અમદાવાદઃ શહેરનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સોનાની દાણચોરી માટે સ્મગલરોની પ્રથમ પસંદ હોય તેમ લાગે છે. જોકે છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે રૂપિયા 199 કરોડનું ગોલ્ડ સીઝ કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કસ્ટમ વિભાગ દ્વારા હાલ એક નવી ટ્રીક અજમાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વારંવાર દુબઈ કે બીજા દેશોમાંથી આવતા-જતા લોકો અને અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાં મુસાફરો પર નજર રાખવામાં આવી છે. જેના કારણે સોનાની તસ્કરી કરતાં લોકો પકડાઈ રહ્યા છે.
વર્ષ 2025ના આંકડા મુજબ, પાછલા બે વર્ષની સરખામણીમાં ગત વર્ષે પકડાયેલા સોનાનું પ્રમાણ થોડું ઓછું રહ્યું છે. કસ્ટમ્સ વિભાગના ડેટા મુજબ, વર્ષ 2024માં વિભાગે 126.5 કિલો સોનું જપ્ત કર્યું હતું, જેની સરખામણીમાં 2025માં 53.6 કિલો સોનું પકડાયું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 199 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
સોનાની દાણચોરીનો કોની સાથે છે સીધો સંબંધ
સૂત્રોએ જણાવ્યું હતું કે ભલે કુલ જથ્થો ઘટ્યો હોય, પરંતુ ટ્રેન્ડ મુજબ 2023માં પ્રતિ કેસ સરેરાશ 477 ગ્રામ સોનું પકડાતું હતું, તેની સામે 2025માં પ્રતિ કેસ સરેરાશ જપ્તી વધીને 825 ગ્રામ થઈ ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં જપ્ત કરાયેલા સોનાના પ્રતિ કિલોગ્રામ ભાવમાં પણ વધારો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનાની દાણચોરીનો સીધો સંબંધ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં થતી વધઘટ સાથે છે.
સોનાના સ્મગલિંગમાં એરલાઈન સ્ટાફની પણ સંડોવણી
કસ્ટમ્સ વિભાગે ગત વર્ષ અને 2026ની શરૂઆતમાં કેટલાક મોટા કેસો નોંધ્યા હતા. એક કિસ્સામાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ 2025માં એક સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો જેમાં એરલાઈન સ્ટાફની સંડોવણી પણ જોવા મળી હતી. આ સિન્ડિકેટ દ્વારા બે મહિનામાં 16 કરોડ રૂપિયાના સોનાની દાણચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
અઠવાડિયા પહેલા અન્ડરવેરમાં છુપાવેલું 96 લાખનું સોનું પકડાયું હતું
અમદાવાદ એરપોર્ટ પરથી અઠવાડિયા પહેલા અન્ડરવેરમાં છુપાવેલું 96 લાખનું સોનું પકડાયું હતું. દુબઈથી સોનાની દાણચોરી કરીને લાવી રહેલા એક મુસાફરને એર ઇન્ટેલિજન્સ યુનિટદ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી સ્પાઇસજેટની ફ્લાઇટમાંથી ઉતરેલા એક મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા કસ્ટમ્સના અધિકારીઓએ તેને અટકાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મુસાફર ગભરાયેલો જણાતો હતો, જેના આધારે એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ તેની સઘન તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન મુસાફરે તેના અન્ડરવેરમાં સોનાને પેસ્ટ સ્વરૂપે છુપાવેલું ગોલ્ડ મળી આવ્યું હતું. આ પેસ્ટ એવી રીતે લગાવવામાં આવી હતી કે તે પહેલી નજરે સામાન્ય કાપડ જેવું જ દેખાતું હતું. જ્યારે આ પેસ્ટને કાઢીને તેના પર રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવી, ત્યારે તેમાંથી 277.800 ગ્રામ શુદ્ધ સોનું મળી આવ્યું હતું. માત્ર અન્ડરવેર જ નહીં, પરંતુ આ શખસના ખિસ્સામાં રહેલા પર્સની તપાસ કરતા તેમાંથી 24 કેરેટ શુદ્ધતાની બે આખી સોનાની લગડીઓ અને એક કાપેલી લગડી મળી આવી હતી.
દાણચોરો કેટલો નફો કમાય છે?
વિદેશથી સોનાની દાણચોરી કરીને દાણચોરો કેટલો નફો કમાય છે, તેની સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે એક સામાન્ય ગણતરી મુજબ અંદાજે ₹14.6 લાખ/કિલો જેટલો નફો થાય છે. જ્યારે સોનાની દાણચોરી કરવામાં આવે છે, ત્યારે ન તો કસ્ટમ ડ્યુટી ચૂકવવામાં આવે છે કે ન તો GST. આથી, દાણચોરને સીધેસીધો ₹14.6 લાખ પ્રતિ કિલોનો નફો થાય છે. જો આમાંથી દાણચોરોનો ખર્ચ બાદ કરીએ – જેમાં સોનું લાવનાર વ્યક્તિને ચૂકવણી, થાઈલેન્ડ કે મિડલ-ઈસ્ટની રિટર્ન ટિકિટ, ત્યાં ત્રણ-ચાર દિવસનો રહેવાનો ખર્ચ અને હવાલા મનીનો ખર્ચ મળીને અંદાજે ₹4 લાખ થી ₹5 લાખ થાય છે – તો પણ દાણચોરોને પ્રતિ કિલો સોનાની દાણચોરી પર ₹9 થી 10 લાખનો ચોખ્ખો નફો મળે છે.
કયા વર્ષે કેટલું સોનું પકડાયું
વર્ષ કેસ જથ્થો (કિગ્રા) કિંમત (રૂ. કરોડ) ધરપકડ
2023 274 130.6 65.6 14
2024 250 126.6 81.9 31
2025 65 53.6 51.9 22
કુલ 589 310.7 199.4 67
(સોર્સઃ કસ્ટમ વિભાગ)