા રેકૉર્ડ બનાવી ચૂકેલો મહેસાણાનો ઉર્વિલ પટેલ ચેન્નઈની ટીમનો ભરોસાપાત્ર વનડાઉન બૅટ્સમૅન છે. એમએસ ધોની (MS DHONI) આ વખતે અનફિટ હોવાને કારણે આઈપીએલમાં રમી નથી શક્યો, પરંતુ તેની હાજરી જ ટીમના ખેલાડીઓને ખૂબ ઉત્સાહ અપાવતી હોય છે. ધોનીના માર્ગદર્શનનો એકેએક શબ્દ પ્રત્યેક ખેલાડી માટે ઉપયોગી બની જતો છે અને ધોનીનો અનુભવ તેમના માટે પ્રેરણાત્મક હોય છે.

સોમવારે બન્યું એવું કે ચેન્નઈમાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમના મેદાન પર ખેલાડીઓનું ફોટો સેશન પૂરું થયું ત્યાર પછી ‘થાલા' એમએસ ધોની એ સત્રમાં પોતે જે ખુરસી (CHAIR) પર બેઠો હતો એ ઊંચકીને બધાની સાથે પાછો આવી રહ્યો હતો. જોકે નજીકમાં ચાલી રહેલા ઉર્વિલ પટેલનું ધોની પર ધ્યાન પડતાં તે તરત જ તેની પાસે પહોંચી ગયો હતો અને ‘સર, આ કામ તમારે નથી કરવાનું... પ્લીઝ મને કરવા દો' એવું કહીને તેણે ધોનીના હાથમાંથી ખુરસી લઈ લીધી હતી અને ચાલવા લાગ્યો હતો. ઉર્વિલની આ સૌમ્યતાથી પ્રભાવિત થયેલો ખુદ ધોની હસતો હસતો પાછો આવ્યો હતો અને તેનો આભાર માન્યો હતો.

ઉર્વિલ પટેલના સ્નેહભર્યા અને ધોનીને માન આપવાના આ અંદાઝે સૌ કોઈના દિલ જીતી લીધા હતા અને આ ઘટનાનો વીડિયો તેમ જ ફોટો વાઇરલ થતા સોશ્યલ મીડિયામાં પણ ઉર્વિલની ખૂબ વાહ વાહ થઈ હતી.

‘જેન્ટલમૅન્સ ગેમ' તરીકે જાણીતી ક્રિકેટની રમતનો મહાન ખેલાડી ખુદ ધોની સૌમ્ય તથા વિનમ્ર સ્વભાવનો છે, ‘કૂલ કેપ્ટન' તરીકે જગવિખ્યાત છે અને તેના આ સદગુણો અસંખ્ય ક્રિકેટરોમાં ઊતર્યા છે અને એની એક ઝલક સોમવારે આ ઘટનામાં જોવા મળી હતી.

સોમવારે ચેન્નઈ (20 ઓવરમાં 7/180) સામે હૈદરાબાદ (19 ઓવરમાં 5/181)નો પાંચ વિકેટે વિજય થયો હતો. 47 બૉલમાં 70 રન બનાવનાર હૈદરાબાદનો ઇશાન કિશન મૅન ઑફ ધ મૅચ ઘોષિત થયો હતો. હૈદરાબાદ સામે પરાજિત ચેન્નઈની ટીમ પ્લે-ઑફ માટે હજી પણ ઝઝૂમી રહી છે, પરંતુ ધોની-ઉર્વિલની આ ઘટનાની સોશિયલ મીડિયામાં ચર્ચા છે અને એને ‘પ્યોર સીએસકે કલ્ચર' તરીકે ઓળખાવવામાં આવી રહી છે.