અમરેલીઃ અમરેલી જિલ્લાના ધારી તાલુકા હેઠળ આવતા જળજીવડી ગામમાં વન્યપ્રાણીના આતંકની હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. ધારી તાલુકાના જળજીવડી ગામમાં રહેતા પાટડીયા પરિવારના ઘરમાં અચાનક એક હિંસક દીપડો ધસી આવ્યો હતો અને પરિસર તથા પરિવારની હાજરી વચ્ચે જ 8 વર્ષીય માસૂમ બાળકી ક્રિષ્નાબેન પર અચાનક લોહિયાળ હુમલો કરી દીધો હતો. દીપડાએ માથાના ભાગે પંજો મારતા બાળકી ગંભીર રીતે ઘવાયી હતી.
પરિવારજનોની ત્વરિત સતર્કતાથી બાળકી બચી
બાળકી પર અચાનક થયેલા આ હુમલાને જોઈને સ્તબ્ધ થઈ ગયેલા પરિવારજનો અને આસપાસના લોકોએ તુરંત જ હિંમત દાખવીને જોરજોરથી બૂમાબૂમ કરી મૂકી હતી. લોકોના દેકારા અને અવાજથી ગભરાઈને દીપડો માસૂમ ક્રિષ્નાબેનને છોડીને રાત્રિના અંધારાનો લાભ લઈ નજીકની ઝાડીઓમાં ભાગી છૂટ્યો હતો. લોહીલુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક સ્થાનિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
વનવિભાગે હાથ ધર્યું કોમ્બિંગ, પાંજરા ગોઠવાયા
આ ઘટના અંગે દલખાણીયા રેન્જ વનવિભાગને જાણ કરવામાં આવતા જ અધિકારીઓ અને વનકર્મીઓની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હિંસક દીપડાનું લોકેશન મેળવવા માટે આસપાસના વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, દીપડાને વહેલી તકે પાંજરે પૂરવા માટે જળજીવડી ગામની સીમમાં પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે અને નાઇટ પેટ્રોલિંગ વધારી દેવાયું છે.
સ્થાનિકોએ આ વિસ્તારમાં સુરક્ષા વધારવાની માંગ કરી
ધારી અને આસપાસના ગીર સરહદી ગામોમાં છેલ્લા કેટલાક સમયથી રહેણાંક વિસ્તારો અને સીમમાં વન્યપ્રાણીઓની અવારનવાર અવરજવર વધી રહી છે. સ્થાનિક ખેડૂતો અને ખેતમજૂરો માટે રાત્રિના સમયે ખેતરમાં જવું કે ઘરમાં રહેવું જોખમી બની રહ્યું છે. સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે અને વનવિભાગ આ હુમલાખોર દીપડાને વહેલી તકે પકડીને સુરક્ષિત સ્થળે ખસેડે તેવી ઉગ્ર માંગણી કરી રહ્યા છે.