‘1930 તો મેં સેવ છે... ઘણી વાર ત્યાંથી જ ફોન આવે છે’, સમય રૈનાએ જૂનો વિવાદ વાગોળ્યો
મુંબઈ: એક સમય હતો જ્યારે કોમેડિયન સમય રૈના અને મહારાષ્ટ્ર સાયબરનું સેલનું નામ વિવાદ અને પૂછપરછ સાથે જોડાયું હતું. પણ હવે સમય બદલાયો છે અને જાણે કે સમય નો જ સમય આવ્યો છે. 26 ઓગસ્ટે મુંબઈમાં મહારાષ્ટ્ર સાયબર સેલના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં સમય રૈનાનું સન્માન કરવામાં આવ્યું. જૂના વિવાદ બાદ એ જ સાયબર સેલના મંચ પર સન્માન મેળવતો સમય રૈના જોવા મળતાં આ દૃશ્ય ચર્ચામાં આવ્યું હતું.
સન્માન બાદ સમય રૈનાએ મોકા પર ચોકો મારવાની તક ગુમાવી નહીં. અને તેણે રમુજી રીતે 1930 સાયબર હેલ્પલાઈનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે “1930 તો મેં સેવ કરી રાખ્યો છે... ઘણી વાર મને ત્યાંથી જ ફોન આવે છે.” મુખ્ય પ્રધાન ફડણવીસની હાજરીમાં રૈનાએ પોતાના જૂના સાયબર કનેક્શન પર જ મજાક કરતાં કાર્યક્રમમાં હાજર દરેક હસી પડ્યા હતા.
રૈનાએ મહારાષ્ટ્ર સાયબરની સક્રિયતા અંગે પણ કટાક્ષ કર્યો. તેણે કહ્યું કે વ્યક્તિ અમેરિકામાં હોય કે ભારતમાં સાયબર સેલ તેને શોધી જ કાઢશે. પોતાના અગાઉના અનુભવને યાદ કરતાં તેણે એવી પણ મજાક કરી કે અગાઉ સાયબર સેલનો અધિકારી કોમેડિયનને લેવા આવતો હતો, પરંતુ આ વખતે તેને લેવા નહીં, સન્માન કરવા આવ્યો હતો.
સમય રૈનાના આ જોકનો સીધો સંદર્ભ 2025ના ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ સાથે હતો. રણવીર અલ્લાહબાદિયાની ટિપ્પણી બાદ શો સાથે સંકળાયેલા લોકો સામે ફરિયાદો અને કાનૂની કાર્યવાહી થઈ હતી. આ પ્રકરણમાં મહારાષ્ટ્ર સાયબરે સમય રૈનાની પૂછપરછ પણ કરી હતી. તે સમયે રૈના અમેરિકામાં હતો અને બાદમાં મુંબઈમાં અધિકારીઓ સમક્ષ હાજર થયો હતો.
વિવાદ બાદ સમય રૈનાએ ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ની પ્રથમ સીઝનના એપિસોડ્સ હટાવી દીધા હતા. ત્યાર બાદ ઓગસ્ટ 2026માં સુપ્રીમ કોર્ટે રૈના અને અન્ય ચાર કોમેડિયન સામેની ફોજદારી કાર્યવાહી રદ કરી હતી. જૂન 2026માં શોની બીજી સીઝન સાથે સમય રૈના ફરી પરત ફર્યો હતો.
મહારાષ્ટ્ર સાયબર દ્વારા આયોજિત કાર્યક્રમનો મુખ્ય હેતુ સાયબર ગુનાઓ અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમમાં ‘ડિજિટલ અરેસ્ટ’ નામની શોર્ટ ફિલ્મ અને ‘1930 મહારાષ્ટ્ર સાયબર એન્થમ’ લોન્ચ કરવામાં આવ્યા હતા.
પોલીસ, સીબીઆઈ અધિકારી અને જજ બનીને લોકોને ડરાવીને પૈસા પડાવતી સાયબર છેતરપિંડીથી સાવચેત રહેવા અને છેતરપિંડી થાય તો 1930 પર સંપર્ક કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં સમય રૈના ઉપરાંત પંકજ ત્રિપાઠી, આશિષ વિદ્યાર્થી, શરદ કેલકર, સોનાલી બેન્દ્રે, જાવેદ જાફરી, મંગેશ દેસાઈ અને સુનિધિ ચૌહાણ સહિતની જાણીતી હસ્તીઓ પણ જોડાઈ હતી. જોકે કાર્યક્રમમાં સૌથી વધુ ધ્યાન સમય રૈના અને ફડણવીસની એક જ મંચ પરની હાજરીએ ખેંચ્યું હતું. જૂના સાયબર વિવાદ બાદ આજે એ જ સાયબરના કાર્યક્રમમાં મુખ્ય પ્રધાનના હાથે મળેલું સન્માન અને તેના તરત બાદ રૈનાનો 1930 પરનો જોક આ મુલાકાતને ખાસ બનાવી ગયો.