જૂનાગઢ: ગુજરાતની ચર્ચિત અને વારંવાર વિવાદોમાં રહેતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની આખરે ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢમાં નોંધાયેલા ગંભીર ગુનાઓને પગલે પોલીસ છેલ્લા કેટલાક સમયથી તેની શોધમાં હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસની એક ટુકડીએ રાજસ્થાનથી તેની અટકાયત કરી છે. કીર્તિ પટેલ સામે છેલ્લા કેટલાક દિવસોમાં એક પછી એક 3 જેટલી પોલીસ ફરિયાદો નોંધાઈ છે, જેને પગલે તેની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે.
શું છે સમગ્ર મામલો?
આ વિવાદની શરૂઆત જૂનાગઢના એક યુટ્યુબર અબજલ સીજા દ્વારા કીર્તિ પટેલના વીડિયોનો વિરોધ કરવાથી થઈ હતી. અબજલનો આરોપ છે કે તેના વિરોધને કારણે કીર્તિના સોશિયલ મીડિયા ફોલોઅર્સ ઘટવા લાગ્યા હતા. આ વાતનો ખાર રાખીને કીર્તિ પટેલ અને તેની ટોળકીએ અબજલને ધમકાવવાનું શરૂ કર્યું હતું. આક્ષેપ મુજબ, તેની પાસે 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને જો તે પૈસા નહીં આપે તો તેને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી અપાઈ હતી. આ માનસિક ત્રાસથી કંટાળીને અબજલે બે વાર ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ સમગ્ર વિવાદનું મૂળ જૂનાગઢના મહાશિવરાત્રી મેળા સાથે જોડાયેલું છે. મેળા દરમિયાન કીર્તિ પટેલે પ્રતિબંધિત મૃગી કુંડમાં સ્નાન કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ કૃત્યથી સાધુ સંતો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. યુટ્યુબર અબજલે આ જ ઘટનાનો વિરોધ કર્યો હતો, જે બાદમાં પર્સનલ એનિમી અને ખંડણીના ગંભીર કેસમાં ફેરવાઈ ગયો હતો. જૂનાગઢ પોલીસે આ મામલે કીર્તિ સહિત કુલ 5 લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ તેજ કરી છે.
જૂનાગઢના ઉદ્યોગનગર પોલીસ મથકે કીર્તિ પટેલ ઉપરાંત દિવ્યા સાવલાણી, જશપાલસિંહ, હનુ ચાવડા અને વિરમ મેવાડા વિરુદ્ધ ખંડણી, જાનથી મારી નાખવાની ધમકી અને આત્મહત્યાની દુષ્પ્રેરણા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોમાં ભય ફેલાવતી અને કાયદો હાથમાં લેતી આવી ટોળકીઓ સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. કીર્તિ પટેલની ધરપકડ બાદ તેની આખી ટોળકીના સભ્યોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત છે.