Thu Jun 18 2026

Logo

યુદ્ધના કારણે સર્જાયેલ ગેસ સંકટ હળવું થયું, ભુજમાં વિતરણ વ્યવસ્થા થાળે પડી

2026-03-18 14:31:08
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 18 દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધના પગલે વૈશ્વિક સ્તરે ઉર્જા સંકટ ઘેરાયું છે. ખાડી દેશના યુદ્ધને કારણે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની ગણાતી હરમૂઝ સામુદ્રધુની બંધ થઈ જતાં વિશ્વભરમાં ઓઈલ અને ગેસના પુરવઠામાં વિક્ષેપ પડ્યો હતો જેની સીધી અસર સ્થાનિક સ્તરે રાંધણગેસની અછત તરીકે જોવા મળી હતી. જોકે, ભારતની કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ અને સપ્લાય ચેઈન જાળવવાના પ્રયાસોને પરિણામે હવે સરહદી કચ્છના મુખ્ય મથક ભુજ સહિતના વિસ્તારોમાં રાંધણ ગેસના પુરવઠામાં ધીમે-ધીમે સુધારો થતાં જનજીવનને આંશિક રાહત થઇ છે.

ભુજની વિવિધ ગેસ એજન્સીઓ દ્વારા મળતી માહિતી મુજબ, ઉપરવાસથી પુરવઠો રેગ્યુલર થતા વિતરણ વ્યવસ્થા થાળે પડી રહી છે. હાલ પુરવઠો પૂરતો મળી રહ્યો છે, પરંતુ હોસ્પિટલો અને સેવાકીય સંસ્થાઓ સિવાયના અન્ય કોમર્શિયલ વપરાશકારો પર કાપ યથાવત છે તેમ ભુજની સહજાનંદ ગેસ એજન્સીના પીયૂષ કરમટાએ જણાવ્યું હતું. 1000 જેટલા એલપીજી સિલિન્ડર દૈનિક આવી રહ્યા છે, જેમાંથી 700 થી 800 બોટલનું વિતરણ ફેરિયાઓ દ્વારા નિયમિત કરવામાં આવે છે. કોમર્શિયલ ક્ષેત્રે પણ 10 થી 20 ટકા જેટલી આંશિક છૂટછાટ આપવામાં આવી હોવાનું જીનીશા ગેસ એજન્સીના તપન ઠક્કરે જણાવ્યું હતું. 

ખાડી દેશના ભીષણ યુદ્ધની સ્થિતિને કારણે સર્જાયેલી અછત વચ્ચે નાગરિકોમાં 'પેનિક બુકિંગ'નું પ્રમાણ વધ્યું હતું. ઘરમાં ભરેલું સિલિન્ડર હોવા છતાં વધારાના સિલિન્ડરને બુક કરાવવાની હોડ જામતા અને બીજી તરફ એજન્સીઓના સર્વર ડાઉન રહેતા કૃત્રિમ અછત જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત, ગેસ નોંધાવવા માટે કેવાયસી ફરજિયાત બનતા બુકિંગના ધસારામાં પણ ફેરફાર નોંધાયો હોવાનું તપન ઠક્કરે ઉમેર્યું હતું.

કેન્દ્ર સરકારની નવી નીતિ મુજબ, જે ગ્રાહકો પાસે પાઇપ્ડ નેચરલ ગેસના જોડાણો છે તેમને પોતાના એલપીજી સિલિન્ડર પરત જમા કરાવી દેવા આદેશ અપાયો છે. ભુજમાં આજે અનેક ગ્રાહકો સિલિન્ડર જમા કરાવવા પહોંચ્યા હતા, પરંતુ એજન્સીમાં સર્વરની ખામીને કારણે ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી હોવાના અહેવાલો પણ સાંપડ્યા છે. હાલમાં પરિસ્થિતિ સુધરતા સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ સંપૂર્ણ સુધારો થવામાં હજુ થોડો સમય લાગે તેવી શક્યતા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

(ઉત્સવ વૈદ્ય)