અમદાવાદઃ અમદાવાદમાં રેપના આરોપીને કોરોના થતાં પોલીસે સિવિલમાંથી ખાનગી હૉસ્પિટલમાં જવા દીધો હતો. જે બદલ બે પોલીસ સામે કેસ થયો છે.
શું છે મામલો
કોરોના મહામારી દરમિયાન સિવિલમાંથી એક કોવિડ પોઝિટવ આરોપીને કસ્ટડીમાંથી ભાગી જવામાં કથિતપણે મદદ કરવા બદલ અથવા નિષ્કાળજી દાખવવા બદલ બે પોલીસકર્મી સામે કોર્ટમાં કેસ ચાલશે. શહેરની સેશન્સ કોર્ટે બંને પોલીસકર્મીઓને કેસમાંથી ડિસ્ચાર્જ કરવાની અરજી ફગાવી દીધી હતી.
સુનીલ ભંડેરીના નામના આરોપીની 26 ઓગસ્ટ, 2020ના રોજ કૃષ્ણનગરના પીઆઈ દ્વારા દુષ્કર્મના કેસમાં અટકાયત કરવામાં આવી હતી. તેની ઔપચારિક ધરપકડ થાય તે પહેલાં તેનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવતાં સિવિલ હૉસ્પિટલ કેમ્પસ સ્થિતિ 1200 બેડની હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.
આરોપી પર નજર રાખવા હૉસ્પિટલ બિલ્ડિંગની બહાર પોલીસ હેડ કોન્સ્ટેબલ દિનેશકુમાર જીવાજી અને લોકરક્ષક વનરાજસિંહ વીણુભાને તૈનાત કરાયા હતા. જોકે બીજા દિવસે આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ બંને પોલીસકર્મી સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી. જેમાં કસ્ટડીમાંથી કેદીને ભાગી જવા દેવો, ચેપી રોગ ફેલાવવો અને સરકારી જાહેરનામાનો ભંગ કરવા જેવી આઈપીસી અને એપેડેમિક ડિસીઝ એક્ટ હેઠળની કલમો ઉમેરવામાં આવી હતી.
સરકારી હૉસ્પિટલમાંથી ભાગ્યા બાદ આરોપી સુનીલ ભંડેરી પશ્ચિમ અમદાવાદની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો. તેણે જાતે જ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને જાણ કરી હતી કે સિવિલ હૉસ્પિટલની સારવાર અંગે ડર હોવાથી તે ખાનગી હૉસ્પિટલમાં દાખલ થઈ ગયો છે.
આ અગાઉ, જૂન 2025માં મેટ્રોપોલિટન કોર્ટે બંને પોલીસકર્મીઓની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી, જે બાદ તેમણે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. બચાવ પક્ષે એવી દલીલ કરી હતી કે આરોપીની વિધિવત ધરપકડ થઈ ન હોવાથી તેને ટેકનિકલી 'કેદી' ગણી શકાય નહીં. વધુમાં, કોવિડ હૉસ્પિટલમાં માત્ર મેડિકલ સ્ટાફને જ અંદર જવાની મંજૂરી હતી અને પોલીસકર્મીઓ બિલ્ડિંગની બહાર તૈનાત હોવાથી દર્દી પર સીધી નજર રાખવી શક્ય ન હતી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમની સામેની ખાતાકીય તપાસ તેમના પક્ષમાં પૂરી થઈ હતી અને અગાઉ આપેલી દંડની સજા પણ પાછી ખેંચી લેવામાં આવી હતી.