Wed Jun 17 2026

Logo

તીર્થયાત્રાઃ હરિદ્વાર ભારતનું ધાર્મિક પાટનગર છે

2026-06-15 08:35:00
Author: ભાણદેવ
Article Image

ભાણદેવ

(ગતાંકથી ચાલુ)

જેઓ ભારતના સાધુસમાજનો પરિચય મેળવવા ઈચ્છતા હોય તેમને માટે કુંભમેળો ઉત્તમ તક છે. કુંભમેળો ભારતનું એક મહાન પર્વ છે.

હરિદ્વાર ભારતનું ધાર્મિક પાટનગર છે. ભારતની અનેક ધાર્મિક સંસ્થાઓનાં મધ્યસ્થ કેન્દ્રો હરિદ્વારમાં છે. તાતાનગર જેમ ઔદ્યોગિક નગર છે અને તેનો ઉદ્ભવ અને વિકાસ ઉદ્યોગને લીધે છે, તેમ હરિદ્વાર નો ઉદ્ભવ અને વિકાસ ધર્મને લીધે છે.

હરિદ્વારમાં અનેક દર્શનીય સ્થાનો છે. આપણે મહત્ત્વનાં દર્શનીય સ્થાનો વિશે અહીં વિચાર કરીશું.

1. હર કી પૈડી:
ગંગાસ્નાન હરિદ્વારની તીર્થયાત્રાનું સૌથી મહત્ત્વનું અંગ છે. ગંગાસ્નાન માટે ગંગાજીના કિનારે અનેક ઘાટ બાંધવામાં આવ્યા છે. હર કી પૈડી ગંગાજીનો મુખ્ય ઘાટ છે. હર કી પૈડી વિશાળ ઘાટ છે, એટલે બહુ મોટી સંખ્યામાં યાત્રીઓ અહીં એકસાથે સ્નાન કરી શકે છે. હર કી પૈડીમાં પગથિયાં ઊતરીને ગંગાકિનારે પહોંચાય છે. પૈડી એટલે પગથિયાં. પગથિયાંને લીધે જ તેને પૈડી કહે છે અને શિવજી તો હિમાલયનાં અધિષ્ઠાતા દેવ છે, તેથી આ ઘાટનું નામ હરકી પૈડી પડ્યું છે. 

હરકી પૈડીનાં પગથિયાં ઊતરીએ એટલે બ્રહ્મકુંડ આવે છે. આ બ્રહ્મકુંડમાં સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. ગંગામૈયા આ બ્રહ્મકુંડમાંથી પસાર થાય છે. એક બાજુથી ગંગાજીનો પ્રવાહ આ બ્રહ્મકુંડમાં આવી બીજી બાજુથી બહાર નીકળે છે, તેથી કુંડ હોવા છતાં અહીં વહેતી ગંગા છે. હરિદ્વારના કુંભમેળા દરમિયાન સાધુઓનું મુખ્ય સ્નાન અહીં બ્રહ્મકુંડમાં થાય છે. ભારતભરમાંથી લોકો પોતાનાં મૃત સ્વજનોનાં અસ્થિ ગંગાજીમાં પધરાવવા માટે અહીં આવે છે અને અસ્થિવિસર્જન આ બ્રહ્મકુંડમાં થાય છે. ગંગાસ્નાન તો હરિદ્વારમાં અનેક સ્થળે થઈ શકે છે. તેમાં હર કી પૈડી પર ગંગાસ્નાનનું વિશેષ મૂલ્ય છે.

હર કી પૈડી પર પણ ગંગાસ્નાન અનેક સ્થળે થઈ શકે છે. તેમાં બ્રહ્મકુંડમાં સ્નાન સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. બ્રહ્મકુંડની વચ્ચે ગંગામૈયાનું અષ્ટકોણ મંદિર છે. યાત્રીઓ સ્નાન કરી ગંગામૈયાના મંદિરમાં દર્શન માટે જાય છે. ગંગાનો પ્રવાહ એ ગંગામૈયાનું આધિભૌતિક સ્વરૂપ છે. મંદિરમાં ગંગામૈયાની મૂર્તિ છે તે ગંગામૈયાના આધિદૈવિક સ્વરૂપની પ્રતિમા છે અને માનવીના શરીરમાં રહેલી પિંગલા નાડીનો પ્રવાહ તે ગંગામૈયાનું આધ્યાત્મિક સ્વરૂપ છે. એક જ દૈવતનાં અનેક સ્વરૂપ હોઈ શકે. ગંગા એક નદી પણ છે, એક દેવી પણ છે અને એક શક્તિ પણ છે. 

ગંગાસ્નાનથી માનવીનું શરીર તો સ્વચ્છ થાય છે, પણ શું ચિત્ત પણ પાવન થઈ શકે? હા, જો પૂરી શ્રદ્ધાથી અને યોગ્ય વિધિથી ગંગાસ્નાન કરવામાં આવે તો ચિત્તશુદ્ધિ અને જીવનશુદ્ધિમાં પણ તેનાથી સહાયતા મળે છે. મૃતાત્માનાં અસ્થિનું ગંગામાં વિસર્જન કરવામાં આવે તો તેનાથી મૃતાત્માને મદદ મળે છે. પ્રયોગશાળામાં સાબિત થાય તેટલું જ સાચું અને બાકીનું બધું ખોટું એવું નથી. જીવન ઘણું ગહન છે. દૃશ્યમાન જગત સિવાય સૂક્ષ્મ જગત પણ છે અને સૂક્ષ્મ જગતને તેના નિયમો હોય છે. આ નિયમોને જાણીને આર્ષદ્રષ્ટા ઋષિઓએ જે વિધિવિધાનો આપ્યાં છે, તેમાં સત્ય છે અને તેને આંખો મીંચીને અવગણવાથી આપણે કેટલીક મૂલ્યવાન બાબતોથી વંચિત રહી જઈએ છીએ.

ગંગાજીના કિનારે, બ્રહ્મકુંડની આજુબાજુમાં ગંગાજીનાં એક કરતાં વધુ મંદિરો છે. સાંજે અહીં ગંગાજીની આરતી થાય છે. આ સાયં-આરતીનું વાતાવરણ ખૂબ સરસ હોય છે. સંધ્યાનો સમય, ભગવતી ગંગાનો વેગથી વહેતો પ્રવાહ, અનેક મંદિરોમાં એકસાથે થતો ઘંટરાવ, આરતીના પ્રકાશિત અનેક દીપકો, ગંગાના પ્રવાહમાં વહેતા અનેક દીવડાઓ, ભાવવિભોર અને શ્રદ્ધાનત ભક્તજનોનો વિશાળ સમૂહ, હરિદ્વાર જેવા પવિત્ર તીર્થનું વાતાવરણ, ચારે બાજુ શિવાલિકના પહાડો -આ બધાં પરિબળો એક અલૌકિક વાતાવરણ ઊભું કરે છે.ગંગાજીની આરતીમાં હાજર રહેવું તે હરિદ્વારયાત્રાનો સૌથી મહત્ત્વનો ભાગ છે.

આરતી પૂરી થઈ ગયા પછી ગિરદી ઓછી થવા માંડે છે. રાત્રિના સમયે અહીં શાંતિ હોય છે, એટલે રાત્રે નવ વાગ્યા પછી અહીં ગંગાકિનારે બેસવામાં એક અનેરો આનંદ આવે છે. આવાં સ્થાનોનું દૈવત રાત્રિના શાંત વાતાવરણમાં અનુભવવા મળે છે. આવી તક મળે તો મેળવવા જેવી ખરી!

સંધ્યાસમયે અહીં દીપદાનનો પણ રિવાજ છે. ફૂલ અને વાટવાળા દીવડાઓ અહીં તૈયાર મળે છે. સંધ્યાસમયે યાત્રીઓ આ દીવડાઓ પ્રગટાવીને ગંગાના પ્રવાહમાં વહેતા મૂકે છે. આ દૃશ્ય આહ્લાદક હોય છે.

હરિદ્વારની યાત્રાએ આવનાર યાત્રીઓ પોતાની સાથે ગંગાજળ લઈ જતા હોય છે. આ ગંગાજળ અહીં હર કી પૈડી પરથી જ ભરાય છે. આ માટેના લોટા, લોટીઓ અનેકવિધ નાનાં-મોટાં પાત્રો અહીંથી મળે છે. હર કી પૈડીની આજુબાજુ સુંદર બજાર છે. પૂજાને લગતી અનેકવિધ સામગ્રી અહીં મળે છે. શાલિગ્રામ, શિવલિંગ, રુદ્રાક્ષ, વિવિધ પ્રકારની માળાઓ, જુદા-જુદા પ્રકારનાં નંગો, મૂર્તિઓ, પૂજા માટેનાં સિંહાસન, મૂર્તિઓ માટેનાં વસ્ત્રો તથા અલંકારો, મૃગચર્મ, દર્ભાસન, મુગટા, ધાર્મિક પુસ્તકો વગેરે અનેકવિધ વસ્તુઓ અહીં મળે છે. અહીંનું ઊનનું બજાર પણ સારું છે. હિમાલયની યાત્રાને લગતી વસ્તુઓ પણ અહીં મળે છે. હર કી પૈડીને જ ગંગાદ્વાર પણ કહે છે.

गङ्गाद्वारे कुशावर्ते, बिल्वके नापर्वते I
स्नात्वा कनखल तीर्थे पुनर्जन्म न विद्यते II 

આ પાંચેય તીર્થો હરિદ્વારમાં છે અને તેમાં સ્નાન કરવાનું વિશેષ માહાત્મ્ય છે. (ક્રમશ:)