Thu Jul 23 2026

Logo

વિરુદ્ધ દિશામાં ટેમ્પો ચલાવનારા ડ્રાઈવરની ધરપકડ: જખમી ટ્રેઈલરના ડ્રાઈવર સામે પણ ગુનો

2026-05-20 08:34:00
Author: Yogesh C. Patel
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દહાણુમાં વેવિશાળ માટે મુરતિયા સાથે જઈ રહેલા મહેમાનોથી ભરેલા ટેમ્પો પર ક્ધટેનર ઊંધું વળવાની ઘટનામાં બન્ને ડ્રાઈવરોની ભૂલને કારણે 13 જણે જીવ ગુમાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. બેકાબૂ ટ્રેઈલર ડિવાઈડર પર ચડ્યા પછી તરત ડાબી તરફ વળવાને કારણે તેના પરનું ક્ધટેનર છૂટું પડી ગયું હતું. પછી એ ક્ધટેનર વિરુદ્ધ દિશામાંથી આવેલા ટેમ્પો પર ઊંધું વળતાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 14 ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસે બન્ને ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી ટેમ્પો ડ્રાઈવરની ધરપકડ કરી હતી.

કાસા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અમર પાટીલે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે દહાણુના કાસા પાટીલપાડા ખાતે રહેતા ટેમ્પોના ડ્રાઈવર રોહિદાસ પૂંજીરામ ધાત્રક (46)ની મંગળવારની સવારે ધરપકડ કરવામાં આવી હતી. ધાત્રક સાથે મુંબઈના વડાલા ખાતે રહેતા ટ્રેલરના ડ્રાઈવર અવધેશકુમાર સીતારામ પાલ વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો હતો. અકસ્માતમાં પાલ ગંભીર રીતે ઘવાયો હોવાથી તેની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સારવાર બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસના જણાવ્યા મુજબ દહાણુના બાપુગાંવમાં રહેતા બલરામ જયરામ દાંડેકરનાં લગ્ન ધાનીવરી ગામમાં રહેતી ક્ધયા સાથે નક્કી થયાં હતાં. બન્નેનું વેવિશાળ સોમવારે થવાનું હતું. પરિણામે બલરામ દાંડેકર સગાંસંબંધી અને ગામવાસીઓ સાથે સગાઈ માટે ધાનીવરી જવા નીકળ્યો હતો. બલરામ પિકઅપ વૅનમાં હતો, જ્યારે 50 જણ એક ટેમ્પોમાં સવાર હતા.
ટેમ્પો મુંબઈ-અમદાવાદ હાઈવે પર ધાનીવરી ગામની હદમાં ઓવરબ્રિજ નજીક પહોંચ્યો ત્યારે કાળમુખું ક્ધટેનર તેના પર ઊંધું વળ્યું હતું. આ ઘટનામાં 13 જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે 20થી વધુ જખમી થયા હતા. ગંભીર રીતે ઘવાયેલા 14ને સારવાર માટે વેદાંત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ટ્રેઈલર અને ટેમ્પો બન્નેના ડ્રાઈવરની ભૂલને કારણે આ ભયાનક અકસ્માત થયો હતો. મુંબઈ તરફ પુરપાટ વેગે જઈ રહેલા ટ્રેઈલરના ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. બેકાબૂ બનેલું ટ્રેઈલર પહેલા ડિવાઈડર પર ચડ્યું હતું. પછી ડ્રાઈવરે વાહનને ઝડપથી ડાબી તરફ વાળ્યું હતું. ઝાટકા સાથે રસ્તા તરફ વળેલા ટ્રેઈલરના ડીલરના બોર્ડિંગ પરથી ક્ધટેનર છૂટું પડી ગયું હતું.

એકાએક ટ્રેઈલર જમણેથી ડાબે વાળવાને કારણે ક્ધટેનર છૂટું પડી ગયું હતું અને રૉન્ગ સાઈડથી આવેલા ટેમ્પો સાથે ઘસાઈને ઊંધું વળું ગયું હતું. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે શૉર્ટકટ મારવાના ચક્કરમાં ડ્રાઈવરે ટેમ્પો વિરુદ્ધ દિશામાં ચલાવ્યો હતો, જેને કારણે ટેમ્પોમાં બેસેલા લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
દરમિયાન ઘટનાની રાતે પાલઘરના પાલક પ્રધાન ગણેશ નાઈક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતકના પરિવારજનોને મળી તેમણે સાંત્વના આપી હતી. બાદમાં હૉસ્પિટલમાં જખમીઓના ખબર પૂછવા પણ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાને કારણે આ ઘટના બની હતી.

નાઈકે જણાવ્યું હતું કે ઈજાગ્રસ્તોની સારવારનો બધો ખર્ચ સરકાર ભોગવશે અને સારવાર પછી હૉસ્પિટલમાંથી રજા મળ્યા પછી પણ તેમની કાળજી લેશે.