Wed Aug 19 2026

Logo

હવે સુરત શહેરની તાપી નદીમાં પણ મગર દેખાયો, લોકોને સાવધ રહેવા સૂચના

2026-08-05 14:33:32
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં મગરોનો વસવાટ છે અને ખાસ કરીને વરસાદ બાદ મગરો ઘણીવાર રસ્તા પર દેખાતા રહે છે. ત્યારે હવે સુરતની તાપી નદીમાં પણ મગરોની સંખ્યા વધી હોવાના અહેવાલો મળ્યા છે. 

શહેરમાં અગાઉ ફૂલપાડા અને અમરોલી વિસ્તારમાં મગર દેખાતા હતા પણ હવે શહેરના મધ્યમાં આવેલા જીલાની બ્રિજ નજીક આશરે 8 ફૂટ લાંબો મહાકાય મગર નજરે પડતા માછીમારોમાં થોડી ચિંતા વધી હતી. માછીમારી કરી રહેલા લોકોએ મહાકાય મગરને જોયો હતો અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. 

માત્ર 20 જ દિવસમાં ફૂલપાડા, અમરોલી અને હવે જીલાની બ્રિજ એમ સતત ત્રીજા અલગ-અલગ લોકેશન પર મગર દેખાયાની ઘટનાઓ બનતા તંત્રએ પણ સતર્કતા દાખવી છે અને વિસ્તારમાં મગરને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. જોકે એક જ મગર દેખાયો કે અલગ અલગ મગર છે તે અંગે હજુ કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. તાપીમાં વર્ષ 2006ના પૂર બાદ ક્યારેક ક્યારેક મગર દેખાયા છે. જોકે મગરે ક્યારેય હુમલો કર્યાનો બનાવ બન્યો નથી. 

તાપી નદીમાં લોકો વાર-તહેવારે જતા હોય છે. અહીં સ્નાન કરવા લોકો આવે છે. કોઝ વે પાસે યુવાનો ડૂબકી લગાવતા હોય છે. આથી સ્થાનિક તંત્રએ સાબદું રહેવા અનુરોધ કર્યો છે. જો મગર દેખાય તો વનવિભાગને જાણ કરવા તાકીદ કરી છે. આ સાથે થોડા સમય માટે તરવૈયાઓને નદીમાં તરવા માટે ન જવા તેમ જ માછીમારોને પણ સાવધ રહેવા જણાવ્યું છે.