Wed Jun 17 2026

Logo

અંજાર: ₹5.09 કરોડના હેરોઈન કેસમાં અઢી વર્ષ બાદ ગુનો નોંધાયો

2026-02-23 12:39:00
Author: Mayurkumar Patel
Article Image

ભુજઃ પાકિસ્તાન,ઈરાન અને અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ માટે સીમાવર્તી કચ્છ મુખ્ય ટ્રાન્સિસ્ટ પોઇન્ટ જેવું બની રહ્યું હોય તેમ આ સરહદી જિલ્લામાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના કેફી દ્રવ્યો સતત મળી રહ્યાં હોવાના સંખ્યાબંધ બનાવો વચ્ચે આજથી અઢી વર્ષ અગાઉ અંજારના સંઘડ નજીક જોગણીનાર સોલ્ટ મીઠાંના પાળા નજીકથી રૂા.૫,૦૯,૦૦,૦૦૦ના મળી આવેલા હેરોઇન પ્રકરણમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ આજે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. 

પ્રાપ્ત વિગતો મુજબ, દેવજી ભીમજી મંડળીના મીઠાંના પ્લોટ પાસેના દરિયા કિનારે શંકાસ્પદ પદાર્થ ભરેલું પડીકું કંડલા મરીન પોલીસને મળી આવ્યું હતું. તત્કાલીન પી.આઇ. એચ.કે.હુંબલે એફ.એસ.એલ.અધિકારીને બોલાવી પ્રાથમિક પૃથક્કરણ કરાતાં આ માદક પદાર્થ હેરોઇન હોવાનું બહાર આવ્યું હતું. જે-તે સમયે રૂા. ૫,૦૯,૦૦,૦૦૦નું એક કિલો ૧૮ ગ્રામ હેરોઇન જપ્ત કરાયું હતું. બાદમાં માદક પદાર્થનું પૃથક્કરણ કરવા ગાંધીનગર ડી.એસ.એસ.માં મોકલવામાં આવ્યું હતું. અઢી વર્ષ બાદ હેરોઇનના આ ગંભીર પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધવાનું ભૂલી ગઇ હોય તેમ આ બનાવ અંગે આજે અજાણ્યા શખ્સો સામે ગુનો દર્જ કરવામાં આવ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૨૮મી સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ પૂર્વ કચ્છ પોલીસ દળે ગાંધીધામના મીઠીરોહરના સીમાડે સમુદ્રી ખાડીમાંથી બિનવારસી હાલતમાં પડી રહેલાં ૮૦૦ કરોડથી વધુના મૂલ્યના ૮૦ કિલો કોકેઈનના પેકેટ જપ્ત કર્યાં હતાં. રાજ્યની પોલીસના ઇતિહાસમાં સૌથી મોટી માત્રામાં ઝડપાયેલા નશાના આ પ્રકરણ સંદર્ભે રાજ્યની આતંકવાદ વિરોધી ટુકડીએ જુદી જુદી દિશાઓમાં તપાસ આરંભી હતી અને અહીંથી જે કાંઈ પણ પુરાવા હાથે લાગ્યા હતા તે એકત્ર કરવામાં આવ્યા હતા. 

અલબત્ત કોકેઈનનો આ જંગી જથ્થો કચ્છમાં દરિયાઈ કે રણમાર્ગે કોણે ઘુસાડ્યો અને તેને છેક દેશના પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલા અને તેના હિન્ટર લેન્ડ સમાન ગાંધીધામ નજીકના મીઠીરોહર ગામ સુધી કેમ સરળતાથી પહોંચતો કરાયો તે ગંભીર બાબતના કોઈ સગડ હજુ સુધી મળી શક્યા નથી. 

આ ઉપરાંત મીઠીરોહરથી પ્રમાણમાં નજીક એવા કંડલાના દરિયાને અડકીને આવેલા જોગણીનાર નામના તીર્થસ્થાન નજીકથી મળેલા બિનવારસુ હેરોઇનના જથ્થાની તપાસમાં પણ હજુ કોઈ કડી મળી નથી.પાકિસ્તાન કે અફઘાનિસ્તાનથી આવતાં હેરોઈન અને ચરસ જેવા માદક દ્રવ્યોની તુલનાએ કોકેઈનનું સ્મગલિંગ મોટાભાગે અમેરિકા, મેક્સિકો અને આફ્રિકન દેશો મારફતે થાય છે. કચ્છના કંડલાનો દરિયાકાંઠો કોકેઈનના ડિલરો માટે લેન્ડિંગ પોઈન્ટ બની રહ્યો હોય તેવું ભૂતકાળમાં બનેલી આ ઘટનાઓ પરથી ફલિત થઇ રહ્યું છે અને કેફી દ્રવ્યોની હેરાફેરી માટે નામચીન ગણાતા ગોલ્ડન ટ્રાયેન્ગલ નજીકના વિસ્તારમાં કચ્છની જળસીમા આવતી હોવાથી જાણે કચ્છ પણ હવે ડ્રગ માફિયાઓના મુલક સમા ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ગોલ્ડન ટ્રાયેન્ગલનો કેફી દ્રવ્યોની બાબતમાં એક ભાગ બની ચૂક્યું હોય તેવી પરિસ્થિતિનું કમનસીબે નિર્માણ થઇ રહ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)