Tue Aug 25 2026

Logo

થરાદમાં કોંગ્રેસની રેલીમાં પોલીસ સાથે ઘર્ષણ બાદ જિલ્લા મહિલા પ્રમુખ સહિત 3 નેતાઓ સામે ફરિયાદ

2026-05-07 16:01:24
Author: Devayat Khatana
થરાદમાં કોંગ્રેસની રેલીમાં પોલીસ સાથે ઘર્ષણ બાદ જિલ્લા મહિલા પ્રમુખ સહિત 3 નેતાઓ સામે ફરિયાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ  જગદીશ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીના વિરોધમાં બનાસથરાદ ખાતે વિશાળ વિરોધ રેલી અને આવેદનપત્ર કાર્યક્રમ યોજાયો હતો. થરાદ ખાતે મોટી સંખ્યામાં સર્વ સમાજના આગેવાનો, યુવાનો, બહેનો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ રેલી કાઢીને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. આ રેલી દરમિયાન કોંગ્રેસના મહિલા કાર્યકર્તા અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. 

મળતી વિગતો અનુસાર, થરાદ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસની રેલી દરમિયાન કોંગ્રેસના મહિલા કાર્યકર્તા અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. આ રેલી દરમિયાન, કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાઈ તેમજ ફરજ પરના તૈનાત પોલીસ કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. આ મામલે થરાદ પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ અને જાહેરનામાના ભંગ બદલ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાઈ સહિત ત્રણ કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. જે ત્રણ નેતાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાઈ, થરાદ તાલુકા પ્રમુખ પ્રધાનજી ઠાકોર અને નવા ચૂંટાયેલા જિલ્લા પંચાયત સદસ્ય સિદ્ધરાજસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે.

આ મામલે, ગેનીબેન ઠાકોરે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, થરાદ પોલીસ દ્વારા સિધ્ધરાજ, પ્રધાનજી અને ગીતાબેન કોંગ્રેસના ત્રણ કાર્યકરો સામે કરાયેલી ખોટી ફરિયાદ લોકશાહી પર પ્રહાર છે. સત્યનો અવાજ દબાવવાનો અને કાર્યકરોને ડરાવવાનો પ્રયાસ સ્વીકાર્ય નથી. નિર્દોષોને તાત્કાલિક ન્યાય, નિષ્પક્ષ તપાસ અને જવાબદાર સામે કડક કાર્યવાહી જરૂરી છે.