Tue May 05 2026

Logo

મુસ્લિમ પોલિટિક્સઃ બંગાળ-આસામમાં કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્યોનો દબદબો, આંકડાની ટકાવારી જોઈ ચોંકી જશો!

2026-05-05 16:23:31
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: 2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામોએ મુસ્લિમ મતોના ધ્રુવીકરણ અને રાજકીય પ્રતિનિધિત્વનો એક નવો જ અને ચોંકાવનારો ટ્રેન્ડ જોવા મળ્યો છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને આસામમાં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોમાં મુસ્લિમ ચહેરાઓનું વર્ચસ્વ ઉડીને આંખે વળગે તેવું છે. આસામમાં કોંગ્રેસના 19માંથી 18 ધારાસભ્યો મુસ્લિમ છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના તમામ 100 ટકા જીતેલા ઉમેદવારો મુસ્લિમ છે. એટલે કે આ રાજ્યોમાં કોંગ્રેસ હવે સંપૂર્ણપણે લઘુમતી મતો પર નિર્ભર બની રહી છે.

આમ તો રાજકારણમાં ભાજપ લાંબા સમયથી કોંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિનો આરોપ લગાવતી રહી છે, જે આ ચૂંટણી પરિણામોમાં પણ દેખાય આવ્યું છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસે સૌથી વધુ 78 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી ફરાક્કાથી મોતાબ શેખ અને રાનીનગરથી ઝુલ્ફીકાર અલી જીત્યા છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ આ રાજ્યોમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નહોતી.

આસામમાં પણ સ્થિતિ બંગાળ જેવી જ રસપ્રદ રહી છે. અહીં કોંગ્રેસના 95  ટકા ધારાસભ્યો મુસ્લિમ છે, જેમાં માત્ર લખીમપુરની નવબોઈચા બેઠક પરથી ડો. જોય પ્રકાશ દાસ એકમાત્ર બિન-મુસ્લિમ ધારાસભ્ય તરીકે જીત્યા છે. કેરળમાં જોકે ચિત્ર થોડું અલગ અને સામાજિક રીતે સંતુલિત છે, જ્યાં કોંગ્રેસના 62 ધારાસભ્યોમાંથી 8 મુસ્લિમ છે, જ્યારે બાકીના ખ્રિસ્તી અને હિન્દુ સમુદાયના પ્રતિનિધિઓ છે. કેરળમાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યામાં 2021ની સરખામણીએ 5નો વધારો થયો છે.

રાજકીય વિશ્લેષકોના મતે, 2026ના આ પરિણામો ભારતીય રાજનીતિમાં પ્રતિનિધિત્વની બદલાતી તસવીર રજૂ કરે છે. એક તરફ કોંગ્રેસે લઘુમતી મતોને પોતાની સાથે જોડી રાખવા માટે મોટા પાયે ટિકિટો આપી છે, તો બીજી તરફ ભાજપે મુસ્લિમ ઉમેદવારોથી અંતર જાળવીને પોતાના કોર વોટબેંક પર ભરોસો મૂક્યો છે. આ વિરોધાભાસી વ્યૂહરચના આવનારા સમયમાં ધ્રુવીકરણની રાજનીતિ અને સામાજિક સમીકરણો પર ઊંડી અસર પાડી શકે છે.