ભુજઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડની લોજિસ્ટિક્સ પાંખ ‘અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ’ દ્વારા દેશની પ્રથમ ખાસ રેફ્રિજરેટેડ (રીફર) કન્ટેનર ટ્રેનનો પ્રારંભ કરાયો છે. હાયફન ફૂડ્સની નિકાસ પ્રવૃત્તિ માટે શરૂ કરાયેલો આ રેલ કોરિડોર ગુજરાતના આઈસીડી વિરોચનનગરને મુન્દ્રા પોર્ટ સાથે જોડે છે. ફ્રોઝન ફૂડ નિકાસ ક્ષેત્રે આધુનિક કોલ્ડ ચેઈન લોજિસ્ટિક્સના નિર્માણ માટે આ પ્રોજેક્ટ એક મોટું સીમાચિહ્ન સાબિત થશે.
આ નવો પ્રોજેક્ટ હાયફન ફૂડ્સ, અદાણી લોજિસ્ટિક્સ અને વૈશ્વિક શિપિંગ કંપની એવરગ્રીન મરીન કોર્પોરેશન વચ્ચેની ત્રિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીનું પરિણામ છે. આ ખાસ રીફર ટ્રેન મારફતે ફ્રોઝન કાર્ગોને મલેશિયા, સિંગાપોર, દક્ષિણ કોરિયા, જાપાન, તાઇવાન અને ઇન્ડોનેશિયા જેવા વૈશ્વિક બજારોમાં નિકાસ કરવામાં આવશે.
આ રેલ સેવાથી રોડ ટ્રાન્સપોર્ટ પરનું ભારણ ઘટશે, જેના કારણે કાર્બન ઉત્સર્જનમાં પણ મોટો ઘટાડો નોંધાશે. સાણંદ અને વિરમગામ જેવા ઔદ્યોગિક હબની નજીક આવેલું અદાણી આઈસીડી વિરોચનનગર વાર્ષિક ૯૨,૪૦૦ કન્ટેનર હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે અને તે મુન્દ્રા તથા પીપાવાવ બંદરો માટે આયાત-નિકાસ કનેક્ટિવિટી પૂરી પાડે છે.
(ઉત્સવ વૈદ્ય)