આહવા : ડાંગ જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે સુબીર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આ સ્થિતિને પગલે સુબીર તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર મહાલ ખાતે આવેલી 'એકલવ્ય મોડેલ સ્કૂલ' ના પ્રાંગણમાં પાણી ભરાઈ ગયાં હતાં.
વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડયા
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કરવામાં આવેલી આગાહીને ધ્યાને રાખીને, અગમચેતીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્રની ટીમે શાળાના 311 વિદ્યાર્થીઓને તાત્કાલિક નજીકની માધ્યમિક શાળામાં સલામત રીતે સ્થળાંતરિત કર્યા હતા.
રહેવા તેમજ જમવાની સુચારુ વ્યવસ્થા
આ કામગીરીમાં સુબીર મામલતદાર, સુબીર પોલીસ સ્ટેશનના પી.આઈ. તથા તેમની ટીમ, શાળાના શિક્ષકો અને સ્થાનિક ગ્રામજનોએ સહયોગ આપ્યો હતો. તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળે ખસેડીને તેમના માટે રહેવા તેમજ જમવાની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.
કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા સૂચના
ડાંગ જિલ્લા કલેક્ટર એન.ડી. પરમાર સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. આ ઉપરાંત, સંભવિત કટોકટીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને કર્મચારીઓને પોતાનું હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે.
જિલ્લાના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અપીલ
આ ઉપરાંત જિલ્લામા કોઇપણ અનિચ્છનીય બનાવ કે ઘટના બને તો, ડાંગ જિલ્લાના કંટ્રોલ રૂમ નંબર 02631 220347 તેમજ વૈકલ્પિક નંબર 6355820252 અને ટોલ ફ્રિ નંબર 1077 ઉપર સંપર્ક સાધવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે