નવી દિલ્હીઃ નવી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સરકારે એવિએશન ટર્બાઈન ફ્યૂલ પર વેલ્યુ એડેડ ટેક્સ (VAT)ને 25% થી ઘટાડીને 7% કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે દાવો કર્યો હતો કે, આ નિર્ણયનો લાભ તમામ યાત્રી તથા એરલાઈન્સ કંપનીઓને મળશે. આ પહેલા મહારાષ્ટ્રમાં પણ આ પ્રકારે ટેક્સમાં કપાત મૂકવામાં આવી હતી. આ નિર્ણય બાદ એરલાઈન્સ કંપનીઓને મોટો ફાયદો થયો હતો. ફ્લાઈટ ઑપરેશનની સંખ્યા પણ વધી ગઈ હતી.
દિલ્હી સરકારનું મોટું પગલું
મિડલ ઈસ્ટમાં યથાવત રહેલી તણાવગ્રસ્ત પરિસ્થિતિને કારણે દુનિયાભરમાં ફ્યૂલના ભાવ સાતમા આસમાને પહોંચી રહ્યા છે. એવામાં દિલ્હી સરકારે આ પગલું લઈને હવાઈ યાત્રાને થોડી સસ્તી બનાવવાનો પ્રયાસ કર્યો છે. દિલ્હીમાં ફ્યૂલ પર લગતો ટેક્સ વર્ષોથી એરલાઈન્સ કંપનીઓ માટે મોટી મુશ્કેલી સમાન રહ્યો છે. આ કારણે ફ્લાઈટ યાત્રીઓને મોંઘી પડી રહી છે.
આ જ કારણે એર ટિકિટમાં કિંમત વધવાનો ભય તોળાતો રહ્યો છે. એવું પણ માનવામાં આવે છે કે, એવિએશન ટર્બાઈન ફ્યૂલ તથા વેટની મોટી રકમને કારણે એરપોર્ટ પર એર ટ્રાવેલ કરનારા યાત્રીઓની સંખ્યા ઘટી રહી છે. આ કારણે નવા ફ્લાઈટ યાત્રીઓમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, દિલ્લી સરકારે એવિએશન ટર્બાઈન ફ્યૂલ પર 25 ટકાનો ટેક્સ ઘટાડીને 7 ટકા કરવા જઈ રહી છે. આ પગલાથી એરલાઈન્સ કંપની તથા ફ્લાઈટના યાત્રીઓને ફાયદો થશે.

કેબિનેટની બેઠકમાં નિર્ણય
રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલી એક કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. બીજી તરફ એરલાઈન્સ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંતો ઘણા સમયથી ટેક્સ ઓછો કરવા માટેની વાત કરી રહ્યા હતા, જેથી એરલાઈન્સને આર્થિક રીતે મજબૂતી મળી રહે.દિલ્હી એક એવિએશન હબ છે. હવે દિલ્હી સરકારના નિર્ણયથી યાત્રીઓની સાથે એરલાઈન્સ કંપનીઓને પણ લાભ મળી રહેશે.પણ ઘટાડો આગામી છ મહિના સુધી જ લાગુ રહેશે.
કેન્દ્ર સરકાર પણ આ પ્રકારના કેટલાક રાહતના પ્રયાસ કરી ચૂકી છે.એરલાઈન્સ કંપનીઓના ઑપરેટિંગ ખર્ચમાં સૌથી વધુ ખર્ચ એવિએશન ટર્બાઈન ફ્યૂલનો હોય છે. વેટ ઘટી જતા હવે એરલાઈન્સ કંપનીઓને મોટી રાહત મળવા જઈ રહી છે. એવિએશન સેક્ટરના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વેટમાં ઘટાડો કરતા હવે એરલાઈન્સ કંપનીઓ કેટલાક ખર્ચાને પહોંચી વળવા માટે મદદ મળી રહેશે.
ટેક્સ ઓછો કરવા માગ
આ નિર્ણય એવા સમયે સામે આવ્યો છે જ્યારે એરલાઈન્સ કંપનીઓ ફ્યૂલને લઈને ચિંતામાં હતી. હવે કંપનીઓએ પણ એલર્ટ આપ્યું છે કે, ક્રૂડ ઓઈલની કિંમતમાં આ જ સ્થિતિ યથાવત રહી તો યાત્રીઓને ટિકિટ મોંઘી પડશે. એવિએશન સેક્ટરના નિષ્ણાંતો ઘણા લાંબા સમયથી રાજ્ય પાસેથી એટીએફ પર ટેક્સને ઓછો કરવાની માગ કરી રહ્યા છે.
એમનું એવું પણ કહેવું છે કે, ભારતમાં એવિએશન ફ્યૂલ ટેક્સ દુનિયામાં સૌથી વધારે છે. ટેક્સ ઘટે તો ક્નેક્ટિવિટીને ઉત્તમ બનાવી શકાય છે. આનાથી યાત્રીઓની સંખ્યામાં વધારો થશે અને એવિએશન ક્ષેત્રના વિકાસને પણ સશક્ત કરશે. મહારાષ્ટ્ર બાદ દિલ્હી સરકારે આ નિર્ણય લેતા થોડી રાહત થઈ છે.